Gujarati News

Gujarati News

News of Monday, 31st August 2020

પાકિસ્તાનમાં લોકશાહીને ગળેટુંપો : આર્મીની ટીકા કરનાર મહિલા વકીલનું અપહરણ : 4 દિવસ સુધી ત્રાસ ગુજાર્યો : બાદમાં મોમાં ડૂચો ભરાવી બેભાન અવસ્થામાં ખેતરમાં ફેંકી દીધી

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં માત્ર નામ પૂરતી જ લોકશાહી હોવાનું એક વધુ ઉદાહરણ નજર સમક્ષ આવ્યું છે.જે મુજબ સૈન્યની ટીકા કરનાર એક મહિલાનું 15 ઓગસ્ટના રોજ અપહરણ કરાયું હતું.જેના ઉપર 4 દિવસ સુધી ત્રાસ ગુજરી બાદમાં મોમાં ડૂચો ભરાવી તેને બેભાન અવસ્થામાં ખેતરમાં ફેંકી દેવામાં આવી હતી.
ઇશરત નસરીન નામની આ વકીલ મહિલાનો ગુનો એ હતો કે તેણે તાજેતરમાં જ પાકિસ્તાની આર્મીની ટીકા કરી હતી. આર્મીને દેશની દુશ્મન કહી હતી .માનવાધિકાર કાર્યકર્તા આરિફ અજાકિયાએ તેની જાણકારી આપી છે. તેમણે આ મામલે એક વીડિયો પણ પોસ્ટ કર્યો છે જેમાં સેનાની ટીકા કરવામા આવી છે.
જિયો ન્યૂઝના રિપોર્ટ અનુસાર ગત અઠવાડિએ એક મહિલા વકીલને અમુક લોકો તેમની ઓફિસમાંથી ઉઠાવી ગયા હતા. ત્યારબાદ મેલ્સીમાં ઢોડા રોડ કિનારે બેભાન હાલતમાં તે મળી આવી હતી. તેના હાથ પગ બાંધેલા હતા અને મોઢામાં કપડું ભરાવેલું હતું.
અજાકિયાએ શેર કરેલા એક વીડિયોમાં સ્થાનિક લોકો વકીલની પૂછપરછ કરતા દેખાય છે. વીડિયોમાં વકીલ યોગ્ય રીતે બોલી શકતી પણ નથી. તેણે કહ્યું કે તે દિપાલપુરની રહેવાસી છે અને તેના છ બાળકો છે. 15 ઓગસ્ટે સવારે ચાર લોકોએ તેનું અપહરણ કર્યું હતું. ત્યારબાદ ટોર્ચર કરીને ખેતરમાં ફેંકી દીધી હતા. અત્યારે વકીલને તાલુકાની હેડકવાર્ટર હોસ્પિટલમાં દાખલ કરવામા આવી છે. પોલીસે જણાવ્યું કે તેના દીકરાએ અપહરણનો રિપોર્ટ દાખલ કર્યો હતો.

(1:37 pm IST)