Gujarati News

Gujarati News

News of Tuesday, 15th June 2021

સાઉથ આફ્રિકામાં ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી ભારતીય મૂળના યુવાન દંપતીનું કરૂણ મોત : હજુ બે સપ્તાહ પહેલા જ લગ્ન થયા હતા

જહોનિસબર્ગ : સાઉથ આફ્રિકામાં ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી ભારતીય મૂળના યુવાન દંપતીનું કરૂણ મોત થયું છે.  હજુ બે સપ્તાહ પહેલા જ તેમના લગ્ન થયા હતા .

ઝહીર સારંગ અને નબીલાહ ખાનની લાશ રવિવારે બપોરે તેમના બાથરૂમમાં મળી આવી હતી. એવું માનવામાં આવે છે કે નળને સ્પર્શતાં જ પત્નીને ઇલેક્ટ્રિક શોટ લાગ્યો  હતો . અને ત્યારબાદ જ્યારે પતિએ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે તેનું પણ વિદ્યુત કરંટના  કારણે મોત થયું હતું.

પોલીસ પ્રવક્તા કેપ્ટન માવેલા માસોન્ડોએ બંનેના મોતની પુષ્ટિ કરી હતી પરંતુ જણાવ્યું હતું કે પોસ્ટ મોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતનું ચોક્કસ કારણ જાણી શકાય. જોહાનિસબર્ગ, સિટી પાવરની  વીજ સત્તાએ પણ આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપ્યા છે. સ્થાનિકોએ આ વિસ્તારમાં દૈનિક વીજ કાપ અને માળખાગત સુવિધા જાળવવામાં સિટી પાવરની કથિત અસમર્થતાને દોષી ઠેરવી છે.

એક પાડોશીએ કહ્યું હતું કે આ વિસ્તારના ઘણા લોકોએ નળને સ્પર્શ કરવા પર કરંટ લાગતો હોવાની  ફરિયાદ કરી છે, પરંતુ આના કારણે કોઈનું મોત  થયું હોય તેવો આ પહેલો કિસ્સો છે. તેવું એચ.ટી.દ્વારા જાણવા મળે છે.

(5:47 pm IST)