મુખ્ય સમાચાર
News of Monday, 31st May 2021

સાઉદી અરબે ૧૧ દેશોના નાગરિકોને પ્રવાસની મંજુરી આપી

ભારતીયો પર પ્રતિબંધ યથાવત

નવી દિલ્‍હી તા. ૩૧ : સાઉદી અરબે રવિવારે ૧૧ દેશોના નાગરિકો માટે સાઉદીમાં પ્રવાસ ખેડવા સામેના પ્રતિબંધો ઉઠાવી લીધા હતા. જોકે નાગરિકોએ દેશના ક્‍વોરન્‍ટાઇન પ્રોટોકોલનું પાલન કરવું પડશે. બીજી તરફ સાઉદી અરબે ભારત સહિતના ૯ દેશોના નાગરિકો પરનો પ્રવાસ પ્રતિબંધ યથાવત રાખ્‍યો છે. જે દેશો પર પ્રવાસ પ્રતિબંધ યથાવત છે તેમાં ભારત, પાકિસ્‍તાન, આજર્ેિન્‍ટના, બ્રાઝિલ, તુર્કી, દક્ષિણ આફ્રિકા, લેબનોન, ઇજિપ્ત અને ઇન્‍ડોનેશિયાનો સમાવેશ થાય છે.

કોવિડ-૧૯ સંક્રમણને અટકાવવા સાઉદી અરબે ફેબ્રુઆરીમાં ૨૦ જેટલા દેશોની ફલાઇટ હંગામી મુદત માટે અટકાવી દીધી હતી. હવે તે પૈકીના ૧૧ દેશો પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્‍યો છે. સાઉદી અરબે જે ૧૧ દેશોના નાગરિકો માટે પ્રવાસ પ્રતિબંધ ઉઠાવી લીધા છે તેમાં યુએઈ, જર્મની, અમેરિકા, આયર્લેન્‍ડ, ઇટાલી, પોર્ટુગલ, યુકે , સ્‍વીડન, સ્‍વિત્‍ઝર્લેન્‍ડ, ફ્રાન્‍સ, જાપાનનો સમાવેશ થાય છે. સાઉદીની સમાચાર સંસ્‍થાના જણાવ્‍યા મુજબ ૧૧ દેશોના નાગરિકોને ૩૦ મેથી પ્રવાસે આવવાની મંજૂરી રહેશે.

સમાચાર એજન્‍સીએ એમ પણ જણાવ્‍યું હતું કે સાઉદીના આંતરિક મંત્રાલયે સંક્રમણને રોકવા તે ૧૧ દેશોએ લીધેલા અસરકારક પગલાની સમીક્ષા કરીને તે દેશોના નાગરિકોના સાઉદી પ્રવાસને મંજૂરી આપવા નિર્ણય લીધો હતો. સાઉદી અરબ આવનારા આંતરરાષ્ટ્રીય પ્રવાસીને ફરજીયાત પણે દેશમાં ઉભી થયેલી ક્‍વોરેન્‍ટાઇન સુવિધા ખાતે સ્‍વ ખર્ચે સાત દિવસ ક્‍વોરેન્‍ટાઇન રહેવું પડશે. સાતમા દિવસે તેને પીસીઆર ટેસ્‍ટ કરાવવાનો રહેશે. ટેસ્‍ટ નેગેટિવ આવે તો જ તે ક્‍વોરેન્‍ટાઇન સ્‍થાન છોડીને સાઉદીમાં પ્રવાસ ખેડી શકશે.

ઉલ્લેખનીય છે કે, સાઉદીએ જણાવ્‍યું હતું કે કોવિડ-૧૯ મહામારીને સામનો કરી રહેલા ભારતને અપાઇ રહેલી મદદમાં વધારો કરીને જહાજોમાં મેડિકલ ઓક્‍સિજન અને ટેન્‍કર્સનો વધુ જથ્‍થો પુરો પાડશે. ગયા મહિને સાઉદી અરબે ભારતને જહાજ મારફતે ૮૦ ટન પ્રવાહી ઓક્‍સિજન પુરો પાડયો હતો.

(10:33 am IST)