મુખ્ય સમાચાર
News of Monday, 31st August 2020

રેલ્વે બનશે આત્મનિર્ભર: વિજળીની જરૂરિયાતને પહોંચી વળવા રેલ્વે સ્ટેશનોની છત પર સોલર પેનલ લગાવશે

રેલ્વેની વાર્ષિક ઊર્જા જરૂરિયાત 20 અબજ યુનિટ : 550 થી વધુ રેલવે સ્ટેશનોએ 198 મેગાવોટની ક્ષમતાવાળા સોલાર પેનલ્સ લગાવશે

નવી દિલ્હી : ભારતીય રેલ્વેએ 963 સ્ટેશનોની છત પર સોલર પેનલ્સ લગાવ્યા છે. રેલવેએ જણાવ્યું હતું કે, અમલીકરણ હેઠળના 550 વધુ સ્ટેશનોની છત પર 198 મેગાવોટની ક્ષમતાવાળા સોલાર પેનલ્સ લગાવવા ઓર્ડર આપવામાં આવ્યા છે. રેલ્વેએ 2030 સુધીમાં શૂન્ય કાર્બન ઉત્સર્જનનું લક્ષ્‍ય નક્કી કર્યું છે. રેલવેએ આગામી 10 વર્ષમાં 33 અબજ યુનિટથી વધુની ઊર્જા જરૂરિયાતોને પહોંચી વળવા સોલાર એનર્જીના ઉત્પાદનનું લક્ષ્‍ય નક્કી કર્યું છે. હાલમાં, રેલ્વેની વાર્ષિક ઊર્જા જરૂરિયાત 20 અબજ યુનિટ છે.

રેલવેએ એક નિવેદનમાં જણાવ્યું છે કે, 'તેની તમામ વીજળીની જરૂરિયાતો માટે 100 ટકા આત્મનિર્ભર બનવાના અને રાષ્ટ્રીય સૌર ઉર્જા લક્ષ્‍યોમાં ફાળો આપવાના ઉદ્દેશને પ્રાપ્ત કરવા માટે ભારતીય રેલ્વેએ અત્યાર સુધીમાં 960 થી વધુ સ્ટેશનો પર સોલર પેનલ્સ લગાવ્યા છે.' તેમજ 550 સ્ટેશનોની છત પર 198 મેગાવોટ સોલાર પેનલ્સ લગાવવા ઓર્ડર આપવામાં આવ્યા છે, જે અમલ હેઠળ છે.

રેલવેએ જણાવ્યું હતું કે, લગભગ 51,000 હેક્ટર જમીન રેલવે પાસે ઉપલબ્ધ છે અને હવે રેલ્વે વિકાસકર્તાઓને ખાલી જમીન પર સોલર પાવર પ્લાન્ટ સ્થાપવા માટે તમામ પ્રકારના ટેકો આપવા તૈયાર છે. અહીં નોંધનીય છે કે રેલ્વે વર્ષ 2023 સુધીમાં 100 ટકા વીજળીકરણનો લક્ષ્‍યાંક હાંસલ કરવાનું નક્કી કર્યું છે.

(10:52 pm IST)