મુખ્ય સમાચાર
News of Monday, 31st May 2021

મહામારી વચ્ચે પણ સ્માર્ટફોનની માંગમાં ગજબની તેજી

ગત વર્ષે મહામારીની મંદી પછી મિડ એન્ડ લો રેન્જ 4G ફોનની માંગ નોંધનીય રહી

નવી દિલ્હી,તા.૩૧: : ભયાનક કોરોના મહામારીને લીધે દુનિયાના મોટા ભાગના દેશોની આર્થિક વ્યવસ્થા ખોરવાઇ ચૂકી છે. અનેક ઔદ્યોગિક અને અન્ય ક્ષેત્રોમાં મંદી છવાઇ ગઇ છે. સામાન્ય અને ગરીબ લોકો આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યા છે, પરંતુ આ બધામાં સ્માર્ટફોનનું માર્કેટ સતત તેજી પર રહ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. તાજેતરમાં સામે આવેલા એક રિપોર્ટ મુજબ સ્માર્ટફોન શિપમેન્ટ ૨૦૨૧માં વૈશ્વિક સ્તરે ૧.૩૮ બિલિયન (૧૩૮ કરોડ) યૂનિટ સુધી પહોંચવાનું અનુમાન છે. ૨૦૨૦ની સરખામણીએ આ પ્રમાણ ૭.૭ ટકા વધુ છે અને ૨૦૧૫ પછીનું સૌથી ઉંચ્ચુ પ્રમાણ છે.

ઇન્ટરનેશનલ ડેટા કોર્પોરશન-IDCના વર્લ્ડવાઇડ કવાર્ટરલી મોબાઇલ ફોન ટ્રેકર મુજબ આ તેજી ૨૦૨૨ સુધી યથાવત રહેશે. જેમાં દર વર્ષે ૩.૮ ટકાનો વધારો થશે અને ટોટલ શિપમેન્ટ ૧૪૩ કરોડ સુધી પહોંચશે.

જોકે એક નિષ્ણાંતના કહેવા મુજબ હાલના માર્કેટમાં લોકો પર્સનલ કોમ્પ્યુટર, ટેબલેટ, ટીવી, સ્માર્ટ હોમ ડિવાઇસિસ જેવા ઉપકરણો પર વધારે ખર્ચ કરી રહ્યા છે. એમ છતાં સ્માર્ટફોનના માર્કેટમાં મોટો ફરક જોવા નથી મળ્યો.

સ્માર્ટફોનના માર્કેટમાં ચીન સૌથી આગળ હોવાનું સામે આવ્યું છે. રિપોર્ટના અનુમાન મુજબ ચીન ૨૦૨૧માં ૫G શિપમેન્ટમાં આશરે ૫૦ ટકા ભાગીદારી સાથે આગળ વધશે, જયારે અમેરિકાની ભાગીદારી ૧૬ ટકાની રહેશે. આ સિવાય પશ્ચિમ યુરોપ અને એશિયા ૨૦૨૧ના અંત સુધી વિશ્વસ્તરે ૫G માર્કેટના ૨૩.૧ ટકાનો હિસ્સો ધરાવશે.

આ રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, ગત વર્ષે મહામારીની મંદી પછી મિડ એન્ડ લો રેન્જ ૪G ફોનની માંગ નોંધનીય રહી છે.

(9:51 am IST)