મુખ્ય સમાચાર
News of Monday, 31st May 2021

ધુમ્રપાન કરનારા માટે કોવિડ ખતરનાકઃ મોતનું જોખમ ૫૦ ટકા જેટલું હોય છે

કોરોનાનું જોખમ ઘટાડવા માટે સ્મોકિંગ છોડવામાં ભલાઈ : ફેફસાંને આ ધીમા ઝેરથી બચાવવા માટે સ્મોકિંગ છોડવું : ફેફસા નબળા હોવાથી ઓકિસજન, વેન્ટિલેટરની વધુ જરૂર પડે છે

નવી દિલ્હી,તા. ૩૧: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, સ્મોકિંગ કરીને પોતાના ફેફસાંને નુકસાન પહોંચાડતા લોકોમાં કોવિડની ગંભીરતા અને તેનાથી મોતનું જોખમ ૫૦ ટકા વધારે હોય છે. કોરોના વાયરસનું જોખમ ઘટાડવા માટે સ્મોકિંગ છોડવામાં ભલાઈ છે. સ્મોકિંગના કારણે કેન્સર, હાર્ટની બીમારી અને શ્વાસ લેવાની તકલીફનું જોખમ વધી જાય છે.

ડોકટરના જણાવ્યા મુજબ, અત્યારે જે લોકો સ્મોકિંગ કરી રહ્યા છે તેમણે કોરોનાની આ મહામારીને ધ્યાનમાં રાખતા આ લત છોડવી જોઈએ. સ્મોકિંગ કરતા લોકોએ સ્વસ્થ ફેફસાંનું મહત્વ સમજવું જોઈએ અને કોરોનાનો સામનો કરી રહેલા તેમજ ફેફસાંની ક્ષમતા ગુમાવી ચૂકેલા દર્દી વિશે જાણવું જોઈએ. પોતાના ફેફસાંને આ ધીમા ઝેરથી બચાવવા માટે સ્મોકિંગ છોડવું જોઈએ.

અન્ય એક ડોકટરના જણાવ્યા મુજબ, કોરોના અથવા ફેફસાં સંબંધિત કોઈપણ સંક્રમણના સંદર્ભમાં સૌથી પહેલા એવું સમજો કે ફેફસાં જેટલા સ્વસ્થ હશે તેટલી જલદી સાજા થવાની ક્ષમતા વધશે. સ્મોકિંગ કરતા લોકોમાં ફેફસા નબળા પડી જાય ત્યારે કોરોના સંક્રમણ બાદ થતાં ગંભીર ન્યૂમોનિયાનું જોખમ વધુ રહેલું છે. જે લોકો સ્મોકિંગ કરે છે તેઓમાં ગંભીર કોવિડ અને તેનાથી મૃત્યુની સંભાવના ૫૦ ટકા વધી જાય છે, કારણકે સ્મોકિંગના લીધે આવા લોકોના ફેફસાં અગાઉથી જ ડેમેજ થયેલા હોય છે!

તેમણે વધુમાં જણાવ્યું કે, સ્મોકિંગ કરતા લોકોનું શરીર કોરોના વાયરસના હુમલાનો સામનો કરી શકતું નથી અને ફેફસા નબળા હોવાના કારણે તેઓને ઓકિસજન તેમજ વેન્ટિલેટરની વધુ જરૂર પડે છે. કોરોના વાયરસની વ્યકિતની નસો અને માંસપેશીઓ પર થતી અસર સ્મોકિંગના કારણે વધુ ગંભીર થઈ શકે છે કારણકે તમાકુ પણ રકતવાહિનીઓને વધુ નુકસાન પહોંચાડે છે.

(10:01 am IST)