Gujarati News

Gujarati News

News of Monday, 20th September 2021

અમેરિકાના પ્રવાસ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી યુ.એસ.ના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસને મળશે : એપલના સીઈઓ ટિમ કૂક , ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન ,તથા બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસન સાથે પણ મુલાકાત થાય તેવી શક્યતા : સત્તાવાર જાહેરાત માટે થઇ રહેલી તૈયારી

ન્યુદિલ્હી : વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આ અઠવાડિયે અમેરિકાની મુલાકાત લેશે. ત્યાં તે મેરેથોન કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી અમેરિકામાં એક પછી એક ઉચ્ચ સ્તરીય બેઠકો કરશે. તેઓ 22 સપ્ટેમ્બરના રોજ વોશિંગ્ટન ડીસી પહોંચશે અને આગલી સવારે  અમેરિકાના ટોચના સીઈઓને મળશે. આ દરમિયાન તેઓ એપલના ચીફ ટિમ કુકને પણ મળશે. જો કે, અધિકારીઓએ આ બેઠકની વિગતોની પુષ્ટિ કરી નથી. તેમણે ન્યૂઝ એજન્સી એએનઆઈને કહ્યું કે શેડ્યૂલ પર હજુ કામ ચાલી રહ્યું છે.

ટોચના અમેરિકી ઉદ્યોગપતિઓ સાથે બેક-ટુ-બેક બેઠકો બાદ પીએમ મોદી ભારતીય મૂળની મહિલા યુએસ વાઇસ પ્રેસિડન્ટ કમલા હેરિસને પણ મળે તેવી શક્યતા છે. કમલા હેરિસ પ્રથમ વખત અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. જો કે, આ બેઠક અંગે પણ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પ્રધાનમંત્રી એ જ દિવસે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી સ્કોટ મોરિસન અને તેમના જાપાની સમકક્ષ યોશીહિદે સુગાને પણ મળશે.

ઉલ્લેખનીય છે કે જો બિડેન અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા બાદ પીએમ મોદી પ્રથમ વખત મળશે. જો કે, આ પહેલા બંને ટોચના નેતાઓની ઘણી વર્ચ્યુઅલ બેઠકો ભૂતકાળમાં યોજાઈ હતી. પીએમ મોદી 24 સપ્ટેમ્બરે વોશિંગ્ટનમાં પ્રથમ વ્યક્તિગત ક્વાડ લીડર્સ સમિટમાં ભાગ લેશે.

પીએમ મોદીની આ મુલાકાત દરમિયાન ડિનરનું પણ આયોજન કરવામાં આવશે. રસપ્રદ વાત એ છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોનસનનો પ્રવાસ પણ પીએમ મોદીની વોશિંગ્ટન મુલાકાત સાથે સુસંગત છે. તેની સાથે પણ મુલાકાત થવાની સંભાવના છે.
તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(11:27 am IST)