Gujarati News

Gujarati News

News of Thursday, 30th September 2021

પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર એક વધુ હુમલો : પેશાવરમાં ક્લિનિક ચલાવતા શીખ હકીમની હત્યા : ક્લિનિકમાં ઘુસી જઈ 4 ગોળીઓ મારી દીધી : પોલીસ તપાસ ચાલુ

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં લઘુમતી કોમ ઉપર એક વધુ હુમલો થયો છે. પાકિસ્તાનમાં લઘુમતી શીખ સમુદાયના એક વ્યક્તિને નિશાન બનાવીને હુમલો કરવામાં આવ્યો છે. પેશાવરના ચારસદ્દા રોડ પર અજાણ્યા હુમલાખોરોએ શીખ સમુદાયના એક હકીમને ગોળી મારી દીધી છે.

પોલીસના જણાવ્યા અનુસાર હુમલાખોરોએ ક્લિનિકમાં ઘૂસીને સતનામ સિંહ પર ચાર ગોળીઓ ચલાવી હતી. સતનામ સિંહને ઈજાગ્રસ્ત હાલતમાં લેડી રીડિંગ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે સતનામ સિંહ એક દિવસ પહેલા જ હસન અબ્દાલથી પેશાવર આવ્યા હતા. એક્સપ્રેસ ટ્રિબ્યુનમાં એક અહેવાલ અનુસાર, કેપિટલ સિટી પોલીસ ઓફિસર (CCPO) પેશાવરે કહ્યું કે આ મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

નોંધપાત્ર વાત એ છે કે પાકિસ્તાનમાં લઘુમતી હિન્દુ અને શીખ સમુદાયોને સતત નિશાન બનાવવામાં આવ્યા છે. ક્યારેક તેઓને ધર્માંતરણ માટે મજબૂર કરવામાં આવે છે અને ક્યારેક તેમની નિર્દયતાથી હત્યા કરવામાં આવે છે. ભાગલા પછી, હિન્દુઓ અને શીખોની વસ્તી સતત ઘટી રહી છે.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:04 pm IST)