Gujarati News

Gujarati News

News of Tuesday, 3rd November 2020

અમેરિકામાં હૈદરાબાદના યુવકની હત્યા: ઘરની બહાર મૃતદેહ મળ્યો : પત્નીએ અમેરિકા જવા મોદી સરકાર પાસે મદદ માગી

આરિફનો મૃતદેહ જ્યોર્જિયાની એક હૉસ્પિટલમાં પડ્યો છે. એના કોઇ સ્વજન ત્યાં હાજર નથી.

અમેરિકાના જ્યોર્જિયામાં આંધ્ર પ્રદેશના હૈદરાબાદ શહેરના વતની 37 વર્ષના એક મુહમ્મદ આરિફ મોહિઉદ્દીનની હત્યા કરાઇ હતી.જ્યોર્જિયામાં ગ્રોસરી સ્ટોર ચલાવતા આરિફનો મૃતદેહ એના ઘરની બહાર મળી આવ્યો હતો. એને છરો ભોંકીને મારી નખાયો હતો.

એની પત્ની મહેનાઝ ફાતિમાએ પતિના અંતિમ સંસ્કાર કરવા અમેરિકા જવા માટે કેન્દ્ર સરકારની મદદ માગી હતી. આરિફ છેલ્લાં દસ વર્ષથી જ્યોર્જિયામાં રહેતો હતો. મહેનાઝે મોદી સરકારને વિનંતી કરી હતી કે મને અને મારા પિતાને ઇમર્જન્સી વીઝા પર તત્કાળ અમેરિકા જવાની વ્યવસ્થા કરી આપો જેથી અમે મારા પતિના અંતિમ સંસ્કાર કરી શકીએ.

ગ્રોસરી સ્ટોરના સીસીટીવીમાં સ્ટોરના એક કર્મચારી સહિત કેટલાક લોકો સ્ટોરમાં જતાં દેખાયાં હતા. એમાં હુમલાખોરો પણ હતા. ફાતિમાએ કહ્યું કે રવિવારે રાત્રે નવ વાગ્યે મેં આરિફને ફોન કર્યો હતો. એણે કહ્યું કે હું અર્ધા કલાકમાં તમને સામો ફોન કરું છું. પરંતુ એમનો ફોન આવ્યો નહીં. ત્યારબાદ મને મારી નણંદ દ્વારા ખબર પડી કે મારા પતિની છરો મારીને હત્યા કરાઇ હતી.

હાલ આરિફનો મૃતદેહ જ્યોર્જિયાની એક હૉસ્પિટલમાં પડ્યો છે. એના કોઇ સ્વજન ત્યાં હાજર નથી. તેલંગાણાના પક્ષ મજલિસ બચાઓ તહેરિકના પ્રવક્તા ઉલ્લાહ ખાને મોદી સરકાર અને અમેરિકા ખાતેના ભારતીય રાજદૂતને પત્ર લખીને આરિફના કુટુંબીજનોને મદદ કરવાની વિનંતી કરી હતી.

(12:17 pm IST)