Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

“જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” :ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ :મુખ્ય મહેમાન શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટથી નવાજ્યા

હ્યુસ્ટન : ગુજરાતી સાહિત્ય સરિતા, હ્યુસ્ટનની બેઠક નં ૨૩૮માં પ્રાર્થના ,સ્વાગત પ્રવચન , ગઝલ ,મૃતક સભ્યોને શ્રદ્ધાંજલિ ,શેર તથા શાયરીની મહેફિલથી શ્રોતાઓ મંત્રમુગ્ધ થઇ ગયા હતા.

બેઠકનું આયોજન તા.૨૦ નવેમ્બર, ૨૦૨૨ ના રોજ બપોરે ૨.૦૦ થી ૪.૦૦ દરમ્યાન લૉસ્ટ ક્રીક પાર્ક,સુગરલેન્ડ ટેક્સાસ ખાતે કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં મુંબઈથી આવેલા ગઝલકાર શ્રી સુરેશભાઈ ઝવેરી મુખ્ય મહેમાન હતા

સંસ્થાની પરંપરા મુજબ કાર્યક્રમની શરૂઆત શ્રીમતી છાયાબહેને પ્રાર્થનાથી કરી. ત્યારબાદ પ્રમુખશ્રી ભારતીબહેને સહુ સભ્યોનુ સ્વાગત કર્યું. સાથે સાથે મુખ્ય મહેમાન સુરેશભાઈ અને એમના ધર્મપત્ની મીનાબહેનને બેઠકની શોભા વધારવા બદલ અભિનંદન સહિત આવકાર આપ્યો અને બેઠકનો દોર શરૂ કર્યો.

પ્રથમ વક્તા શ્રી જનાર્દનભાઈ શાસ્ત્રીએ “જિંદગીની ભાગદોડમાં ખુદ જીવવાનુ રહી ગયું” અને “જિંદગી એક ગંજીપો” કાવ્યો રજૂ કર્યાં અને શ્રોતાઓએ તાળીઓથી વધાવી લીધાં. શ્રીમતી શૈલાબહેન મુન્શાએ  એક ગઝલ “ભીખ જોઈતી નથી, બસ જીતવું છે” દોડ પાકી, સવલતોથી હારવું છે” રજૂ કરી અને કન્યા વિદાય પર એક ઊર્મિગીત ” – “હૈયાનાં પૂર તો રોક્યાં રોકાય ના, આંખ બંધ તોયે અશ્રુ છુપાય ના” રજૂ કર્યું.

સામાન્ય રીતે ગુ.સા.સ. ની બેઠકમાં એ મહિના દરમ્યાન જન્મેલ અથવા મૃત્યુ પામેલ કવિ, લેખકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે.

આ વખતે શ્રીમતી દેવિકાબહેને ગુ.સા.સ. ના દિવંગત કવિ લેખકો જેવા કે શ્રી સુમનભાઈ અજમેરી, શ્રી ધીરુભાઈ શાહ,  રસિક મેઘાણી, શ્રી અશોકભાઈ પટેલ, શ્રી નવીનભાઈ બેંકર જેવા પીઢ લેખકોને સાહિત્ય સરિતા તરફથી શબ્દાંજલિ સમર્પિત કરી સાથે બાવીસ વર્ષથી અવરિત ચાલતી ગુ.સા.સ. સંસ્થા માટે અને સહુ સભ્યો પ્રત્યે અહોભાવ વ્યક્ત કર્યો

શ્રીમતી દેવિકાબહેનના કેટલાંક શેરઃ
૧ – “જમાને જમાને જુદી જુદી શાન છે,
વડીલો ખૂણામાં, જુવાનોને માન છે”
૨ – “એ કહે છે કાંઈ ને કરે છે કાંઈ

 દિલ દિમાગને ક્યાં બને છે કાંઈ”  રજૂ કર્યાં. શ્રી નિખિલભાઈ મહેતાએ  કવિ શ્રી સુરેશભાઈ દલાલનો  એક લેખ, “અહીંયા બેઠો છું તો બેઠો છું” વાંચી સંભળાવ્યો. શ્રી ફતેહ અલીભાઈએ શ્રી રઈશ મણિયારનુ વ્યંગ કાવ્ય” પૈણીને પહટાય તો કેટો નઈ” પર આધારિત પારસી ભાષામાં લખાયેલ એક નવું કાવ્ય વાંચ્યું. “બૈરી લાઈવો છે તો હરખાતો નઈ, હવે પૈણ્યો છે તો પહટાટો નઈ” રજૂ કરી શ્રોતાઓને હાસ્ય તરબોળ કરી દીધા. ત્યારપછી દેવિકાબહેન અને શૈલાબહેને, દેવિકાબહેન રચિત રાધાકૃષ્ણનુ  સંવાદ ગીત રજૂ કર્યું. શ્રોતાઓને આ જુગલબંદી ખૂબ ગમી અને સહુએ તાળીઓના ગડગડાટથી એ ગીતના પ્રેમભાવને બેવડાવ્યો.શ્રી પ્રકાશભાઈ મજમુદારે મુખ્ય મહેમાન સુરેશભાઈની લાગણીને માન આપી “બેફામ” (શ્રી બરકત વિરાણી)ની એક ગઝલ રજૂ કરી.

