મુખ્ય સમાચાર
News of Monday, 31st May 2021

CBSE અને ICSEની 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાની માગ: પિટિશન પર આજે સુપ્રીમમાં સુનવણી

એડવોકેટ મમતા શર્મા દ્વારા દાખલ કરાઈ છે પિટિશન: વિધાર્થીઓ ટ્વિટર પર હેશટેગ #cancelboardexamsસાથે કેટલીય વાર કેમ્પેઇન ચલાવી ચૂક્યા છે

નવી દિલ્હી : CBSE અને ICSEની 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાની માગવાળી પિટિશન પર આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થશે. એડવોકેટ મમતા શર્મા દ્વારા દાખલ એક પિટિશનમાં કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ અને કાઉન્સિલ ફોર ધ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશનની 12માં ધોરણની બોર્ડની પરીક્ષાઓ રદ્દ કરવાની માંગ કરવામાં આવી છે.

આ પહેલા શુક્રવારે જસ્ટિસ એએમ ખાનવિલકર અને જસ્ટિસ દિનેશ મહેશ્વરીની ખંડપીઠે આ મામલો સ્થગિત કરી દીધો હતો. આ સાથે જ કોર્ટે એ પણ કહ્યુ હતુ કે સીબીએસઇ આ મુદ્દા પર પહેલી જૂને નિર્ણય લઇ શકે છે. કોર્ટે કહ્યુ હતુ કે આશા રાખો કદાચ સોમવાર સુધી કોઇ પ્રસ્તાવ આપના પક્ષમાં હોય. અમે સોમવારે આ કેસની સુનાવણી કરીશું

કોરોના મહામારીની બીજી લહેરને જોતા કેટલાક દિવસોથી ધોરણ 12ના વિધાર્થીઓ પરીક્ષા રદ્દ કરવાની માગ કરી રહ્યા છે. વિધાર્થીઓ ટ્વિટર પર હેશટેગ #cancelboardexamsસાથે કેટલીય વાર કેમ્પેઇન ચલાવી ચૂક્યા છે.

 

સીબીએસઇ સહિત અન્ય બોર્ડ દ્વારા ધોરણ 12ન પરીક્ષા રદ્દ થવાની સ્થિતિમાં વિકલ્પોને લઇ વિચાર કરવામાં આવી રહ્યા છે. આમાં એક પ્રસ્તાવ એ પણ છે કે સીબીએસઇ બોર્ડ ધોરણ 9,10 અને 11ના રિઝલ્ટના આધાર પર 12માં ધોરણના વિધાર્થીઓને માર્કસ આપી શકે છે. જો કે મળેલી જાણકારી પ્રમાણે વધારે રાજ્યોએ ઓગષ્ટમાં મુખ્ય વિષયોની પરીક્ષાને લઇ સીબીએસઇ દ્વારા પ્રસ્તાવિત વિક્લ્પનું સમર્થન કર્યુ છે.

23 મેના રોજ યોજાયેલી હાઇ લેવલ મીટિંગમાં શિક્ષણ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે કહ્યુ હતુ કે 12માં ધોરણની પરીક્ષાની તારીખોને લઇને 1 જૂનના રોજ નિર્ણય લેવામાં આવી શકે છે. જો આજે સુપ્રીમ કોર્ટનો પક્ષ પરીક્ષા આયોજિત કરાવવાના પક્ષમાં થાય છે તો 1 જૂને આ વિશે જાહેરાત થઇ શકે છે.

(11:01 am IST)