મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

કોર્ટના અનાદરનો કેસઃ પ્રશાંત ભૂષણને ૧ રૂપિયાનો દંડ : ન ભરે તો થશે ૩ માસની જેલ

સુપ્રીમ કોર્ટે સજા જાહેર કરી : કોર્ટે તેમને બીનશરતી માફી માંગવા સમય આપ્યો હતો પણ તેમણે માફી માંગવાનો ઇન્કાર કર્યો

નવી દિલ્હી તા. ૩૧ : વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણની વિરુદ્ઘ અવમાનના કેસમાં સુપ્રીમ કોર્ટે ભૂષણને ૧ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણને ૧૫ સપ્ટેમ્બર સુધી ૧ રૂપિયાનો દંડ જમા કરાવવા માટે કહ્યું છે. દંડ નહીં ભરવાની સ્થિતિમાં તેમને ત્રણ મહિનાની જેલ અને ત્રણ વર્ષ સુધી તેઓ વકીલાત કરી શકશે નહીં.

૨૫ ઓગસ્ટના રોજ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે, માફી માગવામાં ખોટું શું છે. પ્રશાંત ભૂષણ સુપ્રીમ કોર્ટની માફી નહીં માગવાની વાત પર અડગ રહ્યા હતા. સુનાવણી દરમિયાન એટર્ની જનરલ કે. કે. વેણુગોપાલે કોર્ટને અપીલ કરી હતી કે પ્રશાંત ભૂષણને ચેતવણી આપીને છોડી દેવામાં આવે. ત્યાંજ પ્રશાંત ભૂષણના વકીલ રાજીવ ધવને જણાવ્યું હતું કે, તેમણે કોઈ મર્ડર કે ચોરી કરી નથી તેથી તેમને શહીદ બનાવવામાં આવે નહીં.

આ મામલો હાલના અને પૂર્વ ચીફ જસ્ટિસ વિશે ભૂષણના વિવાદાસ્પદ ટ્વિટને લઈને છે. ૧૪ ઓગસ્ટે કોર્ટે આ ટ્વિટ પર પ્રશાંત ભૂષણનું સ્પષ્ટીકરણનો અસ્વીકાર કરતાં તેમનો કોર્ટની અનાદરનો દોષી કરાર કર્યા હતા. કોર્ટે ભૂષણને કોઈ શરત વગર માફી માંગવા માટે સમય આપ્યો હતો, પરંતુ તેઓ માફી માંગવાનો ઇન્કાર કરી દીધો હતો

જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતામાં જસ્ટિસ બી. આર. ગવઈ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીને બેન્ચે કહ્યું કે, ભૂષણે પોતાના નિવેદનથી પબ્લિસિટી મેળવી, ત્યારબાદ કોર્ટે આ મામલા પર ગંભીર નોંધ લીધી.

જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, કયાં સુધી આ પ્રણાલીને ભોગવવું પડશે. ન્યાયાધીશોની નિંદા કરવામાં આવે છે અને તેમના પરિવારોને અપમાનિત કરવામાં આવે છે. તેઓએ કહ્યું કે, તેઓ તો બોલી પણ નથી શકતા. સુપ્રીમ કોર્ટે પ્રશાંત ભૂષણના વકીલને કહ્યું કે આ મામલે તેમના નિષ્પક્ષ થવાની આશા છે.

જસ્ટિસ અરૂણ મિશ્રાની અધ્યક્ષતાવાળી બેન્ચે પ્રશાંત ભૂષણની વિરુદ્ઘ સજા નક્કી કરી. ભૂષણને સજા સંભળાવતાં જસ્ટિસ અરૂણ મિશ્રાએ કહ્યું કે, જજોને પ્રેસમાં ન જવું જોઈએ. કોર્ટની બહાર જજો દ્વારા કહેવામાં આવેલી વાતો પર વિશ્વાસ કરવો સ્વીકાર્ય નથી. કોર્ટની અનાદરના અધિનિયમ હેઠળ સજા તરીકે મહત્તમ ૬ મહિનાની કેદ અથવા ૨૦૦૦ રૂપિયાનો દંડ કે બંને સજાની જોગવાઈ છે.

સુપ્રીમ કોર્ટે ૧૪ ઓગસ્ટના રોજ પ્રશાંત ભૂષણને કોર્ટની વિરુદ્ઘ બે અપમાનજક ટ્વીટ માટે અવમાનના દોષિ જાહેર કર્યા હતા. રાજીવ ધવને જણાવ્યું હતું કે, કોર્ટે પોતાના ૧૪ ઓગસ્ટના ચુકાદાને પરત ખેંચી લેવો જોઈએ અને તેમને કોઈ સજા આપવી જોઈએ નહીં. તેમણે અપીલ કરી હતી કે આ કેસને બંધ કરી દેવો જોઈએ અને વિવાદને અંત લાવી દેવો જોઈએ.

(4:24 pm IST)