“જૂઓ જાહેરમાં એ સૌ ખાય છે દયા મારી,
કરી છે ખાનગીમાં જેણે જેણે દુર્દશા મારી

બેઠકનો દોર હવે શ્રી સુરેશભાઈને સોંપતા દેવિકાબહેને એમનો પરિચય આપ્યો.
સુરેશભાઈ આમ તો કોમર્સના અનુસ્નાતક છે પરંતુ તેમણે ગુજરાતીમાં પણ M.A. ની ડીગ્રી મેળવી છે. એમનો પ્રસિદ્ધ થયેલો ગઝલ સંગ્રહ “નિતાંત” એમના  નિતાંત સરળ સ્વભાવને અનુરુપ છે. સુરેશભાઈ પહેલાં પણ ૨૦૦મી બેઠકના જલસા વખતે આવી ચૂક્યા છે અને સભ્યોને એમની ગઝલો અને મુક્તકો સાંભળવાનો મોકો મળી ચૂક્યો છે. આ વખતે એમના ધર્મપત્ની શ્રીમતી મીનાબહેન પણ હાજર હતાં. સુરેશભાઈ “બેફિકર”ના તખલ્લુસથી ગઝલો લખે છે. સ્વભાવે અને દેખાવે સાલસ સુરેશભાઈની શાયરી, ગઝલ, શેરમાં ખૂબ વજન અને ભાવ હોય છે. કલાગુર્જરી સંસ્થાના તેઓ સહ અધ્યક્ષ પણ છે. શબ્દોના કંકુ ચોખા સહિત શ્રી સુરેશભાઈનુ સ્વાગત થયું અને તે પછી ટૂંકી બહેરના શેરોથી તેમણે શરૂઆત કરી.શ્રી સુરેશભાઈ ઝવેરીના થોડા શેર, મુક્તક, ગઝલના શબ્દોઃ

 “હું ક્યાં કહું છું આમ જ કરજો.
   હું ક્યાં કહું છું આમ જ ફરજો.
   નાની અમથી આજીજી છે.
   ઘરડાં ઘરમાં પૂનમ ભરજો.”

“  એણે કીધું એની હા છે
    આ તો એનો પહેલો ઘા છે.”
“મળવું છે તો તબિયતથી મળ,
મળવા ખાતર મળવું નહિ
“વીજળી સાથે કડાકા થાય છે
મોરના ટહુકા પતાસા થાય છે.
ખોટી પડે છે વેધશાળા એટલે
વરસાદની ચાવી તમારી પાસ છે”
“છૂટવા માટે છટક બારી નથી
પ્રેમમાં ઓછી મગજમારી નથી”
સાવ મફતમાં માબાપ મળે છે.
તોય બધે શું કામ નડે છે!!”“
એટલે તો મોજ પડવાની નથી.
જાતરામાં નોટ ગણવાની નથી”
“શબ્દના સ્પંદન તને સમજાય છે?
સ્વર અને વ્યંજન તને સમજાય છે?

સભાજનો રસપૂર્વક ‘ઇર્શાદ’ , once more કહી મઝા માણતા હતા. પણ સમયના તકાજાને માન આપી બેઠકની પૂર્ણાહુતિ કરવી પડી. સૌએ ઊભા થઈ તાળીઓના ગડગડાટથી સુરેશભાઈને વધાવી લીધા.

અંતમાં સમિતિના સભ્યોએ શ્રી સુરેશભાઈને સન્માનપત્ર અને ભેટ અર્પણ કર્યા. ઉપપ્રમુખ શ્રીમતી જ્યોતિબહેને આભાર વિધિ કરી.

હ્યુસ્ટનની ગુલાબી ઠંડી માણતા સહુ આ રંગતભરી મહેફિલ માણી છુટા પડ્યા.

અસ્તુ,
શૈલા મુન્શા તા.૧૧/૨૩/૨૦૨૨
Devika Dhruva.
http://devikadhruva.wordpress.com

(12:25 pm IST)