Gujarati News

Gujarati News

News of Tuesday, 10th November 2020

અબુધાબીમાં BAPSનું હિન્દુ મંદિરઃ ભારતમાં નિર્માણનું કાર્ય

પૂ.બ્રહ્મવિહારીદાસજીના સાનિધ્યમાં નિર્માણ કાર્યઃ ૨૦૨૨માં મંદિરનું નિર્માણ થઈ જશે : નિજ મંદિરમાં કયાંય પણ લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથીઃ માર્ચ ૨૦૨૧ સુધીમાં નકશીદાર સ્તંભોને દરિયાઈ માર્ગે યુએઈ મોકલાશેઃ શિલ્પકારો દ્વારા ૭૦૭ ઘનમીટરના પથ્થરોમાં કલાકોતરણીનું કાર્ય

અમદાવાદઃ યુનાઇટેડ આરબ એમિરેટ્સની રાજધાની અબુધાબીમાં પરંપરાગત શૈલીના પ્રથમ શિખરબદ્ઘ BAPS હિંદુ મંદિરનું નિર્માણ થઈ રહ્યું છે. BAPS સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા, પરમ પૂજય મહંતસ્વામી મહારાજની આજ્ઞાથી વરિષ્ઠ સંતવર્ય પૂજય બ્રહ્મવિહારીદાસજી નિર્માણકાર્યની દેખરેખ માટે મંદિરનિર્માણ સ્થળ-અબુ મુરૈખા ખાતે પહોંચ્યા છે. બીજી તરફ અબુ ધાબીનાં સૌપ્રથમ BAPS હિન્દુ મંદિર માટેનું શિલ્પકાર્ય એટલે કે મંદિરના પથ્થર ઉપર ઉત્તમ કલા-કોતરણીનું કામ ભારતમાં ચાલી રહ્યું છે. જે અંતર્ગત સુશોભિત સ્તંભ તૈયાર થઈ રહ્યાં છે. જયાં શિલ્પકારો અંતિમ રચના-ડિઝાઈન માટે કાર્યરત્ છે. પરિણામે, આ મંદિરના ખડક સ્તંભો ઉપર શ્રેષ્ઠ કલાકોતરણી અને નયનરમ્ય પ્રતિમાઓનું નિર્માણ પણ જોવા મળશે.

માર્ચ-૨૦૨૧ના અંત સુધીમાં આ બેનમૂન નકશીદાર સ્તંભોને દરિયાઈ માર્ગે યુએઈ મોકલવામાં આવશે. કેટલાંક ઉત્તમ કલાકારીગરી-નકશીકામ થયેલા સ્તંભો ઉપર માળા લઈને ઊભેલા હાથીની આસપાસ નૃત્ય કરતાં મોર, ઊંટ અને શંખનાદ કરી રહેલા ઘોડેસવારો જોવા મળી રહ્યાં છે. પ્રાચીન હિન્દુ શાસ્ત્રોમાં આવતી કથાઓને જાણે કલા-કોતરણીદ્વારા મૂર્ત રૂપ અપાયું હોય તેવું આબેહૂબ દૃશ્ય સ્તંભ પર નજરે પડી રહ્યા છે. સાથોસાથ આ સ્તંભ ઉપર ઢોલ-નગારાથી માંડીને વાંસળી જેવા પારંપરિક વાદ્યયંત્રો સાથેના સંગીતકારો અને નૃત્ય કરતાં નૃત્યકારો પણ જોવા મળી રહ્યાં છે.

'ભારત અને યુએઈના નેતૃત્વના માર્ગદર્શન અને સમાજની સહાય સાથે ઐતિહાસિક મંદિરનિર્માણનું કાર્ય ચાલી રહ્યું છે. ૭૦૭ ઘનમીટરના પથ્થર ઉપર સુંદર કલાકોતરણી કાર્ય શિલ્પકારો દ્વારા થઈ રહ્યું છે.' એમ મંદિર પ્રવકતાએ જણાવ્યું.

BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય, પૂજય બ્રહ્મવિહારીદાસજી સ્વામી કે જેઓ BAPS સ્વામિનારાયણ સંસ્થાની આંતરરાષ્ટ્રીય પ્રવૃત્ત્િ।ઓનું માર્ગદર્શન કરી રહ્યાં છે તેઓ અત્યારે મંદિરનિર્માણ સ્થળે યોગ્ય માર્ગદર્શન આપી રહ્યા છે.

જયારે આ મંદિરની વિશેષતાની વાત કરીએ તો આ વિસ્તારમાં આવા નકશીકામ સાથેનું પરંપરાગત શૈલીનું સૌપ્રથમ હિન્દુ મંદિર નિર્માણ પામશે. આ મંદિરની અંતિમ ડિઝાઈનમાં મંદિર ફરતે જળસ્રોત હશે અને એમ્ફી થિયેટર પણ મંદિરના આકર્ષણમાં વધારો કરશે. બે નાના ફુવારા સાથેના પ્રવેશદ્વારથી દર્શનાર્થીઓનું સ્વાગત થશે. સાથોસાથ અહીં સમૃદ્ઘ પુસ્તકાલય અને કમ્યુનિટી સેન્ટર પણ કાર્યરત્ થશે.

આ મંદિરનું મંડોવર(ગર્ભગૃહની દીવાલ) મંદિરની વિશિષ્ટ ઓળખ બની રહેશે. મંડોવરના ગવાક્ષ ઉપર ભારતીય પારંપરિક કથાઓની સાથે જ ખાડીના દેશોની અદ્દભુત કલાકોતરણીના સમન્વય જોવા મળશે, જે અદ્વિતીય બની રહેશે.

નિજ મંદિરમાં કયાંય લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. આરસ, સ્થંભો અને ખડક સ્થંભો ઉપર નિર્માણ પામેલ રચનાને યુએઈમાં જોડવામાં આવશે.

બેનમૂન શિલ્પકળા અંગેની પ્રેરણા માટે આ મંદિરની શિલ્પકળા સાથે સંકળાયેલી સંશોધન ટીમે ભારતના મંદિરોની મુલાકાત પણ લીધી હતી. વિશ્વભરનાં તમામ ધર્મ-આસ્થાના લોકોને આવકારવા માટે આ મંદિરનું નિર્માણનું કાર્ય વર્ષ-૨૦૨૨ સુધીમાં પૂર્ણ થાય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ગત મહિને શેખ અબ્દુલ્લાહ બિન ઝાયેદ(યુએઈના ફોરેન અફેર્સ એન્ડ ઇન્ટરનેશનલ કોઓપરેશન મંત્રી)ને BAPS હિન્દુ મંદિરના નિર્માણકાર્યની દેખરેખ કરનારા BAPS સ્વામિનારાયણ સંસ્થાના વરિષ્ઠ સંતવર્ય પૂજય બ્રહ્મવિહારીદાસજી સ્વામી અને ભારતના યુએઈ સ્થિત રાજદૂત પવન દ્વારા એક સાથે મળીને મંદિરના નિર્માણકાર્ય અંગેની વિગતો અંગે ચર્ચા કરાઈ હતી.

(2:46 pm IST)