Gujarati News

Gujarati News

News of Tuesday, 29th September 2020

અમેરિકાના રાષ્ટ્ર પ્રમખુની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પ-જો બિડેન વચ્ચે રસપ્રદ ચૂંટણી જંગ : સ્વિંગ સ્ટેટ તરીકે ઓળખાતા ફ્લોરિડા, નેવાડા, પેન્સિલવેનિયા, નિર્ણાયક સાબિત થશે : ઓહાયો જીતે તે રાષ્ટ્ર પ્રમુખ બને તેવી પરંપરા જળવાશે?

દિપ્તીબેન જાની દ્વારા  ,ન્યુજર્સી :  અમેરિકામાં  દર ચાર વર્ષે  1 નવેમ્બર પછી  આવતા પહેલા મંગળવારે યોજવામાં આવતી રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણી  આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આ વર્ષે ચૂંટણી ૩ નવેમ્બરના રોજ મંગળવારે  છે. અમેરિકાની રાજનીતિમાં રિપબ્લિકન અને ડેમોક્રેટ એમ મુખ્ય વિચારધારા ધરાવતી બે પાર્ટી વચ્ચેની વ્યવસ્થામાં આ વખતેપણ સીધો મુકાબલો રિપબ્લિકન અને ડેમોક્રેટ પક્ષ વચ્ચે જ રહેશે.

રિપબ્લિકન પાર્ટીની વાત કરીએ તો પાર્ટીએ વર્તમાન રાષ્ટ્ર પ્રમખુ ડોનાલ્ડ ટ્રમ્પને ફરીથી ઉમેદવાર બનાવ્યા છે. રાજકારણનો કોઈ ખાસ  અનુભવ નહીં ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પએ  ૨૦૧૬  માં રિપબ્લિકન પાર્ટીની પ્રાઈમરી ચૂંટણીમાં જેફ બુશ  , માર્કો રુબીઓ , ટેડ ક્રુઝ, ક્રિસ ક્રિસ્ટી જેવા રિપબ્લિકન પાર્ટીના દિગ્ગજોને અને ત્યારબાદ રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં હિલેરી ક્લિન્ટન  જેવા મહારથીને હરાવી સમગ્ર વિશ્વને આંચકો આપ્યો હતો. હોટેલ અને રીઅલ એસ્ટેટ ક્ષેત્રે મોટો કારોબાર ધરાવતા ડોનાલ્ડ ટ્રમ્પની ગણના અબજોપતિ ઉદ્યોગપતિ અને રીઅલ એસ્ટેટના માંધાતા તરીકે થાય છે. રાષ્ટ્ર પ્રમુખ બન્યા  પછી તેમનો કારોબાર તેમના દીકરાઓ સાંભળે છે.સ્લોવેનિયન મૂળ ધરાવતા અને ભૂતપૂર્વ મોડેલ રહી ચૂકેલા  મીલેનીયા કનૌસસ ડોનાલ્ડ ટ્રમ્પના પત્ની છે. ટ્રમ્પના આ ત્રીજા લગ્ન છે. આખાબોલો સ્વભાવ ધરાવતા અને બેફામ નિવેદનો આપવા માટે જાણીતા ડોનાલ્ડ ટ્રમ્પનો રાષ્ટ્ર  પ્રમુખ તરીકેનો કાર્યકાળ અત્યંત વિવાદાસ્પદ રહ્યો છે.

