Gujarati News

Gujarati News

News of Sunday, 16th August 2020

અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટેનો ડેમોક્રેટિક પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર : પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બીડને સ્થાનિક ભારતીયો તથા ભારત દેશને આગવું મહત્વ આપ્યું : પાકિસ્તાનનું નામ લીધા વિના તેને આતંકવાદનો અડ્ડો ગણાવ્યું

વોશિંગટન : અમેરિકામાં નવેમ્બર માસમાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણી માટેનો ડેમોક્રેટિક પાર્ટીનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દેવાયો છે.જેમાં પ્રેસિડન્ટ પદના ઉમેદવાર જો બીડને સ્થાનિક ભારતીયો તથા ભારત દેશને આગવું મહત્વ આપ્યું છે.તેમણે પાકિસ્તાનનું નામ લીધા વિના તેને આતંકવાદનો અડ્ડો ગણાવ્યું છે.
ઢંઢેરામાં જણાવાયા મુજબ ભારત સાથે સારા સંબંધ માટે તેને પ્રાથમિકતા આપવામાં આવશે. દક્ષિણ એશિયામાં સરહદ પારથી થતી આતંકી હરકતોને ચલાવી લેવાશે નહીં.
તેમના આ સ્ટેટમેન્ટમાં દક્ષિણ એશિયાનો ઉલ્લેખ છે જેમાં ભારત અને પાકિસ્તાન બન્ને આવે છે. અમેરિકાએ બરાક ઓબામાના વખતમાં જ પાકિસ્તાન માટે કડક વલણ અપનાવ્યું હતું. ડોનાલ્ડ ટ્રમ્પે તેને આગળ વધાર્યું. હવે ડેમોક્રેટ પાર્ટીએ બાઈડનની નીતિઓની તસવીર પણ સ્પષ્ટ કરી દીધી છે. પાકિસ્તાન તરફ ઈશારો કરતા સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું છે કે, સરહદ પાર આતંકવાદને ચલાવી લેવાશે નહીં. ભારતે ઘણી વખત દુનિયા સામે પુરાવા રજુ કરીને જણાવ્યું કે, પાકિસ્તાન આતંકવાદીઓને આશરો આપે છે, તેની મદદ કરે છે.
ચૂંટણી ઢંઢેરામાં ચીનનું નામ લેવામાં આવ્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, હિંદ મહાસાગરની નીતિ એકદમ સ્પષ્ટ રહેશે. નિયમ-કાયદાનું પાલન કરવું પડશે. ચીન તેના પાડોશીઓને ધમકાવી નહીં શકે. ભારત અને અમેરિકા મળીને દુનિયાના મોટા મુદ્દાઓનો ઉકેલ લાવવાનો પ્રયાસ કરશે.
વિશેષમાં દર્શાવાયા મુજબ ભારતીય અમેરિકન્સ કોમ્યુનિટીનું પોતાનું મહત્વ છે, આ મુદ્દા પર ધ્યાન આપવામાં આવશે. બંને વિશ્વની સૌથી મોટી લોકશાહી છે.
ભારત અને અમેરિકન સરકાર વચ્ચે ઘણી વખત H-1B વિઝા અંગે મતભેદ થતા રહે છે. પહેલી વખત કોઈ પાર્ટીએ આ અંગેનું વલણ અને નીતિની ઝલક દેખાડી છે. પોલિસી સ્ટેટમેન્ટમાં કહેવામાં આવ્યું છે કે, હાઈ સ્કિલ વાળા H-1B વિઝા હોલ્ડરની નોકરીઓ અને તેમની સંખ્યાનું ધ્યાન રાખવામાં આવશે. તેમના પરિવારોને સાથે રાખવા અંગે નીતિ બનાવાશે. હેટ ક્રાઈમ્સના કેસ સામે પહોંચી વળવા માટે એક અલગ વિંગ બનાવાશે.

(12:40 pm IST)