Gujarati News

Gujarati News

News of Saturday, 27th November 2021

અમેરિકાના ન્યુયોર્ક-ન્યુજર્સી વિસ્તારના સુવિખ્યાત કોમ્યુનિટી અગ્રણી શ્રી કનુભાઇ ચૌહાણના પત્ની શ્રીમતી ભારતીબેન ચૌહાણનું દુઃખદ અવસાન : ૧૯ નવે. ર૦ર૧ ના રોજ આવેલો હૃદયરોગનો હુમલો જીવલેણ નીવડ્યો : ભારતીય સમાજમાં શોકનું મોજુ

(દિપ્‍તીબેન જાની દ્વારા) ન્યુજર્સી :  મેટ્રોપોલીટન ન્યુયોર્ક-ન્યુજર્સી વિસ્તારના જાણીતા પીઢ આગેવાન FIA ના બે ટર્મ પ્રમુખ, જેકસન હાઇટ મર્ચન્ટસ ઍશોશિઍશનના પૂર્વ પ્રમુખ ચેરમેન અને રાજસન ઍન્ટરટેઇમેન્ટસ જેવી ખ્યાતનામ બોલીવુડ શોના સફળ લાજવાબ પ્રસ્તુતકર્તા શ્રી કનુભાઇ ચૌહાણના વહાલ સોયા પત્ની શ્રીમતિ ભારતીબેન ચૌહાણનું ૧૯ નવેમ્બર ર૦ર૧ શુક્રવારના રોજ Cardiac arrest ના કારણે અણધાર્યા નિધનના સમાચાર વાયુવેગે પ્રસરતા સમગ્ર ભારતીય સમાજમાં દુઃખ અને શોકની લાગણી પ્રસરી ગઇ છે.

સ્વ. ભારતીબેન સ્વભાવે વિનમ્ર, નિખાલસ, સ્વાશ્રયી, ધાર્મિક અને વાત્સલ્ય ભર્યુ વ્યકિતત્વ ધરાવતા હતા. તેમના પતિ શ્રી કનુભાઇ ચૌહાણ અનેક સંસ્થાઓમાં સંલગ્‍ન  તથા મોભાદાર વ્યકિતત્વ ધરાવતા હોવા છતાં સ્વ. ભારતીબેને હંમેશા તેમના પતિની છાંયામાં રહી તેમના મિત્રવૃંદને આતિથ્ય તથા મીઠા વચનોથી દીપાવ્યું હતું.

શ્રી કનુભાઇ અનેક બોલીવુડ મહાન હસ્તીઓના શો લાવતા પણ સ્વ. ભારતીબેન સદૈવ નિસ્પૃહ રહી મદદ કરતા તેમના પરિવારમાં ઍક પુત્ર સુનિલનું વર્ષો પહેલા નિધન થયેલું. બીજા પુત્ર શ્રી રાજન ઍક બાહોશ વકીલ છે.

મુંબઇમાં ઉછરેલા શ્રી ભારતીબેન શ્રી કનુભાઇ સાથે લગન્ બાદ ૧૯૭૧ ની સાલમાં અમેરિકા આવ્યા. તેમના પ૪ વર્ષના પ્રસન્ન તથા મધુર દામ્પત્ય જીવનને પરિવારજનો નહીં, પરંતુ વિશાળ મિત્ર વર્ગ પણ યાદ કરે છે.

ર૪ નવેમ્બર ર૦ર૧ બુધવારના રોજ  Elmhurst ન્યુયોર્ક ખાતેના ફયુનરલ હોમમાં તેમની અંતિમ વિધિમાં અનેક સગા-સંબંધીઓ તથા મિત્રો મોટી સંખ્યામાં જોડાયા હતા.

સ્વ. ભારતીબેન તેમના પતિ શ્રી કનુભાઇ, પુત્ર શ્રી રાજન, પુત્રવધુ સુશ્રી હીના, તથા બે પૌત્રો સૂરજ અને ઓમને મધુર યાદો આપી અનંતની યાત્રાઍ સિધાવ્યા છે, તેવું શ્રી ચંદ્રકાંત ત્રિવેદીના અહેવાલ દ્વારા જાણવા મળે છે.

(10:13 pm IST)