Gujarati News

Gujarati News

News of Saturday, 11th June 2022

માત્ર એક ટેકસ્‍ટ મેસેજથી અમેરિકામાં અભ્‍યાસ કરતી ભારતની એક દિકરીને મળી ત્‍વરીત મદદ

સપોર્ટ ન્‍યુ ઇન્‍ડિયા (SNI) -યુ.એસ.એ.ના સેવાભાવી કાર્યકર્તાઓ દ્વારા ભારત (પંજાબ)ની એક વિદ્યાર્થીનીને અકસ્‍માત બાદ મળી અ-કલ્‍પનીય મદદ :ગૌતમભાઇ પટેલ તથા અતુલ વડોદરીયા અને SNIના સમર્પિત-સેવાભાવી કાર્યકર્તાઓની સક્રિયતાથી ભારતની એક દીકરીને જબરો સધિયારો અને હૂંફ મળી છે

રાજકોટ : વિદેશની ભૂમિ પર આપણા ભારતના અસંખ્‍ય વિદ્યાર્થીઓ ઉચ્‍ચ અભ્‍યાસ માટે જતા હોય છે. અમેરિકામાં પણ ઘણા ભારતીય છાત્રો અભ્‍યાસ કરી રહ્યા છે. તાજેતરમાં એક અપૂર્વ, હકારાત્‍મક એવી સંવેદનાત્‍મક ઘટના બની. જેમાં યુ. એસ. માં આપણા ભારતીયો માટે સેવારત-કર્મતત્‍પર સેવા સંસ્‍થા ‘સપોર્ટ ન્‍યુ ઇન્‍ડિયા (SNI)ના કાર્યકર્તાઓની ત્‍વરીત સક્રિયતા થકી પંજાબની એક દીકરીને અભૂતપૂર્વ મદદ-હૂંફ અને સહયોગ મળ્‍યો હતો. એ સેવામય ઘટનાની વાત કૈંક આમ છે.

દિલ્‍હીની આંચલ નામની એક વિદ્યાર્થીની જે હાલમાં બફેલો યુનિવર્સિટી-ન્‍યુયોર્કમાં અભ્‍યાસ કરી રહી છે. એમને ત્‍યાં અચાનક અકસ્‍માત થતા હોસ્‍પિટલમાં દાખલ થવું પડેલું અને સર્જરી પણ કરવી પડી. સર્જરી પછી સંચાલકોએ આંચલને હોસ્‍પિટલમાંથી રજા આપી દીધી. તેણીએ હોસ્‍પિટલવાળાને પોતાની કથની કહી કે હું એકલી છું અને મોરૂં નજીકનું કોઇ સ્‍વજન કે પરિચિત અહીં નથી  તેથી મને થોડાક દિવસો આરામ કરવા માટે રહેવા દો તો સારું. હજુ હું જાતે કાર ચલાવી શકું કે બહાર આવન-જાવન કરી શકું એવી  સ્‍થિતિ નથી. હું લાચાર છું. પણ હોસ્‍પિટલે આંચલને નિયમાનુસાર ડીસ્‍ચાર્જ જ કરી દીધી! પરિણામે વિદ્યાર્થીની વિશેષ મુશ્‍કેલીમાં મૂકાઇ ગઇ હતી. આવા સંજોગોમાં આંચલે અમેરિકામાં રહેતા જયોત્‍સના શર્માનો ત્‍વરિત સંપર્ક કર્યો. જયોત્‍સનાબહેને પોતાના માોબઇલમાંથી  માત્ર એક ટેકસ્‍ટ મેસેજ વહેતો મૂકયો કે તરત જ SNIના સેવાભાવી અનેક કાર્યકર્તાઓ સક્રિય થયા અને થોડાક સમયમાં જ ન્‍યુજર્સી સ્‍ટેટમાં રહેતા અતુલ વડોદરિયા (મૂળ ભાવનગર-રાજકોટ)એ તેમના મિત્ર વર્તુળ મારફત ભારતની આ દીકરીને ત્‍યાં એમને ઘેર બેઠા જીવન જરૂરીયાતની તમામ વસ્‍તુઓ, ગ્રોસરી, નાસ્‍તો, ફૂડ પેકેટસના તૈયાર બોકસ વગેરે પહોંચતા કરી દીધેલ હતાં. એટલું જ નહી પણ અન્‍ય આકસ્‍મિક કામકાજ માટે આંચલને સંપર્ક કરવા માટે કેટલાક ફોન નંબરો પણ આપી દીધા હતા કે જેથી કોઇ પણ પ્રકારની મદદ માટે, ગમે તેવી કપરી પરિસ્‍થિતીમાં પણ એ કોઇને ય ફોન કરીને મદદ મેળવી શકે.