સામે પક્ષે ડેમોક્રેટ પ્રાઈમરીની ચૂંટણીમાં શરૂઆતમાં પાછળ રહ્યા બાદ જોરદાર વાપસી કરતા  જો બિડેને તમામ હરીફોને પાછળ રાખી  ડેમોક્રેટ પાર્ટીના ઉમેદવાર બનવા માટે જરૂરી ડેલિગેટ્સનું સમર્થન મેળવી લીધું હતું. ઓગસ્ટ મહિનાના અંતમાં વિસ્કોસીન રાજ્યના મિલવોકી શહેરમાં યોજાયેલા ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં પાર્ટી તરફથી તેમને સત્તાવાર ઉમેદવાર તરીકે ઘોષિત કરવામાં આવ્યા હતા.  અમેરિકી રાજકારણમાં 40 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા જો બિડન પીઢ રાજકારણી છે. ૧૯૬૯ થી વકીલ તરીકે કારકિર્દી શરૂ કરનાર જો બિડેન ૧૯૭૩ થી ૨૦૦૯ સુધી ડેલાવરથી સેનેટર અને ત્યારબાદ   ૨૦૦૯ થી ૨૦૧૭ સુધી ઓબામા સરકારમાં ઉપરાષ્ટ્રપતિ પદે રહી ચુક્યા છે.૨૦૧૬ની રાષ્ટ્ર પ્રમુખની  ચૂંટણી સમયે તેમના સમર્થકોના આગ્રહ છતાં ચૂંટણી લડવાની ના પડી દેનારા જો બિડેન આ વખતે ડોનાલ્ડ ટ્રમ્પને હરાવવાના ઉદેશ્ય સાથે ચૂંટણી જંગમાં ઉતાર્યા છે.ભૂતપૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા અને પૂર્વ સેક્રેટરી ઓફ સ્ટેટ હિલેરી ક્લિન્ટનનું તેમને સમર્થન છે.

અમેરિકાની  રાજનીતિમાં  કેટલાક રાજ્યો એવા છે જે સ્વિંગ સ્ટેટ  અથવા બેટલ ગ્રાઉન્ડ તરીકે ઓળખાય છે. આવા રાજ્યોમાં કોલોરાડો ,ફ્લોરિડા , આયોવા, નેવાડા ,મિશિગન ,મિનેસોટા ,ન્યુ હેમ્પશાયર નોર્થ કેરોલિના ઓહાયો , પેન્સિલવેનિયા ,વર્જિનિયા ,વિસ્કોસીનનો સમાવેશ થાય છે. સ્વિંગ સ્ટેટમાં રિપબ્લિકન કે ડેમોક્રેટ બંને ઉમેદવારને જીતવાની તક રહેલી હોય  છે. દાખલા  ૨૦૧૨ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં ડેમોક્રેટ ઉમેદવાર બરાક ઓબામાએ ફ્લોરિડા રાજ્યમાં જીત મેળવી હતી.જયારે ૨૦૧૬ની રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર  ડોનાલ્ડ ટ્રમ્પએ ફ્લોરિડા રાજ્યમાં જીત મેળવી ડેમોક્રેટ પાસેથી આંચકી લીધું હતું. આ વખતની ચૂંટણીમાં પણ સ્વિંગ સ્ટેટ તરીકે  ઓળખાતા આ રાજ્યો નિર્ણાયક સાબિત થશે અને જે તે ઉમેદવારની જીતનો આધાર આ રાજ્યો પર રહેશે.ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા હોઈ બંને ઉમેદવારો આ રાજ્યના મતદારોને રીઝવવાનો ભરપૂર પ્રયાસ કરશે.આ સિવાય જે બાકીના રાજ્યો છે તે મોટે ભાગે રિપબ્લિકન કે ડેમોક્રેટ તરફી ઝુકાવ ધરાવતા હોય છે.જેમ કે ન્યુયોર્ક ,કેલિફોર્નિયા ,ઈલિનોઈસ ,આ રાજ્યો ડેમોક્રેટ તરફી રાજ્યો છે.જયારે ટેક્સાસ ,જ્યોર્જિયા ,અલાબામા ,સાઉથ કેરોલિના ,આ રિપબ્લિકન તરફી રાજ્યો છે.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં ઓહાયો  એક એવું રાજ્ય છે જેને લઈને 1960 થી એક એવી પરંપરા રહી છે કે ઓહાયો જીતે તે રાષ્ટ્ર પ્રમુખ બને .૧૯૬૦થી લઈને૨૦૧૬ સુધીની  તમામ રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં જે ઉમેદવારોએ ઓહાયો રાજ્યમાં જીત મેળવી તેજ ઉમેદવારો રાષ્ટ્ર પ્રમુખ બન્યા છે. નજીકના ભૂતકાળમાં જોઈએ તો ૧૯૯૨-૧૯૯૬ માં બિલ ક્લિન્ટન ૨૦૦૦- ૨૦૦૪ જ્યોર્જ બુશ ,૨૦૦૮-૨૦૧૨ બારાક ઓબામા , ૨૦૧૬ માં ડોનાલ્ડ ટ્રમ્પ , આ તમામે ઓહાયો રાજ્યમાં જીત મેળવી હતી અને રાષ્ટ્ર પ્રમુખ બન્યા  હતા. રિપબ્લિકન પાર્ટીની વાત કરીએ તો અમેરિકાના રાષ્ટ્ર પ્રમખુની ચૂંટણીના ઇતિહાસમાં રિપબ્લિકન પાર્ટીનો કોઈપણ ઉમેદવાર ઓહાયો રાજ્યમાં જીત મેળવ્યા સિવાય  રાષ્ટ્ર પ્રમુખ બન્યો નથી. આ વખતે આ પરંપરા  જળવાશે કે નહીં તે જોવું રસપ્રદ બની રહેશે

