મુખ્ય સમાચાર
News of Friday, 31st December 2021

ભારતનો ગોલ્ડ મેડાલીસ્ટ નીરજ ચોપડા અમેરિકામાં લઇ રહ્યો છે ટ્રેનિંગ:હવે 90 મીટર ભાલાફેંકનો લક્ષ્યાંક

નીરજ ચોપડાએ કહ્યું- 2022માં વર્લ્ડ ચેમ્પિયનશિપ, ડાયમંડ લીગ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ છે. તેમાં સારું કરવું પડશે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી ખૂબ સારી તાલીમ લીધી

નવી દિલ્હી :ઓલિમ્પિકના ઈતિહાસમાં એથ્લેટિક્સમાં ભારતને પહેલો ગોલ્ડ મેડલ અપાવનાર ભાલા ફેંકનાર નીરજ ચોપડા આ દિવસોમાં અમેરિકામાં છે અને તાલીમ લઈ રહ્યો છે. હવે નીરજનું આગામી લક્ષ્ય વર્લ્ડ ચેમ્પિયનશિપ, ડાયમંડ લીગ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સમાં મેડલ જીતવાનું છે. નીરજ ચોપડાએ  કહ્યું કે આ વર્ષ મારા માટે ઘણું સારું રહ્યું છે. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલથી મોટું કંઈ નથી.

નીરજ ચોપડાએ કહ્યું મેડલ જીત્યા પછી જીવનમાં ઘણો બદલાવ આવ્યો છે. મને જોઈને ઘણા બાળકો ભાલા (જેવેલીન) રમવા આવી રહ્યા છે, તે સારી વાત છે.

નીરજ ચોપડાએ વધુમાં કહ્યું કે, 2022માં વર્લ્ડ ચેમ્પિયનશિપ, ડાયમંડ લીગ, એશિયન ગેમ્સ અને કોમનવેલ્થ ગેમ્સ છે. તેમાં સારું કરવું પડશે. મેં છેલ્લા ત્રણ અઠવાડિયાથી ખૂબ સારી તાલીમ લીધી છે. શરૂઆતમાં ફિટનેસ થોડી ઓછી હતી, પરંતુ ધીમે ધીમે ફિટનેસ પાછી આવી રહી છે. હું 2022 માં વધુ સારું કરવા માંગુ છું. કોરોનાને લઈને તણાવ હોઈ શકે છે, પરંતુ હું તૈયાર છું. કોચ કહે છે કે જો તમે ટેકનિક પર વધુ ધ્યાન આપો છો, તો તમે સતત 90 મીટરનો આંકડો પાર કરી શકો છો.

નીરજ ચોપડા આગળ કહે છે, ‘હવે ઘણા બાળકો ભારતમાં ટ્રેક એન્ડ ફિલ્ડ કરવા આવી રહ્યા છે. માતા-પિતામાં હવે ઘણો બદલાવ આવ્યો છે. ભારતીય એથ્લેટિક્સ માટે આ ખૂબ જ સારા સમાચાર છે. ચુનંદા સ્તરના ખેલાડીઓએ શક્ય તેટલી વધુ ઇવેન્ટ્સમાં ભાગ લેવો જોઈએ.

માર્ચમાં યોજનારી નેશનલ ચેમ્પિયનશિપમાં રમવા અંગે પૂછવામાં આવતા નીરજ ચોપડા કહ્યું કે, તે કોચ નક્કી કરશે. અમે હમણાં જ તાલીમ શરૂ કરી છે અને અમે હજી સુધી તે નક્કી કર્યું નથી. 3 વર્ષ પછી ઓલિમ્પિક પરંતુ તેની પહેલા પણ ઘણી ઇવેન્ટ છે, સારું પ્રદર્શન કરવું પડશે. તેણે વધુમાં કહ્યું કે 90 મીટરના લક્ષ્યને સ્પર્શવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. મારું લક્ષ્ય એક જ છે, પરંતુ મારા પર એવું કોઈ દબાણ નથી કે મારે તેને હાંસલ કરવું છે.

નીરજ ચોપડા અમેરિકામાં સવારે ઉઠી 7.30 વાગ્યે નાસ્તો કરે છે, પછી પ્રેક્ટિસ  અને લંચ પછી થોડો આરામ કરે છે. સાંજે ફરી પ્રેક્ટિસ કરે છે. તેણે કહ્યું, હું દિવસમાં બે વાર પ્રેક્ટિસ કરું છું. તાલીમમાં મજા આવે છે. જીવન ખૂબ જ સરળ છે. નીરજ ચોપડાએ કહ્યું કે ઓલિમ્પિકમાંથી આવ્યા બાદ મેં ખાવા પર કોઈ પ્રતિબંધ નથી લગાવ્યો. મેં 12/13 કિલો વજન વધાર્યું હતું. હવે મેં ફરીથી 5/6 કિલો વજન ઘટાડ્યું છે.

નીરજ ચોપડાએ કહ્યું કે એક એથ્લેટ તેના જીવનનો મોટાભાગનો સમય ટ્રેનિંગ, ડાયટમાં આપે છે. ગોલ્ડ જીતીને જ્યારે હું દેશમાં પાછો આવ્યો ત્યારે મને લોકોનો સપોર્ટ મળ્યો, તે પણ સારું લાગ્યું. હું પણ સારી રીતે મળું અને વાત કરવાનો પ્રયત્ન કરતો હતો, પણ હા મનમાં એ પણ ચાલતું હતું કે ફરી ક્યારે ટ્રેનિંગ શરૂ થશે

(11:27 pm IST)