મુખ્ય સમાચાર
News of Saturday, 31st July 2021

લલન સિંહ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા : રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં લેવાયો મોટો નિર્ણય

આરસીપી સિંહ નું લેશે સ્થાન :પાર્ટીમાં એક વ્યક્તિ એક પદનો સિદ્ધાંત અમલમાં આવ્યો

નવી દિલ્હી :  સાંસદ રાજીવ રંજન ઉર્ફે લલન સિંહ જેડીયુના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. દિલ્હીમાં બોલાવેલી પાર્ટીની રાષ્ટ્રીય કારોબારીની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મુખ્યમંત્રી નીતીશ કુમાર પણ બેઠકમાં ભાગ લેવા દિલ્હી પહોંચ્યા હતા. અત્યાર સુધી આરસીપી સિંહ પાર્ટી અધ્યક્ષની જવાબદારી સંભાળી રહ્યા હતા પરંતુ મોદી મંત્રીમંડળમાં જોડાયા બાદ તેમને આ પદ છોડવું પડ્યું કારણ કે પાર્ટીમાં એક વ્યક્તિ એક પદનો સિદ્ધાંત અમલમાં આવ્યો છે.

લાલન સિંહને નીતિશ કુમારના ખૂબ વિશ્વાસપાત્ર માનવામાં આવે છે. લલન સિંહ લાંબા સમયથી પાર્ટી સાથે જોડાયેલા છે અને પાર્ટીના નિર્માણમાં તેમનું મોટું યોગદાન માનવામાં આવે છે. તાજેતરમાં, LJP માં મોટુ ભંગાણ થયું હતુ, તેની પાછળ લલન સિંહની ભૂમિકા હોવાનું બહાર આવ્યું હતું. એવું કહેવામાં આવ્યું હતું કે નીતીશે તેમને આ જવાબદારી સોંપી હતી અને લલન સિંહ આમાં સફળ રહ્યા હતા.લાલન સિંહ ઘણા વર્ષોથી પક્ષ સામે આવેલા સંકટોને સંભાળી રહ્યા છે. નીતીશ પણ ઘણી મહત્વની બાબતો પર તેમનો અભિપ્રાય લેતા રહ્યા છે.

  અત્રે ઉલ્લેખનીય છે કે 2020ની વિધાનસભાની ચૂંટણીમાં તેમના સહયોગી ભાજપથી ખરાબ રીતે પાછળ રહ્યા બાદથી જ રાજકીય દબાણનો સામનો કરી રહેલા નીતિશ કુમાર જૂના સાથીઓને એકત્રિત કરવા અને પાર્ટીને ફરી મજબૂત કરવા માટે કામ કરી રહ્યા છે.

   આ ક્રમમાં તેમણે પૂર્વ કેન્દ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાની પાર્ટી રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીને જેડીયુમાં ભેળવી ચુક્યા છે અને કુશવાહાને બિહાર વિધાન પરિષદના સભ્ય પણ બનાવ્યા છે અને સંસદીય બોર્ડના અધ્યક્ષ પણ બનાવ્યા છે. રાજકારણમાં હાંસિયામાં ધકેલાયેલા કુશવાહાને આમાંથી રાજકીય સંજીવની પણ મળી છે. ગયા વર્ષે મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા બાદ નીતીશે તેમના નજીકના મિત્ર આરસીપી સિંહને સંગઠનની કમાન સોંપી હતી

(6:54 pm IST)