અમેરિકામાં ભારતીય મૂળના મતદાતાઓની સંખ્યા લગભગ 45 લાખ જેટલી છે.આ મતદારો મોટે ભાગે ડેમોક્રેટ તરફી ઝુકાવ ધરાવે છે.જોકે 2016 ની ચૂંટણીમાં એમાં બદલાવ  જોવા મળ્યો હતો. ત્યારબાદ  ડોનાલ્ડ ટ્રમ્પના  રાષ્ટ્ર પ્રમુખ તરીકેના કાર્યકાળમાં ટ્રમ્પ -મોદીની જુગલબંધીમાં ભારત -અમેરિકા એકબીજાની  વધુ નજીક આવ્યા છે. નરેન્દ્રભાઈ મોદીનો હ્યુસ્ટનમાં હાઉ ડી મોદી અને ત્યારબાદ  ડોનાલ્ડ ટ્રમ્પનો અમદાવાદમાં નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમ યોજાયો હતો. આ જોતા આ વખતે ભારતીય મતદારોનો  ઝુકાવ રિપબ્લિકન પાર્ટી તરફી રહી શકે છે.  જો કે  ડેમોક્રેટ ઉમેદવાર જો બિડેને ઉપરાષ્ટ્રપતિ પદ માટે કમલા હેરિસની પસંદગી કરતા આમાં ફેરફાર થઇ શકે છે. કમલા હેરિસ ભારતીય મૂળ ધરાવે છે. તેમના માતા શ્યામલા ગોપાલનનો જન્મ ભારતના ચેન્નાઈમાં થયો હતો. તેમણે ૧૯૬૩મા ડોનાલ્ડ હેરિસ સાથે લગ્ન કર્યા હતા. જો કે કમલા હેરિસે કાશ્મીર મુદ્દે આપેલા નિવેદનો તેમને નડી શકે છે.

અમેરિકાના રાષ્ટ્ર પ્રમુખની ચૂંટણીમાં છેલ્લે 1992 માં તત્કાલીન રાષ્ટ્ર પ્રમુખ જ્યોર્જ બુશ સીનીઅર ડેમોક્રેટ ઉમેદવાર બિલ ક્લિન્ટન સામે બીજી ટર્મની ચૂંટણી હારી ગયા હતા.ત્યારપછી આવેલા તમામ રાષ્ટ્રપ્રમુખ બીજી ટર્મ જીતવામાં સફળ રહ્યા હતા.જો ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટણી હારી જશે તો તે જ્યોર્જ બુશ પછી પહેલા એવા પ્રમુખ બનશે  જે બીજી ટર્મમાં ચૂંટણી જીતવામાં અસફળ રહ્યા હોય.હાલના તબક્કે તમામ એક્ઝિટ પોલમાં  જો બિડન આગળ ચાલી રહ્યા છે.એ તો જોકે 2016 માં હિલેરી ક્લિન્ટન પણ તમામ એક્ઝિટ પોલમાં આગળ ચાલી રહ્યા હતા.પરંતુ ડોનાલ્ડ ટ્રમ્પ બાજી મારી ગયા હતા.આ વખતે એક્ઝિટ પોલ સાચા પડશે અને જો બિડન ચૂંટણી જીતશે કે પછી ફરીથી 2016 ની માફક તમામ એક્ઝિટ પોલને  ખોટા પાડી ડોનાલ્ડ ટ્રમ્પ બાજી મારી જશે તે જાણવા પરિણામ સુધી રાહ જોવી રહી તેવું શ્રી ભાવિક મોદીની યાદી દ્વારા જાણવા મળે છે.

(1:10 pm IST)