Gujarati News

Gujarati News

News of Tuesday, 29th June 2021

પોતાની કારકિર્દી માટે પત્ની વિદેશ રહેતી હોય તો તેને પતિ પ્રત્યેની ક્રૂરતા ન કહેવાય : મુંબઈ સ્થિત પતિએ કેનેડા રહેતી પત્નીથી માંગેલા છૂટાછેડા મંજુર કરવાનો મુંબઈ હાઇકોર્ટનો ઇન્કાર

મુંબઈ : એન્જીનીઅર પતિ પત્નીએ 5 જાન્યુઆરી 2004 ની સાલમાં લવ  મેરેજ કર્યા પછી નોકરી માટે કેનેડા સ્થાયી થયા હતા. પતિ 2003 ની સાલથી કેનેડામાં હતો.તેણે જીવનસાથી તરીકે પત્નીને પણ કેનેડા તેડાવી લીધી હતી.તથા બંને કેનેડાના નાગરિક બની ગયા હતા.

પરંતુ 2009 ની સાલમાં કાર  દુર્ઘટનાને કારણે પતિને શારીરિક નુકશાન થતા તેની નોકરી જતી રહી હતી.બાદમાં એક પુત્રનો પણ જન્મ થયો હતો.પત્ની ફાર્માસ્યુટિકલ કંપનીમાં નોકરી કરતી હતી.

પતિ ભારત પરત આવી ગયો હતો.અને પત્ની પણ પરત આવ્યા બાદ પોતાના  માતાપિતાને ત્યાં જતી રહી હતી.તેની ઈચ્છા કેનેડા પરત જવાની હોવાથી તે બાદમાં પુત્ર સાથે કેનેડા જતી રહી હતી.જ્યાં તે ફરીથી નોકરી કરવા લાગી હતી. પરંતુ પતિએ પરત કેનેડા આવવાનો ઇન્કાર  કર્યો હતો.તથા લગ્નના હક્ક પુરા કરવા અથવા છૂટાછેડા આપવા ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી.જે નામંજૂર થતા મુંબઈ હાઇકોર્ટમાં અરજી કરી હતી.

જેના અનુસંધાને નામદાર કોર્ટે જણાવ્યું હતું કે પત્ની પોતાની કારકિર્દી માટે પત્ની વિદેશ રહેતી હોય તો તેને પતિ પ્રત્યેની ક્રૂરતા ન કહેવાય અને તે કારણસર છૂટાછેડા મંજુર ન કરી  શકાય. લગ્ન પછી ખુદ પતિ તેને કેનેડા લઇ ગયો હતો.હવે  તેણે પત્ની અને પુત્ર સાથે રહેવું જોઈએ. નામદાર કોર્ટે ફેમિલી કોર્ટનો ચુકાદો માન્ય રાખ્યો હતો તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(8:05 pm IST)