Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરાયો :14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો

દિલ્હી પોલીસ મુજબ તેને નાર્કો ટેસ્ટ માટે જેલમાંથી લાવવામાં આવશે

નવી દિલ્હી :રાજધાની દિલ્હીના શ્રદ્ધા હત્યાકાંડે આખા દેશને હચમચાવી દીધો છે. જ્યાં કોર્ટના આદેશ પર આફતાબના નાર્કો ટેસ્ટની પ્રક્રિયા વહેલી તકે શરૂ કરી દેવામાં આવી છે. નાર્કો ટેસ્ટ નિષ્ણાતો આફતાબના પર્સનેલિટીનું ટેસ્ટિંગ કરશે. બીજી તરફ દિલ્હી પોલીસની ટીમ  સવારે આફતાબને લઈને રોહિણીની આંબેડકર હોસ્પિટલમાં ગઈ હતી. જ્યાં તેણે નાર્કો પહેલા પ્રી-નાર્કો ટેસ્ટ કરાવ્યા, જેમાં ECG, BP ચેક અને અન્ય કેટલાક બોડી ચેક અપ કરવામાં આવ્યા. સંભવ છે કે સોમવારે આફતાબનો નાર્કો ટેસ્ટ કરવામાં આવે.

 આફતાબને સાકેત કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો, જ્યાં કોર્ટે તેને 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં તિહાર જેલમાં મોકલી આપ્યો. દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર સોમવારે તેને નાર્કો ટેસ્ટ માટે જેલમાંથી અહીં લાવવામાં આવશે. વાસ્તવમાં કોઈ પણ વ્યક્તિનો નાર્કો ટેસ્ટ એક દિવસમાં થઈ શકતો નથી. એટલા માટે આફતાબના નાર્કો ટેસ્ટની રાહ જોવી પડશે. સાથે જ એફએસએલના અધિકારીઓનું કહેવું છે કે નાર્કો ટેસ્ટ દરમિયાન એફએસએલની ટીમ સાથે રહેશે.

શુક્રવારે મહેરૌલી હત્યાકાંડના આરોપી આફતાબ અમીન પૂનાવાલાએ અહીંની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં લગભગ ત્રણ કલાક સુધી પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. નોંધપાત્ર રીતે પૂનાવાલાએ મે મહિનામાં તેની સહજીવન સાથી શ્રદ્ધા વોકર (27)નું ગળું દબાવી હત્યા કરી હતી અને તેના શરીરના 35 ટુકડા કરી દીધા હતા. આ પછી તેને લગભગ ત્રણ અઠવાડિયા સુધી દક્ષિણ દિલ્હીના મેહરૌલીમાં તેના ઘરે 300 લિટરના ફ્રીજમાં રાખવામાં આવ્યા હતા. જેને ઘણા દિવસો સુધી શહેરના વિવિધ વિસ્તારોમાં ફેંકી દેવામાં આવ્યા હતા

(9:12 pm IST)