Gujarati News

Gujarati News

News of Monday, 24th August 2020

ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગો દ્વારા રક્ષાબંધન તથા 15 ઓગસ્ટની કરાયેલી ભાવભરી ઉજવણી : વીડીયો કોન્ફરન્સસીંગના માધ્યમથી ભજનો, અને ફિલ્મી ગીતોની રમઝટ : હેપ્પી બર્થ ડે કાર્યક્રમ યોજાયો

 ઈન્ડિયન સિનિયર્સ ઓફ શિકાગોની બર્થ ડે મીટીંગ તા.8 ઑગષ્ટ, 2020 ને શનિવારના રોજ ઝૂમ વિડીયો કોન્ફરન્સસીંગના માધ્યમથી સવારે 11:00 થી બપોરે 1:30 વાગ્યા સુધી અને પછી શ્રી રાજેશ ચોટલીયા નો How to live 100  and stay Healthy નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં 150 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો.ઝૂમ વિડીયો કોન્ફરન્સસીંગના માધ્યમથી આ બર્થ ડે કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો હતો. આજના બર્થ ડે કાર્યક્રમનું સંચાલન શ્રી  દિલીપ પટેલે સફળતાપૂર્વક કર્યું હતું.
   સર્વ પ્રથમ પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઈ પટેલે ઝૂમ વિડીયો કોન્ફરન્સસીંગ દ્વારા આયોજન કરવામાં આવેલ બર્થ ડે કાર્યક્રમની  માહિતી આપી હતી. અને ભવિષ્યમાં વાર્ષિક પિક્નિકનું આયોજન કેવી રીતે કરવું તે બાબતમાં વિગતવાર જાણકારી આપવામાં આવી હતી. તે પછી બર્થ ડે કાર્યક્રમના સંચાલક શ્રી દિલીપ પટેલે શ્રીમતી હેમાબેન શાસ્ત્રીને સર્વ ધર્મ પ્રાર્થના ત્યારબાદ શ્રી ભુપેન્દ્ર સુથારને શ્રી હનુમાન ચાલીસાનુ ગાન કરવા જણાવેલું.જે તેમણે સારી રીતે ગાયેલું

   વિશેષ વ્યક્તિઓમાં પ્રો.શરદભાઈ શાહે શહીદ ભગતસિંહ વિષે પ્રવચન કરતાં જણાવ્યું કે ભગતસિંહનો જન્મ 27 સપ્ટેમ્બર,1907 નારોજ થયો હતો.ભારતની વિચારસરણીની તેમના પર ખુબ અસર હતી. ભારતની સ્વતંત્રતા માટે ગાંધીજીની અહિંસક ચળવળને સ્થાને હિંસક માર્ગો અપનાવવાનું નક્કી કર્યું હતું    બ્રિટિશ ઓફિસર સૌંડર્સની બુલેટ દ્વારા હત્યા કરવા બદલ તેમજ દિલ્હીની વિધાનસભામાં બે બૉમ્બ નાંખવાના આરોપસર ભગતસિંહને 23 માર્ચ, 1931 ના રોજ લાહોરમાં ફાંસી આપવામાં આવી હતી. માત્ર 23 વર્ષની ઉંમરે તેઓ દેશને માટે શહિદ થયા હતા.ફાંસી પર ચડતી વખતે તેમના ચહેરા પર હાસ્ય હતું.

