Gujarati News

Gujarati News

News of Saturday, 5th September 2020

વિશ્વની કુલ વસ્તીના પાંચમા ભાગ જેટલી વસ્તી ધરાવતા ચીનમાં ખેતી માટેની જમીન માત્ર 7 ટકા : આગામી દિવસોમાં અનાજની આયાત ઉપર નિર્ભર રહેવાના અને ભૂખમરાના એંધાણ : ભારતમાં 50 ટકા ,અમેરિકામાં 20 ટકા અને ફ્રાન્સમાં 32 ટકા જમીન ખેતી માટે લાયક

ન્યુદિલ્હી : ભારત સહીત અન્ય પડોશી દેશોની જમીન હડપ કરવા માટે સદાય ટાંપીને બેઠેલા ચીનની વરવી વાસ્તવિકતા સામે આવી છે.જે મુજબ વિશ્વની કુલ વસ્તીના પાંચમા ભાગ જેટલી એટલે કે 22 ટકા વસતી ધરાવતા ચીનમાં ખેતી માટેની જમીન માત્ર 7 ટકા છે. જે પૈકી 40 ટકા જમીનમાં જ પિયતની સગવડ છે.જયારે આ જમીન ભારતમાં 50 ટકા ,અમેરિકામાં 20 ટકા અને ફ્રાન્સમાં 32 ટકા જેટલી છે.
 આવનાર સમયમાં ચીની નાગરિકોને બે ટાઈમ પેટ ભરવાનું પણ મુશ્કેલ સાબિત થઈ શકે છે.ખુબ જ ઓછી જમીનમાં મહત્તમ અનાજ પેદા કરવું પડે તેમ હોવાથી ચીન સૌથી વધારે ખાતરનો ઉપયોગ કરે છે.  તેના કારણે પ્રતિ એકર અનાજનું સૌથી વધારે ઉત્પાદન થાય છે. આમ છતાં ચીનમાં ડિમાન્ડ અને સપ્લાય વચ્ચે બહુ મોટો તફાવત છે. વારંવાર આવતી પ્રાકૃતિક આપત્તિઓ વચ્ચે ચીન માટે પોતાની વસતીનુ પેટ ભરવું મુશ્કેલ બની ગયું છે. 2030માં ચીનની વસતી દોઢ અબજ પર પહોંચશે ત્યારે તેને દર વર્ષે 10 કરોડ ટન વધારે અનાજની જરુર પડવાની છે.
ચીનની સરકારના કહેવા પ્રમાણે ગયા વર્ષે દુકાળ અને પૂર એમ બંને પ્રકારની આપદાઓના કારણે 5.48 કરોડ લોકોને અસર પહોંચી હતી. ચીનના ફૂડ સપ્લાય પર પણ તેની અસર પડી છે. આ વર્ષે મકાઈના પાકને તીડના હુમલાના કારણે ભારે નુકસાન થયુ છે. તો ચીનમાં ભોજનનો બગાડ પણ ભૂખમરાનું કારણ બની શકે છે. ચીનના લોકો દર વર્ષે 1.8 કરોડ ટન જેટલુ ભોજન ફેંકી દે છે. જેનાથી ઓછામાં ઓછા 3થી 5 કરોડ લોકોનું પેટ ભરી શકાય તેમ છે. આમ પોતાની મહાશક્તિ ગણાવનારા ચીનમાં ખાવાના પણ ફાંફાં પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે.

(6:28 pm IST)