Gujarati News

Gujarati News

News of Sunday, 15th May 2022

વડોદરાના વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ અમેરિકાના ઓસ્ટિન સિટીમાં ‘નંદગામ’ હવેલીનું નિર્માણ થશે : પુષ્ટિ સેન્ટરનો રંગેચંગે પ્રારંભ : શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી પ્રસંગે શોભાયાત્રા યોજાઇ : 300 થી વધુ વૈષ્ણવો ઉમટી પડયા

એટલાન્ટા : અમેરિકાના ટેક્સાસ સ્ટેટમાં આવેલા ઓસ્ટિન સિટીમાં ‘નંદગામ’ હવેલીનું નિર્માણ કરવાની જાહેરાત શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણી વેળા કરાઇ છે. આ જાહેરાત થતાં ઓસ્ટિન અને તેની આસપાસના શહેરોમાં વસવાટ કરતા વૈષ્ણવો અને ભારતીય સમુદાયમાં આનંદ-ઉલ્લાસ છવાયો હતો. ઓસ્ટિનમાં ‘નંદગામ હવેલી’ અંતર્ગત પુષ્ટિ સેન્ટરનો શનિવારથી પ્રારંભ કરાયો છે. ઓસ્ટિનમાં શ્રી મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં 300 થી વધુ વૈષ્ણવો ઉમટ્યા હતા.

અમેરિકાના એટલાન્ટા અને ઓસ્ટિન સિટીમાં તા.30 એપ્રિલે યુવા વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજી મહોદયના સાંનિધ્યમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય પર્વની ઉજવણીનું આયોજન કરાયું હતું. આ પ્રસંગે વડોદરાના શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠ પીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજે વિડીયોના માધ્યમથી ઓસ્ટિનના વૈષ્ણવોને વચનામૃતનો લ્હાવો આપ્યો હતો. આ દરમિયાન પૂ.વૈષ્ણવાચાર્યે ઓસ્ટિનના વૈષ્ણવો છેલ્લા બે વર્ષથી ‘હવેલી’ બનાવવા માટે ઉત્સુક હતા તેમ જણાવી આગામી સમયમાં ઓસ્ટિનમાં ‘નંદગામ હવેલી’ નું નિર્માણ કરી નૂતન હવેલીમાં શ્રી ઠાકોરજીની પધરામણી કરાવવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત સાંભળી ઓસ્ટિનના વૈષ્ણવો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા.

ઓસ્ટિનમાં શ્રીમદ્ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના પ્રાગટ્ય પ‌ર્વની ધામધૂમથી ઉજવણી કરાઇ હતી. આ પ્રસંગે શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. ત્યારબાદ ‘નંદગામ હવેલી’ અંતર્ગત પુષ્ટિ સેન્ટરનો પ્રારંભ કરાયો હતો. નાના બાળકોએ મંગલાચરણના શ્લોક ગાઇને પુષ્ટિ સેન્ટરના શુભારંભમાં જોડાયેલા શ્રદ્ધાળુઓને આકર્ષિત કર્યા હતા.
ઓસ્ટિનમાં કલ્યાણકૃપા આઇએનસી અંતર્ગત સાકાર થનાર નંદગામ હવેલીના ટીમ મેમ્બર્સની જાહેરાત યુવા ‌વૈષ્ણવાચાર્ય પૂ.આશ્રયકુમારજી મહોદયે કરી હતી.

જેમાં ફાઉન્ડિંગ મેમ્બર્સ તરીકે રશ્મિકાંત શાહ અને એટલાન્ટાની ગોકુલધામ હવેલીના એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવાનો સમાવેશ કરાયો છે. જ્યારે સીઇઓ તરીકે તપન શાહ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તરીકે અવની જાંબુડી, પવન પટેલને સીએફઓ, વાઇસ ચેરમેન તરીકે નિરવ પટેલને નિયુક્ત કરાયા છે. ધવલ શેઠને ઇવેન્ટ મેનેજમેન્ટની અને રોહન શાહને કોમ્યુનિકેશનની, વિમલ મોતીપરાને આસિસ્ટન્ટ ટ્રેઝરર અને પંકજ દેસાઇને કિચન ટીમની જવાબદારી સોંપાઇ છે. ટ્રસ્ટી તરીકે જીજ્ઞેશ પટેલ અને સંજય પરીખને નિયુક્ત કરાયા છે.  તેવું શ્રી દિવ્યકાંત ભટ્ટ દ્વારા જાણવા મળે છે. 

 

(6:13 pm IST)