Gujarati News

Gujarati News

News of Monday, 23rd May 2022

FIA દ્વારા અમેરિકાના કેપિટલ હિલ વોશિંગટન ડી.સી.ખાતે ભારતના આઝાદી અમૃત મહોત્સવનો પ્રતીકાત્મક પ્રારંભ : યુ.એસ.કોંગ્રેશનલ રેકોર્ડથી FIA સન્માનિત

વોશિંગટન ડી.સી.: ફેડરેશન ઓફ ઇન્ડિયન એશોશિએશન્સે ( FIA ) ભારતની આઝાદીના 75 મા વર્ષને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગૌરવપ્રદ માર્ગદર્શન રૂપે ' આઝાદીના અમૃત મહોત્સવ 'તરીકે વિશ્વવ્યાપી ઉજવણીના મનોરથને સાકાર કરવા અમેરિકાની રાજધાની વોશિંગટન ડી.સી.ની પાર્લામેન્ટ સભા કેપિટલ હિલ ખાતે ગુરુવાર તારીખ 12 મે 2022 ના રોજ આઝાદીના 75 મા વર્ષની ઉજવણીનો પ્રતીકાત્મક પ્રારંભ રૂપે શાનદાર કાર્યક્રમનું આયોજન કર્યું હતું.

આ ઐતિહાસિક કાર્યક્રમ અમેરિકાની કોંગ્રેસના સુપ્રતિષ્ઠિત કોંગ્રેસમેન તથા કોંગ્રેસવિમેને પધારી તેને નવા પરિમાણ બક્ષ્યા હતા.જે ભારત અમેરિકાના પ્રજાજનો અને રાજપુરુષો વચ્ચેની સુંદર મિત્રતાની પ્રતીતિ કરાવતા હતા.આ માટે FIA ના ગતિશીલ આર્ષદ્રષ્ટા ચેરમેન શ્રી અંકુર વૈદ્ય ,પ્રતિભાસંપન્ન પ્રમુખ શ્રી કેની દેસાઈ ,અને સમગ્ર FIA  ટીમે રાત દિવસ પરમ  પુરુષાર્થ કર્યો હતો.કેપિટલ હીલના હોલમાં આશરે 450 થી વધુ લોકોએ વિક્રમ હાજરી આપી અનુપમ સફળતા બક્ષી હતી.ન્યુયોર્ક ,ન્યુજર્સીથી 7 બસોમાં સહુ ઉત્સાહ પૂર્વક આવ્યા હતા.

સ્ટેજની  પશ્ચાદ ભૂમિમાં ભારત અમેરિકા રાષ્ટ્રધ્વજ તથા ઓગસ્ટ 2022 માં FIA દ્વારા ન્યુયોર્કની મહાનગરીમાં યોજાનાર વિશ્વ વિખ્યાત 42 મી ' ઇન્ડિયા ડે પરેડ (  ઓગસ્ટ 29 ) અને તેમાં FIA દ્વારા ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં વિક્રમ કરી હાએસ્ટ લાર્જેસ્ટ ફ્લેગ્સ અને ભારતની ધાર્મિક વિધિમાં ભગવાન શિવને પ્રિય ડમરુની વિશાળ પ્રસ્તુતિ રૂપ તક્તીનું આમંત્રિત યુ.એસ.કોંગ્રેસના 15 મહાનુભાવોએ ટિમ એફ.આઈ.એ.સાથે અનાવરણ કર્યું ત્યારે આ  ઐતિહાસિક ઘટના બની ગઈ હતી. એટલું જ નહીં પરંતુ યુ.એસ.કોંગ્રેસમાં શિકાગોના કોંગ્રેસમેન રાજા કૃષ્ણમૂર્થીની આગેવાની હેઠળ એફ.આઈ.એ.ને અમેરિકાની કોંગ્રેસે તેના રેકોર્ડમાં ભારતના આ 75 મા વર્ષના આઝાદી અમૃત મહોત્સવની નોંધ સાથે એફ.આઈ.એ.ના 52 વર્ષના સુદીર્ઘ કાર્યકાળમાં જનતાની વિધ વિધ ક્ષેત્રે બહુજન હિતાય સેવાઓની ગૌરવપ્રદ નોંધ સાથે સર્ટિફિકેટ આપી એક ગૌરવપ્રદ પ્રણાલીની અનુભૂતિ કરાવી હતી.

શ્રી કૃષ્ણમુર્થી સાથે કોંગ્રેસમેન ફ્રેન્ક પલોન તથા અન્ય સાથીઓ FIA પ્રમુખ કેની દેસાઈ ,ચેરમને અંકુર વૈદ્ય ,તથા ટીમના અન્ય સદસ્યો હિમાંશુ ભાટિયા ,સુજલ પરીખ ,પરવીન બંસલ ,સૌરીન પરીખ ,આલોકકુમાર આદિ જોડાયા હતા.આ અદ્વિતીય બહુમાન માટે FIA એ યુ.એસ.કોંગ્રેસનો અંતઃ કરણ પૂર્વક આભાર માન્યો હતો.યુ.એસ.કોંગ્રેસમાંથી રાજા કૃષ્ણમુર્થી ,સહીત અન્ય કોંગ્રેસમેન પધાર્યા હતા.

