Gujarati News

Gujarati News

News of Monday, 10th August 2020

ચાઈનીઝ વસ્તુઓની આયાતમાં ઘટાડો થયો હોવાનો ભારતનો દાવો પોકળ : ચાઈનીઝ મીડિયા ગ્લોબલ ટાઇમ્સનો અહેવાલ : " બોયકોટ ચાઈના " સૂત્ર સાથે આયાતમાં 56 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે : ભારતની મિનિસ્ટ્રી ઓફ કોમર્સનો અહેવાલ

બેજિંગઃ : ચાઈનીઝ મીડિયા ગ્લોબલ ટાઇમ્સે તાજેતરમાં પ્રસિદ્ધ કરેલા અહેવાલ મુજબ ભારતે ચાઈનીઝ વસ્તુઓની આયાતમાં ઘટાડો કર્યો હોવાની વાત પોકળ છે.હકીકતમાં આયાતમાં 24 ટકાનો વધારો કર્યો છે.
ભારતના બોયકોટ ચાઈના સૂત્રની મજાક ઉડાવતા આ અખબારે જણાવાયા મુજબ ભારત અગાઉથી ય વધુ આયાત કરે છે. આના માટે તેણે ચીનના કસ્ટમ ડિપાર્ટમેન્ટનો ડેટા શેર કર્યો. જેના પ્રમાણે, ચીનની ભારતમાં થતી નિકાસમાં વધારો થયો છે. જૂનમાં જ્યાં 4.78 અબજ ડોલરની નિકાસ થઈ હતી, જુલાઈમાં 5.60 અબજ ડોલરની નિકાસ થઈ હતી.
જો કે ભારતની મિનિસ્ટ્રી ઓફ કોમર્સના ડેટા આનાથી અલગ કહાની રજુ કરે છે. મિનિસ્ટ્રી ઓફ કોમર્સના ડેટા પ્રમાણે, ચીનમાંથી થઈ રહેલી આયાતમાં ઘટાડો થયો છે.
ચીનના કસ્ટમ ડિપાર્ટમેન્ટના ડેટા પ્રમાણે, જૂનની સરખામણીમાં જુલાઈમાં ભારતમાં થતી નિકાસમાં વધારો થયો છે. ચીનનો ડેટા જણાવે છે કે જૂનમાં ભારતમાં ચીનથી 4.78 અબજ ડોલર(35 હજાર 850 કરોડ રૂપિયા)નો સામાન આવ્યો હતો અને જુલાઈમાં 5.60 અબજ ડોલર(42 હજાર કરોડ રૂપિયા)નો સામાન આવ્યો હતો. આ પ્રમાણે ચીનથી ભારતમાં થતી નિકાસ જૂનની તુલનામાં જુલાઈમાં 17%થી વધુ વધી છે.
ભારતની મિનિસ્ટ્રી ઓફ કોમર્સની વેબસાઈટ પર હાલ જુલાઈનો ડેટા આવ્યો નથી, પણ ગત મહિનાના આંકડા ચીનના ડેટા કરતા અલગ છે. ચીનના ડેટા પ્રમાણે, ભારતે ચીન પાસેથી જૂનમાં 35 હજાર 850 કરોડ રૂપિયાનો સામાન ખરીદ્યો હતો, જ્યારે ભારતના ડેટા પ્રમાણે, ભારતે ચીન પાસેથી જૂનમાં 25 હજાર 176 કરોડ રૂપિયાનો સામાન મંગાવ્યો હતો.
મિનિસ્ટ્રી ઓફ કોમર્સના ડેટા પ્રમાણે, આ વર્ષે જાન્યુઆરીથી જૂન વચ્ચે ભારતે ચીનથી થતી આયાતમાં ઘટાડો કર્યો છે. આ વર્ષે 6 મહિનામાં ભારતમાં ચીન પાસેથી 1.79 લાખ કરોડ રૂપિયા આયાત થઈ હતી, જે ગત વર્ષની તુલનામાં 24% ઓછી છે.
 ભારતે ચીનથી આવતી આયાતને ઘટાડી છે, તો બીજી બાજુ ચીનને કરવામાં આવતી નિકાસને વધારી પણ છે. આ વર્ષે ભારતે જાન્યુઆરીથી જૂન વચ્ચે ચીનને 68 હજાર 680 કરોડ રૂપિયાના સામાનની નિકાસ કરી છે, જે ગત વર્ષની તુલનામાં 17% વધુ છે.

(11:16 am IST)