મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

મધ્યપ્રદેશમાં મહિના પહેલાં બનેલો પુલ તૂટી પણ ગયો

સિવનીના સુનવારા ગામમાં પુલ બનાવ્યો હતો : કરોડોના ખર્ચે તૈયાર થયેલો પુલ ઉદ્ઘાટન પૂર્વે જ નદીના વહેણમાં તણાઈ ગયો : ભ્રષ્ટાચારનો પુરાવો સામે આવ્યો

સિવની, તા. ૩૦ : મધ્યપ્રદેશના સિવની જિલ્લામાં ખતરનાક ભ્રષ્ટાચારનો પુરાવો સામે આવ્યો છે. કરોડોના ખર્ચે તૈયાર થયેલો પુલ ઉદ્ઘાટન પૂર્વે જ નદીના વહેણમાં તૂટીને તણાઈ ગયો છે. મધ્ય પ્રદેશમાં બે દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે. સિવની જિલ્લાના સુનવારા ગામમાં વૈણગંગા નદી ઉપર કરોડોના ખર્ચે નિર્માણાધિન પુલ તૂટી ગયો છે. ચોંકાવનારી બાબત એ છે કે આ પુલનું કામકાજ એક મહિના અગાઉ જ થયું હતું. આ પુલનું સત્તાવાર ઉદ્ઘાટન પણ કરાયું નહોતું. લોકોએ ઉદ્ઘાટન અગાઉ જ પુલનો ઉપયોગ શરૂ કરી દીધો હતો. નદીમાં પાણીનું સ્તર વધવાથી પુલ એકાએક તૂટી પડ્યો હતો. જો કે આ દુર્ઘટનામાં જાનહાની અંગે કોઈ અહેવાલ પ્રાપ્ત નથી થયા.સરકારી દસ્તાવેજ મુજબ આ પુલ રૂ. ૩ કરોડ ૭ લાખમાં તૈયાર થયો હતો.

            પુલ નિર્માણની કામગીરી ૧ સપ્ટેમ્બર ૨૦૧૮ના થઈ હતી. પુલનું  બાંધકામ પૂર્ણ થવાની તારીખ ૩૦ ઓગસ્ટ નક્કી કરાઈ હતી. ભ્રષ્ટાચાર છતા પુલનું બાંધકામ સમય કરતા વહેલું પુરું થઈ ગયું હતું અને ગામના લોકો એક મહિનાથી પુલનો ઉપયોગ પરિવહન માટે કરી રહ્યા હતા. પુલનું સત્તાવાર ઉદ્ઘાટન થાય તે અગાઉ જ ૨૯મી ઓગસ્ટે મધરાતે  રાત્રે પુલે જળસમાધી લઈ લીધી હતી. જિલ્લા કલેક્ટર રાહુલ હરિદાસના જણાવ્યા મુજબ અમે આ બાબતે તપાસના આદેશ આપ્યા છે, જે પણ દોષિ જણાશે તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી થશે. નોંધનીય છે કે આ પુલ સિવનીના કેવલારી વિધાનસભા બેઠક હેઠળ આવે છે. અહીંના ધારાસભ્ય ભાજપના કે રાકેશ પાલ છે. હવે તંત્ર પુલ બાંધકામ એજન્સી પર શું પગલા લેશે તે જોવું રહ્યું. હાલમાં પુલ ધ્વસ્ત થવાથી ગામ લોકોનો સંપર્ક તૂટી ગયો છે. વૈણગંગા નદી પરનો આ પુલ સુનવારા તેમજ ભીમગઢ ગામને જોડતો હતો. મધ્ય પ્રદેશમાં થોડા દિવસથી એકધારો વરસાદ વરસી રહ્યો હોવાથી હવે પૂરની સ્થિતિ નિર્માણ પામી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યા મુજબ રાજ્યના ૯ જિલ્લાના ૩૯૪થી વધુ ગામોમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.

(12:00 am IST)