Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

ડાયાબીટીસ સાથે ખુશખુશાલ જીવન જીવવા અમેરિકામાં હોલિસ્ટિક સારવારનો વર્કશોપ યોજાયો : જોય એકેડેમી ઓફ અમેરિકા અને ડીસી ગ્રુપ ઓફ સાઇબર યોગીસના સંયુક્ત ઉપક્રમે આયોજિત ચાર સપ્તાહના વર્કશોપમાં આઠ વેબિનારનું આયોજન કરાયું : જાણીતા તજજ્ઞ ડો.કમલ પરીખે આધ્યાત્મિક દ્રષ્ટિએ ડાયાબિટીસ અને યોગનો સમન્વય કરવાનું વૈજ્ઞાનિક મહત્વ સમજાવ્યું : ડાયાબીટીશ સાથે જીવનમાં આવતા પડકારો અને મુશ્કેલીઓને દૂર કરવાની માસ્ટર કી બતાવી

દિપ્તીબેન જાની દ્વારા ન્યુજર્સી : ડાયાબીટીશ અને તેની સાથે જીવનમાં આવતા પડકારો અને મુશ્કેલીઓને દૂર કરવા  હોલિસ્ટિક સારવારનો વર્કશોપ યોજાયો..ભારતનું આધ્યાત્મિક જ્ઞાન એક અલગ પ્રકારનો સારવારનો હિસ્સો બનાવવાના અભિગમથી જોય એકેડેમી ઓફ અમેરિકા અને ડીસી ગ્રુપ ઓફ સાઇબર યોગીસ અમેરિકાના સંયુક્ત ઉપક્રમે વર્કશોપ યોજાયો હતો.

અધ્યાત્મ અને યોગના માધ્યમથી ડાયાબીટીશને કેમ કાબુમાં રાખી શકાય તેનો વિશિષ્ટ પ્રકારનો ચાર અઠવાડિયાના કુલ આઠ વેબિનારના વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.આ વેબિનારમાં 100 વ્યક્તિઓએ ભાગ લીધો હતો.

જાણીતા તજજ્ઞ ડો.કમલ પરીખે આ વેબિનારમાં ડાયાબિટીસ અને યોગનો સમન્વય આધ્યાત્મિક દ્રષ્ટિએ કેમ કરવો અને તેનું વૈજ્ઞાનિક મહત્વનું વિગતવાર માહિતી આપી હતી. તથા ડાયાબીટીશ સાથે જીવનમાં આવતા પડકારો અને મુશ્કેલીઓને દૂર કરવાની માસ્ટર કી બતાવી હતી. ડો.પ્રદીપ કણસાગરા અને રિદ્ધિ પટેલ દ્વારા યોગની વિવિધ ક્રિયા અને આસનોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.જે રોજબરોજના જીવનમાં ખુબ ઉપયોગી થઇ શકે.

જે અંતર્ગત રોજ 30 મિનિટના યોગાભ્યાસ જેમાં પ્રાર્થના ,સૂક્ષ્મ ક્રિયા ,આસનો પ્રાણાયામ અને ધ્યાન કેવી રીતે કરી શકાય અને તેનાથી થતા ફાયદાઓની માહિતી આપી હતી. ઉપરાંત ખોરાક ,કસરત ,ઊંઘ ,અને બીજી સારવારની પદ્ધતિઓ સારી રીતે જીવનમાં કઈ રીતે પાળી શકાય તે વિષે ડો.કમલ પરીખે વિસ્તૃત સમજણ આપી હતી.

વેબિનારમાં ડાયાબિટીસ સાથે તંદુરસ્ત જીવન માણવાના રહસ્યો બતાવવામાં આવ્યા હતા.તેમજ ડાયાબિટીસ વિષે રસપ્રદ માહિતી આપવામાં આવી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે દવાઓ કે ઇન્જેક્શન ડાયાબીટીસને કાયમી મટાડતા નથી.અને લોહીમાં દવાઓની અસર હોય ત્યાં સુધી ગ્લુકોઝ ઘટે છે.જેવી દવાઓ બંધ કરીએ તે દિવસથી અસર થાય.તેથી જ ડાયાબિટીસની દવાઓ ડોક્ટરની સલાહ મુજબ કાયમી લેવી જરૂરી છે.આ ઉપરાંત મનગમતું સંગીત ,નિર્દોષ હાસ્ય ,તનાવ મુક્ત બાળક જેવા રહેવાથી દર્દીઓને જીવન જીવવાની મજા આવી જાય.

ડાયાબિટીસ સાથે તંદુરસ્ત જીવન માનવ જીવન શૈલી ઉપર ભાર મુકવામાં આવ્યો હતો.જેમાં દરરોજ આઠ કલાકની ઉંઘ ,10 મિનિટ ધ્યાન ,15 મિનિટ યોગ ,અઠવાડિયામાં ત્રણ દિવસ કાર્ડિયો ,30 મિનિટ કસરત ,30 મિનિટ સૂર્યપ્રકાશ ,દિવસમાં અડધી ડીશ ફ્રૂટ અથવા શાકભાજી ,અને 2.5 લીટર પાણી પીવાની ભલામણ કરવામાં આવેલ.

ઉપરાંત વજન અને ખોરાકની નોંધ રાખવી ,દર અઠવાડિયે જમ્યા પહેલાનું અને જમ્યા પછીનું સુગર લેવલ ચકાસવું ,દર મહિને ખોરાક અને કસરતનું વિશ્લેષણ કરવું ,દર 3 મહિને HBA1C અને ડોક્ટર દ્વારા તપાસ કરાવવી ,દર 6 મહિને પગ અને હૃદયની તપાસ કરાવવી , તેમજ દર વર્ષે આંખોની તપાસ અને ડોક્ટરની સલાહ મુજબ જે જરૂરી હોય તે તપાસ કરાવવી .

ડો.કણસાગરાએ આખા કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું.આ વેબિનારની વિશિષ્ટતા એ હતી કે અમેરિકામાં આવો સેમિનાર પહેલી વખત કરવામાં આવ્યો હતો.અને જેનો લાભ ઘણાએ લીધો હતો.અને ખુબ સારો પ્રતિભાવ આપ્યો હતો.બધા ભાગ લેનાર દરરોજ પોતાના જીવનમા યોગ અને આધ્યાત્મિક દ્રષ્ટિકોણને અપનાવશે અને 3 મહિના પછી તેનું વિશ્લેષણ કરવામાં આવશે.

 

(7:27 pm IST)