Gujarati News

Gujarati News

News of Wednesday, 4th August 2021

અમેરિકાના ન્યૂજર્સીમાં 1 ઓગસ્ટ 2021 રવિવારના રોજ ' ઉમિયાધામ ' નો બીજો વાર્ષિક પાટોત્સવ ઉજવાયો : રાસ ગરબા, હવન, પૂજા, અન્નકોટ, મહા પ્રસાદ, મહાઆરતી સહિતના કાર્યક્રમોમાં એક હજાર ઉપરાંત ભાવિકો જોડાયા

દિપ્તીબેન જાની દ્વારા ,ન્યુજર્સી : અમેરિકાના ન્યૂજર્સીમાં 1 ઓગસ્ટ 2021 રવિવારના રોજ ' ઉમિયાધામ ' નો બીજો વાર્ષિક પાટોત્સવ ઉજવાઈ ગયો .

2019 સમર સીઝનમાં શ્રી ઉમિયા પરિવાર ઓફ યુ.એસ.એ.ના ઉપક્રમે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં 10 હજાર  ઉપરાંત કોમ્યુનિટી મેમ્બર્સ ઉમટી પડ્યા હતા . મંદિરમાં મુખ્ય દેવી તરીકે જગત જનની ઉમિયા માતાજીની વિશાળ કદની મૂર્તિ મુકાઈ છે. જેઓ સહુ ભાવિકો ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે.    

ઉમિયા માતાજી ઉપરાંત મંદિરમાં મુકાયેલી અન્ય દેવી દેવતાઓની મૂર્તિઓમાં રાધા કૃષ્ણ , રામ પરિવાર ,હનુમાનજી ,અંબા માતાજી ,શિવ પરિવાર ,શ્રી ગણેશ ,તથા શિવલિંગ ,સહિતની ડેરીઓ આ મંદિરને અસલ હિન્દૂ મંદિર તરીકે દર્શાવે છે. એડિસનની મધ્યમાં ઓક ટ્રી રોડ ઉપર આવેલું આ ભવ્ય મંદિર શહેરમાં વસતા કોમ્યુનિટી પ્રજાજનો માટે દર્શન કરવાનું અનુકૂળ સ્થળ છે.

આ બીજો પાટોત્સવ કોવિદ -19 સંજોગો પછીનો સૌથી મોટો મહોત્સવ હતો. જેમાં ધાર્મિક પૂજા વિધિની આગલી રાત્રે ગરબાનો કાર્યક્રમ યોજાયો હતો.માતાજીના ચોકમાં યોજાયેલા આ ગરબાનો 200 ઉપરાંત ભાવિકોએ લાભ લીધો હતો.

બાદમાં પૂજા વિધિ સમયે 30 દંપતી 3 કલાક સુધી ચાલેલા હવનમાં શામેલ થયા હતા.હવન વિધિ પુરી થયા બાદ માતાજીને 108 વાનગીઓ સાથેનો અન્નકોટ ધરવામાં આવ્યો હતો.દિવસના અંતે આયોજિત મહા આરતીમાં માતાજી જાણે કે ભક્તો ઉપર આશીર્વાદ વરસાવી રહ્યા છે તેવી અનુભૂતિ ભાવિકોએ કરતા તેમની આંખોમાં હર્ષાશ્રુ જોવા મળ્યા હતા.આખો દિવસ ઉજવાયેલા ઉત્સવમાં એક હજાર ઉપરાંત ભાવિકો જોડાયા હતા.

જે પૈકી છસ્સો જેટલા ભાવિકોએ સાંજે યોજાયેલા મહાપ્રસાદનો લાભ લીધો હતો.

મહોત્સવની ઉજવણી માટે ડોનેશન આપનાર 90 ઉપરાંત દાતાઓનો ટ્રસ્ટીઓએ આભાર માન્યો હતો.તેમજ ઉજવણી માટે જહેમત ઉઠાવનાર વોલન્ટિયર્સનો પણ આભાર માન્યો હતો.

ઉમિયાધામમાં ધાર્મિક કાર્યક્રમો ઉપરાંત કોમ્યુનિટીની સેવાઓ માટે વિવિધ હેલ્થ પ્રોગ્રામ , સોશિઅલ એક્ટિવિટીઝ, શિક્ષણ ,ચેરીટેબલ એક્ટિવિટીઝ સહિતના આયોજનો થાય છે. ,ઉપરાંત સીનીઅર સીટીઝનો માટે ભેગા થવાનું સ્થળ છે.ઉમિયાધામ કોમ્યુનિટી માટે લગ્ન પ્રસંગો ,જન્મ દિવસ ઉજવણી ,વાર્ષિક ઉત્સવો ,બેબી શોવર્સ ,તથા મેમોરિયલ સર્વિસ માટે કેન્દ્ર સમાન સ્થળ બનવા લાગ્યું છે.

વિશેષ માહિતી માટે શ્રી અતુલ પટેલનો  apatel1a@yahoo.com દ્વારા સંપર્ક કરવો.તેવું શ્રી ભાષ્કરભાઈ સુરેજાની યાદીમાં જણાવાયું છે.

(2:51 pm IST)