      વધુમાં પ્રો.શરદભાઈ શાહે જણાવ્યું કે સ્વાતંત્ર દિને ભગતસિંહ, રાજગુરુ, સુખદેવ, ખુદીરામ, નેતાજી સુભાષચંદ્ર બોજલાલા લજપતરાય, લોકમાન્ય તિલક જેવા શહીદો અને સ્વાતંત્ર સેનાનીઓને શ્રદ્ધાંજલી આપવી  જોઈએ અને
શતશત વંદન કરવા જોઈએ.
         શ્રી ચંદ્રકાન્તભાઈ પટેલે નેતાજી સુભાષચંદ્ર બોઝ વિષે સવિસ્તાર માહિતી આપી હતી. તેઓનો જન્મ કટકમાં થયો હતો. કલકત્તાની પ્રેસિડન્ટ કોલેજમાં થી ગ્રેજ્યુએટ થયા અને બ્રિટનમાં જઈ ICS  ની ડિગ્રી મેળવી. બ્રિટનમાં બ્રિટિશરોની ભારત વિરોધી નીતિઓ નો વિરોધ કર્યો અને ICS ની ડિગ્રીનો ત્યાગ કરી ભારત પાછા આવ્યા. મહાત્મા ગાંધીજી સાથે મુલાકાત થઈ. ગાંધીજી તેમના વિચારોથી પ્રભાવિત થયા.

     સુભાષચંદ્ર બોઝે આઝાદ હિન્દ ફોજ નામની પાર્ટી રચી. ત્યારબાદ જર્મનીમાં હિટલર સાથે મુલાકાત થાય છે. હિટલર તેમને જાપાન મોકલે છે.અને ત્યાંથી અફઘાનિસ્તાન અને રંગુન જાય છે. બર્મામાંથી તેઓ બ્રિટિશરો સામે બળવો કરે છે. ત્યારબાદ રશિયા જવા નીકળે છે, પરંતુ રસ્તામાં વિમાનને અકસ્માત થાય છે અને તેમાં તેઓનું અવસાન થાય છે.ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આંદામાન નિકોબારના પોર્ટબ્લેયર શહેરમાં નેતાજી સુભાષચંદ્ર બોઝનું સ્મૃતિ સ્મારક બનાવેલ છે.

   ત્યારબાદ ઓગષ્ટ મહિનામાં જે સિનિયરોના જન્મદિન આવે છે તે સર્વેના નામ શ્રી અરવિંદભાઈ કોટકે જાહેર કર્યાં હતાં. શ્રી ભુપેન્દ્ર સુથાર તથા સર્વે સભ્યોએ "બારબાર  એ દિન આયે. હેપી બર્થ ડે તું યુ ગીત ગાઈને શુભેચ્છાઓ પાઠવી હતી.    શ્રી મનુભાઈ શાહ અને શ્રીમતી નલીનીબેન શાહે રક્ષાબંધન પર્વની ઉજવણી કરી. શ્રી મનુભાઈ શાહે રક્ષાબંધનનું મહત્વ સમજાવ્યું.શ્રીમતી નલિનીબેને રક્ષાબંધનને આરતી કર્યા પછી " ભૈયા મેરે રાખીકે બંધનકો ના ભુલાના ગીત વગાડ્યું.
    ભારતના સ્વાતંત્રદિનની ભવ્ય ઊજવણી કરવામાં આવીહતી  શ્રી ભુપેન્દ્રભાઈ સુથાર અને શ્રીમતી ગીતાબેન સુથાર, શ્રી હીરાભાઈ પટેલ અને શ્રીમતી મધુબેન પટેલ તથા શ્રી કાંતિભાઈ પટેલ અને શ્રીમતી હસુમતિ પટેલે રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને જનગનમન અધિનાયક રાષ્ટ્રગીત ગાયું.. સર્વે સભ્યોએ સાવધાન સ્થિતિમાં રાષ્ટ્રધ્વજને સલામી આપી. શ્રી ભુપેન્દ્રભાઈએ 'હાથોંમેં તિરંગા પ્યારા, જય હો ભારત માનાં દેશભક્તિનું ગીત ગાયું. 'ભારત માતાની જય', 'વંદેમાતરમ', 'શહીદો અમર રહો', જેવા સૂત્રો પોકાર્યા હતા.

