Gujarati News

Gujarati News

News of Monday, 13th September 2021

કેનેડાના રાજકારણમાં સ્થાનિક ભારતીયોનો દબદબો : 20 સપ્ટેમ્બરના રોજ હાઉસ ઓફ કોમન્સની ચૂંટણી : ઈન્ડો કૅનૅડીઅન જગમીત સિંઘના નેતૃત્વ હેઠળની ધી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ફરી એક વખત નવી સરકારની રચનામાં મહત્વનું પરિબળ બનશે

કેનેડા : કેનેડામાં 20 સપ્ટેમ્બરના રોજ હાઉસ ઓફ કોમન્સની ચૂંટણી યોજાવાની છે. જેમાં ઈન્ડો કૅનૅડીઅન જગમીત સિંઘના નેતૃત્વ હેઠળની ધી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP) ફરી એક વખત નવી સરકારની રચનામાં મહત્વનું પરિબળ બનશે .

2019માં જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીએ 338ની 'આમ-સભા'માં 157 બેઠકો મેળવી હતી, ત્યારે NDPના 24 સભ્યોના ટેકાથી તેણે સરકાર રચી હતી.અને આ વખતે પણ પંજાબના વતની જગમીત સિંઘના નેતૃત્વ નીચેની ધી ન્યૂ ડેમોક્રેટિક પાર્ટી (NDP)ફરી એક વખત 'કિંગ-મેકર'ની ભૂમિકા ભજવે તેવી પૂરી સંભાવના દેખાઈ રહી છે.

૨૦મી સપ્ટેમ્બરે યોજાનારી આ ચૂંટણી સંબંધે મળતા પ્રવાહો ઉપરથી લાગે છે કે, ફેડરલ-ઈલેક્શનમાં, લિબરલ્સ અને કોન્ઝર્વેટીવ્સ વચ્ચે કટોકટીની સ્પર્ધા છે તે સમયે જગમીત સિંઘની નાની પાર્ટી ભલે થોડી જ બેઠકો મેળવે પરંતુ તે બેઠકોના સાથથી બેમાંથી એક પક્ષ સરકાર રચી શકે તેમ છે.

૨૦૧૯માં વર્તમાન વડાપ્રધાન જસ્ટીન ટ્રુડોની લિબરલ પાર્ટીએ ૩૩૮નાં હાઉસ ઓફ કોમન્સમાં, ૧૫૭ બેઠકો મેળવી હતી. જે બહુમતી માટે ૧૩ ઓછી હતી. જ્યારે કોન્ઝર્વેેટીવ્ઝે, ૧૨૧ બેઠકો મેળવી હતી. તે વખતે જગમીત સિંઘની પાર્ટી NDPને ૨૪ બેઠકો મળી હતી. તેણે ટ્રુડોની પાર્ટીને સાથ આપતા તેઓ સરકાર રચી શક્યા હતા.

ઉલ્લેખનીય છે કે NDP ભારતીયોની વધુ વસતી ધરાવતા બે પ્રાંતો, બ્રિટિશ-કોલંબિયા અને ઓન્ટોરિયોમાં બળવાન છે. ઓપિનિયન પોલ્સ પ્રમાણે આ વખતે NDP તેની પહેલાંની ૨૪ સીટ કરતાં વધુ સીટ લઈ જાય તેમ છે.

કેનેડામાં જઈ વસેલા ભારતીયો (Indian diaspora)પ્રબળ રાજકીય પરિબળ બની રહ્યા છે. તેથી તેઓની સહાય માટે બંને પક્ષો પ્રયત્નો કરતા હોય છે. ભારતીયોનો ત્યાં રાજકારણમાં પણ ઘણો પ્રભાવ છે.

આ વખતની ચૂંટણીમાં ૨૪ NRI દ્વારા ઝૂકાવવામાં આવ્યું છે. તેમના મુખ્ય મુદ્દાઓમાં ભારત-કેનેડા વચ્ચેની બંધ કરાયેલી સીધી વિમાન સેવા ચાલુ કરવાનો, જાતિવાદ અને રહેણાંકની ઉંચી કિંમત છે. તેમનું કહેવું છે કે, ઈન્ડો-કેનેડીયન્સ સીધી વિમાન સેવા બંધ કરાતા ભારત ગયેલા ઈન્ડો-કેનેડીયન્સ પોતાના મત આપી નહીં શકે તે તેમના અધિકારના ભંગ સમાન છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(7:38 pm IST)