Gujarati News

Gujarati News

News of Friday, 9th October 2020

અમેરિકાના વાઇસ પ્રેસિડન્ટ પદની ડીબેટમાં સુશ્રી કમલા હેરિસના ટ્રમ્પ સરકાર ઉપર પ્રહારો : કોરોના મહામારી રોકવામાં ટ્રમ્પ સરકાર નિષ્ફ્ળ : વંશીય ભેદભાવ ,બેરોજગારી ,સહિતના મુદ્દે સુશ્રી હેરિસે આક્ષેપોનો મારો ચલાવ્યો

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડન્ટ સહિતની જનરલ ચૂંટણીઓ પહેલા ત્યાંના રિવાજ મુજબ પ્રેસિડન્ટ તથા વાઇસ પ્રેસિડેન્ટના સ્પર્ધકો વચ્ચે ડિબેટ યોજાતી હોય છે.જે અંતર્ગત પ્રેસિડન્ટ પદના ઉમેદવારો વચ્ચેની ડિબેટ સંપન્ન થયા બાદ ગઈકાલ 8 ઓક્ટોબરના રોજ વાઇસ પ્રેસિડન્ટ પદ માટેના ઉમેદવારો ભારતીય મૂળના ડેમોક્રેટ સુશ્રી કમલા હેરિસ તથા રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સ વચ્ચે ડિબેટ યોજાઈ હતી.
આ  ડીબેટમાં સુશ્રી કમલા હેરિસે  કોવિડ-19 મહામારીને હેન્ડલ કરવામાં પ્રમુખ ટ્રમ્પની નીતીઓને નિષ્ફળ ગણાવી હતી. તેમણે કહ્યું હતું કે 'અમેરિકાના ઇતિહાસમાં  પ્રમુખના વહીવટી તંત્રો પૈકી ટ્રમ્પનુ તંત્ર તદ્દન ખરાબ રહ્યું હતું.

પ્રમુખપદના ઉમેદવારોની ડિબેટમાં જેટલી ગરમાગરમી હતી તે બુધવારની ડિબેટમાં જોવા મળી નહતી. ટ્રમ્પને અનેકવાર અવરોધવામાં આવ્યા હતા પરંતુ હેરિસ સાથેની ડિબેટમાં પેન્સે કોઇ અવરોધ ઊભા કર્યા ન હતા.ટ્રમ્પ અને બિડેને તો એક બીજાના ઉતારી પાડવાનો  પ્રયાસ કર્યો હતો.ત્રીજી નવમ્બરની ચૂંટણી પહેલા 90 મિનિટની ડિબેટમાં 55 વર્ષની હેરિસ અને 61 વર્ષના પેન્સ મહત્ત્વના મુદ્દા તેમના પોતાના પ્રચારને જ વળગી રહ્યા હતા. અન્ડરડોગ  તરીકે ડિબેટમાં ઉતરેલા પેન્સ  છેલ્લા ચાર વર્ષમાં ટ્રમ્પ વહીવટી તંત્રની કામગીરાનો આક્રોશપૂર્વક  બચાવ કરતા દેખાયા હતા.

ઉપ પ્રમુખની ચૂંટણીમાં  પ્રથમ ભારતીય મૂળની મહિલા તરીકે મંચ પર ઉતરીને ઇતિહાસ રચનાર હેરિસે પેન્સના  તથ્ય અને આંકડાઓ સાથે સવાલોના જવાબ આપતી વખતે પોતાનું સ્મીત જાળવી રાખ્યું હતું. 'આ વહીવટી તંત્ર ફરીથી ચૂટાવવાની નૈતિક શક્તિ ગુમાવી દીધી છે'એમ કમલા હેરિસે કહ્યું હતું.પેન્સે આક્ષેપ કર્યો હતો કે બિડેન ફરીથી અર્થતંત્રને પાટે ચઢાવવા માટે ચીનની પડખે જઇ રહ્યા છે. આપણા વેપારની ખાધ ચીનના કારણે હતી.
સામસામી આક્ષેપબાજીઓ બાદ વિના વિઘ્ને ડિબેટ સંપન્ન થઇ હતી તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:33 pm IST)