મુખ્ય સમાચાર
News of Friday, 31st March 2023

ધનની દેવી માતા લક્ષ્મીને પ્રસન્‍ન કરવા માટે શુક્રવારે પૂજા-અર્ચના કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે

શુક્રવારના દિવસે 5 ઉપાયો દ્વારા માતા લક્ષ્મીના આશિર્વાદ પ્રાપ્‍ત કરી શકાય

નવી દિલ્‍હીઃ સનાતન ધર્મમાં સપ્તાહના દરેક દિવસનું વિશેષ મહત્વ દર્શાવવામાં આવ્યું છે. સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી-દેવતાને સમર્પિત હોય છે. આવી જ રીતે શુક્રવારનો દિવસ માતા લક્ષ્મી અને શુક્રદેવને સમર્પિત માનવામાં આવે છે. શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા અર્ચના કરવાથી ઘર પરિવારમાં સુખ સમૃદ્ધિ વધે છે. શાસ્ત્રો અનુસાર ઘરમાંથી આર્થિક સંકટ દૂર કરવા હોય તો શુક્રવારના દિવસે કેટલાક ઉપાય કરી શકાય છે. આ સરળ કામ કરીને માતા લક્ષ્મીના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય છે.

શુક્રવારના ઉપાય

- પરિવારની આર્થિક તંગી દૂર કરવા માટે ૧૨ કોડીને સળગાવી તેની રાખ બનાવી લેવી. આ રાખને લીલા રંગના કપડામાં બાંધીને પાણીમાં પ્રવાહિત કરી દેવી. આમ કરવાથી દરિદ્રતા દૂર થાય છે અને પરિવારની સ્થિતિ સુધરવા લાગે છે.

- જો કરજ વધી ગયું હોય તો કરજને દૂર કરવા માટે દર શુક્રવારે કમલ ગટ્ટાની માળાથી માતા લક્ષ્મીના મંત્રોનો જાપ કરવો. આમ કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે કરજથી મુક્તિ મળે છે.

- ઘરમાં ધનની આવક વધે તે માટે શુક્રવારે માતા લક્ષ્મીની પ્રતિમા સામે અખંડ દીવો કરવો. આબુ 11 શુક્રવારે કરવું અને 11 માં શુક્રવારે 11 કન્યાઓને ભોજન કરાવો.

- ઘરમાં કંકાસ વધારે થતો હોય તો દર શુક્રવારે દક્ષિણાવર્તી શંખમાં પાણી ભરીને ભગવાન વિષ્ણુનો અભિષેક કરવો. સાથે જ ઘરમાં શાંતિ રહે તે માટે પ્રાર્થના કરવી.

- પરિવારમાં જો કોઈ વ્યક્તિની તબિયત ખરાબ રહેતી હોય તો શુક્રવારના દિવસે મહાલક્ષ્મીમાનું ધ્યાન કરી અને શ્રી સૂક્તનો પાઠ કરો.

(5:52 pm IST)