Gujarati News

Gujarati News

News of Tuesday, 30th March 2021

બ્રાહ્મણ સમાજ ઓફ યુ.એસ.એ.ના ઉપક્રમે મહા શિવરાત્રી પર્વ ઉજવાયું : 14 માર્ચના રોજ કરાયેલી વર્ચ્યુઅલ ઉજવણીને મળ્યો ઉષ્માભર્યો આવકાર : ગણેશ પૂજન, કળશ પૂજન, શિવ પૂજન, રુદ્રાભિષેક, થાળ, આરતી સહીત કાર્યક્રમોથી ભાવિકો ભાવવિભોર

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી :  બ્રાહ્મણ સમાજ ઓફ યુ.એસ.એ.ના ઉપક્રમે રવિવાર 14 માર્ચ 2021ના રોજ ઇષ્ટદેવ દેવાધિદેવ મહાદેવજીની મહા શિવરાત્રી પર્વ નિમિત્તે કરાયેલી વર્ચ્યુઅલ શિવપૂજાને ખુબ જ ઉષ્માભર્યો આવકાર મળ્યો હતો.

કોરોના મહામારીના આ કપરા કાળમાં પ્રણાલિકા ગત પ્રતિ વર્ષ બ્રાહ્મણ સમાજ ઓફ યુ.એસ.એ.દ્વારા 1988 ની સાલથી ઉજવાતા આ મહા શિવરાત્રી પર્વ અંતર્ગત ગણેશ પૂજન ,કળશ પૂજન , શિવ પૂજન ,પંચાયત દેવ પૂજન ,દિગ્રક્ષણ પુણ્યાહ વાંચન ,શિવ પૂજન ,પંચાયત દેવ પૂજન ,રુદ્રાભિષેક ,થાળ ,આરતી ,મંત્ર, પુષ્પાંજલિ , સહીત સમગ્ર પૂજન તથા અર્ચન વિધિ વર્ચ્યુઅલ કરાવવામાં આવી.જેનો ભાગ લેનાર પરિવારોએ નિજ નિવાસ સ્થાનમાં બેસી લાભ લીધો.

ગાર્ફીલ્ડ ન્યૂજર્સીના વિદ્વાન પૂજારી / આચાર્યશ્રી અમિતભાઇ ઉપાધ્યાયએ સાડા ત્રણ કલાક સતત વેદોક્ત અને શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર અભિષેક સાથે પૂજા કરાવી સહુને ભાવવિભોર કરી દીધા.સરકારી નિયંત્રણો અને સર્વેની સુખાકારીને પ્રાધાન્ય આપી BSOU ના વાઇસ ચેરમેન ,અનેક ધાર્મિક ,સાંસ્કૃતિક ,સામાજિક પ્રવૃત્તિઓમાં ઉદાત્ત ફાળો આપતા શ્રી પિનાકીનભાઈ પાઠકે આ સંપૂર્ણ પૂજા આનંદ ,ઉમંગ ,અને ભક્તિભાવથી કરી સ્વયં પણ આનંદ લીધો.તેમજ દર્શકોને પણ પ્રોત્સાહિત કર્યા.

 આ સમગ્ર મહા શિવરાત્રી પૂજાની ગૌરવભરી સ્પોન્સરશીપ ભારતીય સમાજના મોભી ,આગેવાન ,અનેકવિધ સામાજિક અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં માતબર ફાળો આપનાર બ્રાહ્મણ સમાજના ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈ ભટ્ટ ,અને તેમના સુપુત્ર શ્રી વિપુલભાઈ ભટ્ટ પરિવારના સૌજન્યને આભારી છે.તેમના પુત્ર શ્રી નિલેશ ભટ્ટ ,તથા બ્રાહ્મણ સમાજના દિવંગત ભીષ્મ પિતામહ સ્વ.ભાગવતભાઈ પંડ્યાની પુત્રવધુ ,અને ભૂતપૂર્વ પ્રમુખ સ્વ.નૈષધભાઈ પંડ્યાના ધર્મપત્ની સુશ્રી નિરહાબેન પંડ્યાએ સમગ્ર આયોજનમાં સર્વાંગી સાથ અને ઝૂમ ટેક્નોલોજીનું સુપેરે સંચાલન કરી કાર્યક્રમને ગરિમા બક્ષી.બ્રાહ્મણ સમાજના લોકપ્રિય ચેરમેન શ્રી ચંદ્રકાન્તભાઈ ત્રિવેદીના સતત માર્ગદર્શન તથા સર્વાંગી સહયોગ પણ આ સફળતાનું પૂરક બળ બન્યા.

