Gujarati News

Gujarati News

News of Saturday, 8th January 2022

બારડોલીના પોશ વિસ્તારમાં NRI વૃદ્ધને ધાબળો ઓઢાડી ઘરમાંથી લાખોના માલમતાની ચોરી : વોચમેન પર શંકા

પોલીસ માત્ર સ્થળ વિઝિટ કરીને રવાના :NRI સાથે લૂંટની આટલી મોટી ઘટના બનવા છતાં પોલીસે ગુનો નોંધવાની પણ તસ્દી લીધી ન હતી.

 

બારડોલીના પોશ વિસ્તારમાં આવેલી નેસ્ટ રેસિડેન્સીમાં હાલમાં અમેરિકાથી આવેલા NRI વૃદ્ધના મકાનને અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યું હતું. વૃદ્ધ જાગી જતાં શખ્સોએ વૃદ્ધ પર ધાબળો નાંખી ઘરમાંથી અંદાજિત અમેરિકન 10 હજાર ડોલર, 2 લાખ રૂપિયા રોકડા સહિત લાખો રૂપિયાની લૂંટ કરી નાસી છૂટ્યા હતા. ત્રણ દિવસ પૂર્વે બનેલી આટલી મોટી લૂંટની ઘટના છતાં બારડોલી પોલીસના ચોપડે કોઈ ફરિયાદ દાખલ થઈ ન હતી. જેને લઈને વિસ્તારના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે.

ગત 28મી ડિસેમ્બરના રોજ બારડોલી તાલુકાના નિઝર ગામમાં NRIના બંધ મકાનને નિશાન બનાવી 5 લાખ રોકડા અને 20 તોલા સોનું ચોરી થવાની ઘટનાની શ્યાહી હજી સુકાય નથી ત્યાં તસ્કરોએ વધુ એક NRIના મકાનને નિશાન બનાવ્યું છે. સુરત જિલ્લામાં ચોરીની ઘટનામાં પોલીસ દ્વારા ગુનો ન નોંધવાને કારણે તસ્કરોને જાણે છૂટો દોર મળી ગયો છે. મૂળ બારડોલી તાલુકાના મોતા ગામના અને વર્ષોથી અમેરિકામાં સ્થાયી થયેલા ચંદુભાઈ જેઠાભાઈ પટેલ હાલમાં જ માદરે વતન આવ્યા છે અને બારડોલી ખાતે નેસ્ટ રેસિડેન્સીમાં આવેલ પોતાના મકાનમાં એકલા રહે છે. ત્રણેક દિવસ પહેલા રાત્રિના સમયે તેમના ઘરમાં ત્રણ થી ચાર અજાણ્યા શખ્શો ઘૂસી આવ્યા હતા અને ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા હતા તે સમયે વૃદ્ધ ચંદુભાઈ અચાનક જાગી જતાં અજાણ્યા શખ્સોએ તેમના પર ધાબળો ઓઢાડી બંધક બનાવી દઈ ઘરના કબાટ અને અન્ય સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તસ્કરો ઘરમાં મૂકેલા 2 લાખ રૂપિયા રોકડા, 10 હજાર અમેરિકન ડોલર સહિત લાખો રૂપિયાની લૂંટ કરી પલાયન થઈ ગયા હતા

 વૃદ્ધે બૂમાબૂમ કરતાં આજુબાજુના લોકો જાગી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી. જો કે પોલીસ માત્ર સ્થળ વિઝિટ કરીને રવાના થઈ ગઈ હતી. NRI સાથે લૂંટની આટલી મોટી ઘટના બનવા છતાં પોલીસે ઘટનાને ગંભીરતાથી ન લઈ ગુનો નોંધવાની પણ તસ્દી લીધી ન હતી. જેને લઈને સ્થાનિક રહીશોમાં પણ ચોરી લૂંટની વધતી ઘટનાને લઈ ફફડાટ ફેલાયો છે.

નેસ્ટ રેસિડેન્સીમાં અંદરની બાજુ ફરજ બજાવતો વોચમેન છેલ્લા ત્રણ ચાર દિવસથી આવતો ન હોય સ્થાનિકો તેના પર શંકાની સોઈ ટાંકી રહ્યા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે આ વોચમેન NRI વૃદ્ધ સાથે વધુ પડતી વાતો કરતો હતો અને આ ઘટના બાદથી તે અહી આવતો ન હોવાથી શંકા વધુ ઘેરી બની છે. જો કે પોલીસ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે તે જોવું રહ્યું.

(11:42 pm IST)