સપોર્ટ ન્‍યુ ઇન્‍ડિયા-યુ.એસ. દ્વારા આ અગાઉ પણ કોરોનાના કપરા કાળમાં અને એ પછી પણ ભારતના છેવાડાના ગામડાઓમાં, પછાત વર્ગના જરૂરીયાતમાં લોકો માટે અનેક સેવાકાર્યો કરેલા છે અને આ સંસ્‍થાના કાર્યકર્તાઓ - સેવકો દેશ કે વિદેશમાં ભારતની માતૃભૂમિના લોકો માટે સેવા અર્થે સદૈવ ખડે પગે હાજર હોય છે. દિલ્‍હીની એ વિદ્યાર્થીની આંચલના માતા શિક્ષિકા છે. આંચલ અભ્‍યાસાર્થે અમેરિકા ગઇ છે અને ત્‍યાં આમ અચાનક અકસ્‍માતવશ થતા એક જ ટેકસ્‍ટ મેસેજ થકી હજારો કિલોમીટર દૂર રહેતી આપણા ભારતની એક દીકરીને સપોર્ટ ન્‍યુ ઇન્‍ડિયા (SNI) ના અતુલ વડોદરિયાની સંવેદનાત્‍મક- સેવામય - સતર્કતાથી ત્‍વરિત મદદ મળી ગઇ હતી.

આપણા દેશના વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદીની એક હાકલથી અમેરિકા સ્‍થિત શ્રી ગૌતમભાઇ પટેલના માર્ગદર્શન - વડપણ હેઠળ ‘સપોર્ટ ઇન્‍ડિયા - SNI )' નામક સેવાકિય સંસ્‍થાની સ્‍થાપના થઇ છે અને અમેરિકાની ભૂમિ પર વસતા કોઇ પણ ભારતીયોને કોઇપણ કપરી પરિસ્‍થિતી - સંજોગોમાં મદદ, માર્ગદર્શન અને હૂંફ મળી રહે છે. અતુલ વડોદરિયા રાજકોટની ધર્મેન્‍દ્રસિંહજી આર્ટ્‌સ (DH કોલેજ) કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને ભાવનગરના આર.એસ.એસ. ભાજપની વિચારધારાને સમર્પિત ‘વડોદરિયા પરિવાર'ના પનોતા પુત્ર છે.

અમેરિકાની ભૂમિ પર ભારતની પ્રજાની પ્રત્‍યેક પ્રકારની સેવા-મદદ માટે સદૈવ કર્મ તત્‍પર ને આવા સંવેદનમય સેવાકર્મ માટે સૌ કાર્યકર્તાઓને લાખ-લાખ વંદન સાથે અભિનંદન. આ લખનાર પણ સપોર્ટ ન્‍યુ ઇન્‍ડિયા રાજકોટ સૌરાષ્‍ટ્ર પ્રદેશનો કન્‍વીનર છે. ન્‍યૂજર્સી ખાતે જયારે સપોર્ટ ન્‍યૂ ઇન્‍ડિયા સંસ્‍થાનો શુભારંભ સમારોહ થયેલો ત્‍યારે મને ત્‍યાં હાજર રહી સાક્ષી બનવાનો અવસર મળેલો એનું સહજ સ્‍મરણ થાય છે.(પ-૧૩)

પ્રા. ડો. મનોજ જોશી, મો. ૯૪ર૬ર ૪ર૧૧પ

 

(10:40 am IST)