Gujarati News

Gujarati News

News of Thursday, 13th August 2020

અમેરિકાની H-1B વિઝા ધારકોને મોટી રાહતઃ શરત સાથે પાછા યુએસ આવી શકશે : ભારતીયોને મોટો ફાયદો

વોશિંગ્ટનઃઅમેરિકાએ પોતાના ત્યાં વિઝા પ્રતિબંધોમાં મોટી રાહત આપી છે. જેનાથી ભારતીયોને ઘણો ફાયદો મળશે. કોરોના વાઈરસ મહામારીને ધ્યાનમાં રાખતા અમેરિકાએ વિઝા પ્રતિબંધોને લાગુ કરી દીધા છે. ટ્રમ્પ વહીવટીતંત્રએ H1B વિઝા ધારકો માટે નિયમોમાં ઢીલ આપી છે. જેથી તેઓ અમેરિકામાં પ્રવેશ કરી શકે. ભારતીય આ વિઝા દ્વારા સૌથી વધારે સંખ્યામાં અમેરિકા જાય છે.

અમેરિકી વહીવટીતંત્ર દ્વારા કહેવામાં આવેલ કે, તેઓ એચ-૧બી વિઝા ધારકો માટે બનાવવામાં આવેલા નિયમોમાં કેટલીક છુટછાટ આપી રહ્યા છે. જેથી તેઓ અમેરિકા આવી શકે. જોકે, આ માટે એક શરત રાખવામાં આવી છે. વહીવટીતંત્ર તરફથી કહેવામાં આવ્યુ છે કે આ વિઝા ધારકોએ તે જ નોકરી કરવા માટે પાછુ ફરવુ પડશે, જેને તે વિઝા પ્રતિબંધો પહેલા કરી રહ્યા હતા.

અમેરિકી વિદેશ મંત્રાલયના સલાહકારે કહ્યુ કે આશ્રિતોને પણ પ્રાથમિક વિઝા ધારકોની સાથે મુસાફરી કરવાની અનુમતિ આપવામાં આવશે. વિભાગીય સલાહકારે કહ્યુ કે એક જ એમ્પ્લોયર અને પોતાની જૂની જ નોકરીને ફરીથી શરૂ કરનારોને આવવાની પરવાનગી આપવામાં આવે છે.

ટ્રમ્પ વહીવટીતંત્રએ તકનીકી વિશેષજ્ઞો, વરિષ્ઠ-સ્તરના સંચાલકો અને અન્ય કામદારોને પણ મુસાફરીની અનુમતિ આપી છે જે એચ-૧બી વિઝા ધારક છે અને જેમની મુસાફરી સંયુકત રાજય અમેરિકાની તત્કાલ અને નિરંતર આર્થિક પરિસ્થિતિને સુવિધાજનક બનાવવા માટે જરૂરી છે.

અમેરિકા પર કોરોના વાઈરસ મહામારીનો ખાસો પ્રભાવ જોવા મળ્યો છે જેને ધ્યાનમાં રાખતા આ નિર્ણયને લેવાયો છે. અમેરિકા વહીવટીતંત્રએ તે વિઝા ધારકોને છુટ આપી છે જે કોવિડ-૧૯ મહામારીના પ્રભાવોને ઓછા કરવા માટે અથવા નોંધપાત્ર જાહેર આરોગ્ય લાભોવાળા વિસ્તારમાં ચાલી રહેલા તબીબી સંશોધનનું સંચાલન કરવા માટે જાહેર આરોગ્ય અથવા આરોગ્ય સંભાળ વ્યાવસાયિકો કે સંશોધક તરીકે કામ કરી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે ૨૨ જૂને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રોજગાર આધારિત કેટલીક અમેરિકી વિઝા પ્રોગ્રામ પર અસ્થાયી રીતે રોક લગાવી દીધી હતી. તેમના આ નિર્ણય બાદ અમેરિકામાં નોકરી કરવાની ઈચ્છા રાખનારા લાખો લોકોની આશાઓને જોરદાર ઝટકો લાગ્યો હતો.

એચ-૧બી વિઝા અંતર્ગત અમેરિકી કંપનીઓ તકનીકી અથવા વિશેષજ્ઞતા વાળા પદ પર બીજા દેશોના વ્યવસાયિકને નિયુકત કરે છે. અમેરિકામાં ટેક કંપનીઓ આ વિઝા દ્વારા દક્ષિણ એશિયાના હજારો વ્યવસાયિકોને નોકરી પર રાખે છે. આ વિઝા અંતર્ગત મોટી સંખ્યામાં ભારતીય અને ચીની વ્યવસાયિક અમેરિકામાં જઈને નોકરી કરે છે. અમેરિકી સરકાર દ્વારા તે કર્મચારીઓને આ વિઝા દ્વારા નોકરી પર રાખવામાં આવે છે, જેમણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલુ હોય છે.

(10:37 am IST)