આ કાર્યક્રમમાં Avista Care ના વડા અને પરમ દાનવીર શ્રી મુકુંદભાઈ અને સુશ્રી રમાબેન ઠાકરની પ્રેરણાદાયી ઉપસ્થિતિ રહી.BSOU નાપ્રમુખ શ્રી અભયભાઈ શુક્લ ,ઉપપ્રમુખ શ્રી જશભાઈ બ્રહ્મભટ્ટ ,અને ટ્રસ્ટી મંડળ ,તથા કાર્યવાહક સમિતિના સભ્યોએ પણ ભાગ લઇ પ્રસંગને દીપાવ્યો હતો.શ્રી વિષ્ણુભાઈ ભટ્ટ,ડો.વિજયા દેસાઈ ,શ્રી ઋષભ મહેતા ,શ્રી પરેશ ત્રિવેદી ,શ્રી ઉપેન્દ્ર યાજ્ઞિક ,વગેરેની ગૌરવમય હાજરી રહી.

અમેરિકા અને કૅનૅડામાંથી આશરે 200 લોકોએ આ વર્ચ્યુઅલ પૂજામાં ભાગ લીધો.BSOU આ સહુના ઋણી છે.સમગ્ર કાર્યક્રમમાં આ કોરોના મહામારી સમયમાં દિવંગત થયેલા BSOU ના આધાર સ્તંભો સ્વ.ભાગવતભાઈ પંડ્યા ,સ્વ.નૈષધ પંડ્યા ,સ્વ.અશોક પુરોહિત ,સ્વ.શ્રીમતી મંદાકિનીબેન ત્રિવેદી ,તથા અન્યને યાદ કરી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.

કોરોના મહામારીના માહોલમાં મહા શિવરાત્રી પર્વ નિમિત્તે અમેરિકામાં અનેક મંદિરો તથા સંસ્થાઓ દ્વારા ઉજવણી થઇ.પણ સરકારી નિયંત્રણના કારણે મર્યાદિત સમયાંતરે પ્રજાજનોને દર્શનનો લાભ મળ્યો.કેટલાકે તો વર્ચ્યુઅલ દર્શન કરી ભાવિકોની શ્રદ્ધાને પોષી.

ગાયત્રી ચેતના સેન્ટર પીસકાટવે ,ન્યુજર્સી ખાતે મહા શિવરાત્રી ગુરુવાર તારીખ 11 માર્ચે સહુ નિયંત્રણો ,દુરી જાળવી ભગવાન મહા કાલેશ્વરનો જળાભિષેક ,દુધાભીષેક ,પૂજન ,નમનનો લાભ લીધો.સનાતન મંદિર પારસીપની ,વેદ મંદિર તથા અન્ય મંદિરોમાં આ જ ક્રમ જોવા મળ્યો.અમેરિકાના અન્ય મહાનગરોમાં પણ આ જ પરિસ્થિતિ હોવાના સમાચાર છે.

ન્યૂજર્સીમાં હજુ પણ કોરોના 10 થી 14 ટકા બતાવે છે.અલબત્ત,28 ટકા લોકોને વેક્સીન મળી છે.પણ અધિકતર બાકી છે.તે કારણે વડીલો અને વયસ્કો ઘેર જ રહી સલામતી ઝંખે છે.તો કામધંધામાં ઘેરથી ઓનલાઇન વ્યવહાર વ્યાપક છે.તથા વાયરસના વધતા કહેરને પ્રજા અને સરકારમાં ચિંતા પ્રસરાવે છે..આ વર્ષ પણ અનિશ્ચિતતાઓથી ભરેલું જણાય છે.તેવું શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદીની યાદી દ્વારા જાણવા  મળે છે.

(2:18 pm IST)