 

ભારત અને નેપાળના સાંસ્કૃતિક ગ્રુપે કલચરલ કાર્યક્રમ પ્રસ્તુત કર્યો હતો.સન્માનનીય કોરીઓગ્રાફર કુશ બેંકરે ડાન્સ સ્ટેપની લાજવાબ પ્રસ્તુતિ તથા મોટિવેશનલ સ્પીકર હિમાનીએ પણ દર્શકોને મનોરંજન પૂરું પાડયુ હતું.

ન્યુયોર્ક ,ન્યુજર્સીથી સાત બસોમાં સહુ ઉત્સાહી રાષ્ટ્રવાદીઓ આવ્યા હતા.તેમને જતા આવતા નાસ્તા પાણી ,ભોજનની પ્રશંસનીય વ્યવસ્થા આયોજકોએ કરી હતી.બી.એ.પી.એસ.દ્વારા આ સહુને વોશિંગટન ખાતે મંદિરમાં સ્વાદિષ્ટ  ભોજનની શાનદાર વ્યવસ્થા અને સૌજન્ય બદલ એફ.આઈ.એ. એ સ્વામીશ્રીનો આભાર માન્યો હતો.

સામાન્યતઃ ઇન્ડિયા ડે પરેડની માહિતી માટે ઇન્ડિયન કોન્સ્યુલેટના સહયોગથી યોજાતા કાર્યક્રમોને સ્થાને અમેરિકાના પાટનગરના શિરમોર સમા કેપિટલ હિલ ખાતે કિક ઓફ મિટિંગ રૂપે યોજાયેલ આ સફળ કાર્યક્રમમાં યુ.એસ.કોંગ્રેશનલ રેકોર્ડ સાથે કોંગ્રેસમેન અને કોંગ્રેસવિમેને પધારી નવો ઇતિહાસ સર્જ્યો હતો.
સહુ વાચકોને જણાવવાનું કે ઓગસ્ટ 15 ,2022 ન્યુયોર્કના ટાઈમ સ્કવેર ખાતે ભવ્ય ધ્વજારોહણ અને ઓગસ્ટ 21 ,2022 ( રવિવાર ) મેડિસન એવન્યુ ન્યુયોર્ક ખાતે ઇન્ડિયા ડે પરેડમાં પધારી ભારતને નવા પરિમાણ બક્ષજો .

અન્ય આમંત્રિત મહાનુભાવો સર્વ શ્રી દીપક  શાહ , bajana પ્રમુખ અનુરાગ કુમાર ,પસેઇક સીનીઅર એસો.ના ભરત રાણા FIA  ટ્રસ્ટી ડો.પ્રવીણ પાંધી ,AARC ચેરમેન  હેમંત ભટ્ટ , FIA NE પ્રમુખ અભિષેક સીંગ , ઉપપ્રમુખ શોવા શર્મા ,સંજય ગોખલે ,ફાલ્ગુની પંડ્યા ,આદિ ઉપસ્થિત હતા.

કોંગ્રેસમેન રાજા કૃષ્ણમુર્થીએ ભારતીયોને રાજકારણમાં જોડાવા અનુરોધ કર્યો હતો.FIA ને આટલી મોટી સંખ્યામાં કરવા બદલ બિરદાવી હતી.
FIA પ્રેસિડન્ટ શ્રી કેની દેસાઈએ તેમના મીતાક્ષરી સ્વાગત ઉદ્બોધનમાં આ ઐતિહાસિક અવસરને પ્રતિષ્ઠા આપનાર સહુનો આભાર માન્યો હતો.અમેરિકાના પાટનગરમાં ભારતની આઝાદીના 75 મા વર્ષને રાષ્ટ્ર વ્યાપી બનાવવાના અભિયાનના મંગલ પ્રારંભે સહુને અમેરિકાના સર્વાંગી વિકાસમાં ભારતીયોના ગૌરવપ્રદ યોગદાનને બિરદાવ્યુ હતું.યોગાનુયોગ મે માસ એશિયન અમેરિકન એન્ડ પેસિફિક આઇલેંડર હેરિટેજ મંથ તરીકે ઉજવાતી પ્રણાલિકાને પણ બિરદાવી હતી.


એફ.આઈ.એ.ચેરમેન શ્રી અંકુર વૈદ્યે આ કાર્યક્રમને ઓગસ્ટ 22 માં ન્યુયોર્ક ખાતે યોજાનાર એફ.આઈ.એ.ની 42 મી વાર્ષિક ઇન્ડિયા ડે પરેડ અને આઝાદીના અમૃત મહોત્સવના પ્રારંભ તરીકે બિરદાવેલ હતો.વિશ્વની સહુથી મોટી ભવ્ય ઇન્ડિયા ડે પરેડ અમેરિકા સ્થિત ભારતીય સમુદાયની ગૌરવગાથા અને રાષ્ટ્રપ્રેમનું પ્રતીક ગણાવી હતી.

આ ઉપરાંત અભિષેક સીંગ ,હિમાંશુ ભાટિયા ,સૃજલ પરીખ ,આલોકકુમાર આદિએ યુ.એસ.કોંગ્રેશનલ રેકોર્ડમાં એફ.આઈ.એ.અને ભારતના આઝાદી અમૃત મહોત્સવની ગૌરવપ્રદ નોંધ માટે આભાર માન્યો હતો.તેવું શ્રી ચંદ્રકાન્ત ત્રિવેદીની યાદી જણાવે છે.

 

(8:43 pm IST)