   રાષ્ટ્રભક્તિને લગતા ગીતોનો સુંદર કાર્યક્રમ સર્વે સભ્યોએ આનંદપૂર્વક માન્યો..શ્રી અરવિંદભાઈ કોટકે 'હમ ઉસ દેશકે વાસી હૈ જિસ દેશમેં ગંગા બહતી હૈ'. શ્રી અરવિંદભાઈ પટેલે,' છોડો કલકી બાત પુરાની, નયે દોરમેં લિખેંગે નઈ કહાની---હમ હિન્દુસ્તાની','શ્રી દુર્ગેશભાઈ શાહે,'એ મેરે પ્યારે વતન તુઝપે દિલ કુરબાન,' ડૉ. હેમલતાબેન રાણાએ,'આઓ બચ્યો તુમે દિખાએ ઝાંખી હિન્દુસ્તાનકી', શ્રીમતી પુષ્પાબેન પારેખે,'એ મેરે વતનકે લોગો જરા આંખમેં ભર લો પાની', શ્રી રણજિત ભરૂચાએ,'જહાં ડાલ ડાલ પર સોનેકી ચીડિયા કરતી હૈ બસેરા, એ ભારત દેશ હૈ મેરા,' જેવા દેશભક્તિના ગીતો ગાયા. ત્યારબાદ વંદેમાતરમ, સુજલામ,સુફલામ,  મલયજશિતલામ એ રાષ્ટ્રીય પ્રેરણાનું ગીત ગાવામાં આવ્યું. ખુબ જ સુંદર કાર્યક્રમ આપવા બદલ પ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઇ પટેલે સૌને અભિનંદન પાઠવ્યાપ્રેસિડન્ટ ડૉ. નરસિંહભાઇ પટેલે આજની મીટીંગને સફળ બનાવવા બદલ શ્રી દિલીપભાઈ પટેલ અને સભ્યોનો આભાર માન્યો.કોરોના મહામારીથી તમામ સભ્યો સહીસલામત રહે તેવી શુભેચ્છાઓ પાઠવી.સપ્ટેમ્બર મહિનામાં આયોજિત સમર પીકનીક કોરોનાની પરિસ્થિતિ વિકટ હોવાને કારણે મુલતવી રાખવામાં આવી છે તેવી જાહેરાત કરવામાં આવી.

    ત્યારબાદ આજના મુખ્ય વક્તા શ્રી રાજેશભાઈ ચોટલીયા (ફાર્માસીસ્ટ) કે જેઓ હેલ્થ એજ્યુકેશનના કન્સલ્ટન્ટ છે, તેઓને સ્વસ્થ, તંદુરસ્ત, અને દીર્ઘ આયુષ્ય મેળવવા શું કરવું જોઈએ તે વિષે વાર્તાલાપ કરવા જણાવવામાં આવ્યું .શ્રી રાજેશભાઈ ચોટલિયાએ સિનિયર ભાઈબહેનોને સ્વસ્થ જીવન જીવવા શું કરવું જોઈએ તે અંગે સુંદર માહિતી આપી. તનાવ મુક્ત જીવન, પૂરતી ઊંઘ, સ્મ્તિલિત આહાર, નિયમિત વ્યાયામ, મેડિટેશન, પ્રાણાયામ, નિયમિતતા જેવા વિવિધ પાસાઓનું સદૃષ્ટાંત વિવેચન કર્યું. સભ્યોએ આરોગ્યને લગતા વિવિધ પ્રશ્નો પૂછ્યા જેના તેઓએ સુંદર જવાબો આપ્યા.શ્રી રાજેશભાઈ ચોટલિયાનું આરોગ્ય વિષયક પ્રવચન સર્વેએ શાંતિથી સાંભળ્યું.ડૉ. નરસિંહભાઇ પટેલે શ્રી રાજેશભાઈ ચોટલિયાનો આભાર માન્યો અને આજની મિટિંગના અંતની જાહેરાત કરવામાં આવી.તેવું શ્રી જયંતીભાઈ ઓઝાની યાદી જણાવે છે.
    .

(1:42 pm IST)