Gujarati News

Gujarati News

News of Saturday, 30th January 2021

શાંતિ અને અહિંસાના પૂજારી મહાત્મા ગાંધીની પુણ્યતિથિના દિવસે આજરોજ અમેરિકામાં હેટ ક્રાઇમની ઘટના પ્રસિદ્ધ થઇ : નોર્ધર્ન કેલિફોર્નિયામાં ડેવિસ શહેરના સેન્ટ્રલ પાર્કમાં મુકવામાં આવેલી ગાંધીજીની પ્રતિમા 27 જાન્યુઆરીના રોજ ખંડિત કરાઈ : 6 ફૂટ ઊંચી ,294 કિલો વજન ધરાવતી ,બ્રોન્ઝ ધાતુની બનેલી પ્રતિમાના અડધા પગ, અને અડધું માથું અલગ કરી દેવાયા : હે ......રામ : પોલીસ તપાસ ચાલુ

કેલિફોર્નિયા : હે......રામ : સમગ્ર વિશ્વને અહિંસા અને શાંતિનો સંદેશ આપનાર ભારતના રાષ્ટ્રપિતા  મહાત્મા ગાંધીની પ્રતિમા અમેરિકાના નોર્ધર્ન કેલિફોર્નિયાના ડેવિસ શહેરના  સેન્ટ્રલ પાર્કમાં 2016 ની સાલમાં  ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે  2 ઓક્ટોબરના રોજ  મુકવામાં આવી હતી.

અમુક આવારા તત્વોએ 27 જાન્યુઆરીના રોજ આ પ્રતિમા ખંડિત કરી નાખવાનું હીન કૃત્ય કર્યું છે.જે મુજબ 28 તારીખે સવારે ખબર પડ્યા મુજબ સેન્ટ્રલ પાર્કમાં મુકેલી આ પ્રતિમા ખંડિત જોવા મળી  હતી.6 ફૂટ ઊંચી ,294 કિલો વજન ધરાવતી ,બ્રોન્ઝ ધાતુની બનેલી આ પ્રતિમાના અડધા પગ, અને અડધું માથું અલગ કરી દેવાયેલા જોવા મળ્યા હતા.જે કપાયેલો પગ અને માથાનો ભાગ ગુમ થઇ ગયો છે.હાલની તકે પ્રતિમા ફરતે કાંટાળી લોખંડની વાડ મૂકી દેવામાં આવી છે.

પ્રતિમા ખંડિત કરવાનું કારણ જાણવા મળી શક્યું નથી.ઉપરોક્ત બાબતે પોલીસને જાણ કરાતા તોફાની તત્વોને ઝબ્બે કરવાના ચક્રો ગતિમાન કરી દેવાયા છે.તેવું એબીસી 10 દ્વારા જાણવા મળે છે.

(1:31 pm IST)