Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટ લેબર કમિશનર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કાર્તિક ભટ્ટે ઉમેદવારી નોંધાવી : વ્યવસાયિક ,શૈક્ષણિક ,આરોગ્ય ,ખેતીવાડી ,રોજગારી ,સહીત તમામ ક્ષેત્રે સર્વાંગી વિકાસની નેમ સાથે રિપબ્લિકન ઉમેદવાર તરીકે મેદાનમાં

જ્યોર્જિયા : અમેરિકાના જ્યોર્જિયા સ્ટેટ લેબર કમિશનર તરીકે ઇન્ડિયન અમેરિકન શ્રી કાર્તિક ભટ્ટે ઉમેદવારી નોંધાવી  છે.તેઓ રિપબ્લિકન ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. માતાપિતા ,પત્ની ,તથા પુત્રીના હર્યાભર્યા પરિવાર સાથે રહેતા શ્રી ભટ્ટ એવું માને છે કે અમેરિકા તકોનો દેશ છે.જ્યાં દરેક સ્કિલ વર્કર તથા સખ્ત મહેનત કરતા લોકો માટે તકો છે.તેઓ કહે છે કે અમેરિકાએ મને ઘણું આપ્યું છે જે હું સમાજને પરત કરવા માંગુ છું.

2020 ની સાલમાં તેઓ યુ.એસ.પ્રેસિડન્ટ મોટરકેડ ખાતે સૌપ્રથમ ઇન્ડિયન અમેરિકન ઓનરરી ડ્રાયવર તરીકેનું બિરુદ મેળવી ચુક્યા છે.તેઓ નાના ,મધ્યમ ,તથા મોટા વ્યવસાયિકોના પ્રશ્નો હલ કરવા માંગે છે.હાલમાં આ વ્યવસાયિકોને બેન્કમાંથી લોન મેળવવામાં 60 થી 70 દિવસ લાગે છે તે ગાળો તેઓ 30 થી 45 દિવસનો કરવાની નેમ ધરાવે છે.તે માટે બેન્ક મેનેજમેન્ટ સાથે ચર્ચા કરી પ્રશ્ન હલ કરશે.જે હોદ્દો સંભાળ્યાના 100 દિવસમાં જ પ્રશ્ન હલ કરવા માંગે છે.

દેશમાં તેમજ વિદેશો સાથે વ્યવસાય કરતા લોકોને લાયસન્સ માટે થતી ઝંઝટનો ગાળો પણ ઘટાડવા માંગે છે.તે માટે તેઓ ગવર્નમેન્ટ એજન્સી સાથે ચર્ચા કરશે.દર એકથી બે વર્ષે તેઓ ગ્લોબલ બિઝનેસ સમિટ તથા ઇન્ટરનેશનલ બિઝનેસ કોન્ફરન્સનું આયોજન કરશે.

લેબર કમિશનર તરીકેનો હોદ્દો સંભાળ્યા બાદ તેઓ હોટેલ માલિકોના પ્રશ્નો પણ હલ કરવા માંગે છે. જેઓના વ્યવસાય કોવિદ -19 ના કારણે ઠપ્પ થઇ ગયા છે.તેમને રાહત આપવા માટે તેઓ સ્ટેટ ટેક્સ કે જે 5 ડોલર છે તે નાબૂદ કરવા માંગે છે.આ પ્રશ્ન પણ તેઓ હોદ્દો સંભાળ્યાના 100 દિવસમાં જ હલ કરવા માંગે છે.

ઉપરાંત રોજગારી ક્ષેત્રે પણ તેઓ બેરોજગારોને રોજી આપવાની નેમ ધરાવે છે.જે માત્ર સામાન્ય જનતા માટે નહીં પરંતુ જેલના કેદીઓને પણ રોજી પુરી પાડી નવી જિંદગી પ્રત્યે પ્રેરણા પુરી પાડવા માંગે છે.

હાઈસ્કૂલ તથા કોલેજ સ્ટુડન્ટ્સને અદ્યતન ટેક્નોલોજીથી વાકેફગાર કરવા માટે સેમિનારના આયોજનો કરવા ,તેમજ લીડરશીપના ગુણો વિકસાવવા સહીત કામગીરી કરવા માંગે છે.

સાથોસાથ તમામ લોકો માટે ફાયનાન્શીયલ સેમિનાર ,સલામતી ,વ્યવસાયિક પ્રગતિ , ખેતીવાડી ક્ષેત્રે વિકાસ , કસ્ટમર સર્વિસ , જ્યોર્જીયાની જીડીપીના વિકાસ સાથે સમગ્ર દેશની જીડીપી વધારવા જ્યોર્જિયામાં રોકાણકારોને આકર્ષવા ,સહીત દરેક ક્ષેત્રે કામગીરી કરી સમાજ પાસેથી મેળવેલું સમાજને પરત આપવાની નેમ ધરાવે છે.

ઉપરાંત 7 સ્ટાર હોટલ, વિશ્વનો સૌથી મોટો શોપિંગ મોલ, વિશ્વની સૌથી મોટી અને ઉંચી ઇમારત, ગ્લોબલ બિઝનેસ હબ, આઇટી હબ, ટેક્નોલોજી હબ, વિશ્વની શ્રેષ્ઠ તબીબી કોલેજ, વિશ્વની શ્રેષ્ઠ ડેન્ટલ કોલેજ, વિશ્વની શ્રેષ્ઠ કાયદા કોલેજ. ક્રિકેટ સ્ટેડિયમ, વિશ્વની સૌથી મોટી ફૂડ કોર્ટ.સહિતના સ્વપ્નો સાકાર કરવાની નેમ સાથે તેઓ રિપબ્લિકન ઉમેદવાર તરીકે જ્યોર્જિયા લેબર કમિશ્નરના હોદ્દા માટે ચૂંટણી લડી રહ્યા છે. તેવું ડો.વાસુદેવ પટેલ એટલાન્ટાની યાદી જણાવે છે.

(10:54 am IST)