Gujarati News

Gujarati News

News of Tuesday, 25th August 2020

" નંદ ઘેર આનંદ ભયો " : એટલાન્ટાની ગોકુલધામ હવેલીમાં 12 ઓગસ્ટના રોજ જન્માષ્ટમી ઉત્સવ ઉજવાયો : 15 ઓગસ્ટના રોજ નંદ મહોત્સવની ઉજવણી કરાઈ : ઘેરબેઠા શ્રી ઠાકોરજીના દર્શન થાય તે હેતુથી જન્માષ્ટમી અને નંદ મહોત્ત્સવનું લાઇવ પ્રસારણ કરાયું

એટલાન્ટા : અમેરિકામાં કોરોના મહામારી વ્યાપક પ્રમાણમાં ફેલાઇ છે. જેની અસર જ્યોર્જિયા સ્ટેટમાં પણ વર્તાઇ હોઇ સ્ટેટ ગર્વમેન્ટ દ્વારા મહામારીને ફેલાતી અટકાવવા નિયમો લાગુ કરાયા કરાયા છે. આ નિયમોનું પાલન કરીને એટલાન્ટા સિટીમાં આવેલી ગોકુલધામ હવેલીમાં જન્માષ્ટમી પર્વ તેમજ નંદ મહોત્ત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરાઇ હતી. કોરોના મહામારીને કારણે વધુ સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ આ ઉજવણીમાં એકત્ર થાય નહીં અને તેમણે ઘરબેઠાં શ્રી ઠાકોરજીના દર્શન થાય તે હેતુથી જન્માષ્ટમી અને નંદ મહોત્ત્સવનું લાઇવ ટેલિકાસ્ટ કરાયું હતું.
          વડોદરાના શ્રી કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધિશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.શ્રી દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ અમેરિકાના એટલાન્ટા સિટીમાં ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. ઓક્ટોબર-2018 માં શરૂ થયેલી આ હવેલીમાં આ વર્ષે કોરોના મહામારીના વિકટ સમયમાં તૃતિય જન્માષ્ટમી પર્વ અને નંદ મહોત્ત્સવની ઉજવણી ભિન્ન રીતે કરવામાં આવી હતી.
          કોરોના મહામારીને કારણે સવા મહિનો એટલાન્ટાની ગોકુલધામ હવેલી બંધ રખાઇ હતી. જો કે, જ્યોર્જિયા સ્ટેટ ગર્વમેન્ટની છૂટછાટ મળતાં તા.9 મે થી હવેલી પુન: શરૂ કરાઇ હતી. ત્યારબાદ સરકારી ગાઇડલાઇનનું પાલન કરીને મે-જૂન મહિનામાં  આમ મનોરથ, નાવ મનોરથ, ફુલમંડળીનો મનોરથ અને શાકભાજીનો મનોરથ યોજાયો હતો. જ્યારે જુલાઇ-ઓગસ્ટ મહિનામાં હિંડોળા ઉત્સવ રંગેચંગે ઉજવાયો હતો.
વિવિધ મનોરથો તેમજ હિંડોળા ઉત્સવને શ્રદ્ધાળુ વૈષ્ણવોનો અભૂતપૂર્વ સહયોગ સાંપડ્યા બાદ તા.12 ઓગસ્ટે જન્માષ્ટમી પર્વ અને તા.15 ઓગસ્ટે નંદ મહોત્ત્સવની આયોજનબદ્ધ રીતે ઉજવણી કરાઇ હતી. સોશ્યિલ ડિસ્ટન્સિંગ, ફરજિયાત માસ્ક તેમજ 6 ફુટનું અંતર જાળવવા સહિતના નિયમોને અનુસરીને વૈષ્ણવોએ આ બંને ઉત્સવોને સફળ બનાવ્યા હતા.
               જન્માષ્ટમી પર્વે સવારે 7 થી 7.30 વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી ગોવર્ધનનાથજી તેમજ શ્રી કલ્યાણરાયજી પ્રભુને પંચામૃત સ્નાન કરાવાયું હતું. ત્યારબાદ બપોરે 12 વાગે ભવ્ય શણગારમાં સજ્જ શ્રી ઠાકોરજીની રાજભોગ આરતી યોજાઇ હતી. સાંજે શયન દર્શન બાદ રાત્રે 9 થી 10.30 સુધી કિર્તન-પદના ગાન વચ્ચે જાગરણ દર્શન અને રાત્રે 12 ના ટકોરે શ્રી કૃષ્ણ જન્મ વેળા શ્રી શાલીગ્રામજીને પંચામૃત સ્નાન સાથે જન્મ દર્શનનો લ્હાવો લેવા શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.
               જ્યારે શનિવાર તા.15 ઓગસ્ટે સાંજે 5.30 થી 8 વાગ્યા સુધી નંદ મહોત્સવ ઉજવાયો હતો. નંદ ઘેર આનંદ ભયો, જય કનૈયાલાલકી..ના નાદ સાથે શ્રદ્ધાળુ બહેનોએ શ્રી ઠાકોરજી સમક્ષ નાચગાન કરીને ઉત્સવનો અાનંદ લૂંટ્યો હતો. મુખિયાજી નરપતરામજીએ નંદ મહોત્સવના વધામણાં રૂપે શ્રદ્ધાળુઓને સુકો મેવો, ચોકલેટ તેમજ મીઠાઇનું વિતરણ કરી પ્રસંગને યાદગાર બનાવ્યો હતો.
જન્માષ્ટમી અને નંદ મહોત્સવની ઉજવણીને સફળ બનાવવા ગોકુલધામના ચેરમેન અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી તેજસ પટવા તેમજ ગોકુલધામ ટીમના સભ્યો હેતલ શાહ, સમીર શાહ, પરિમલ પટેલ, ગિરીશ શાહ, કિન્તુ શાહ, હિતેશ પંડિત તેમજ મહેન્દ્ર શાહે જહેમત ઉઠાવી હતી.
કોરોના મહામારીને કારણે વધુ સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ આ ઉજવણીમાં એકત્ર થાય નહીં અને તેમણે ઘરબેઠાં શ્રી ઠાકોરજીના દર્શન થાય તે હેતુથી જન્માષ્ટમી અને નંદ મહોત્ત્સવનું લાઇવ ટેલિકાસ્ટ કરાયું હતું. આ લાઇવ ટેલિકાસ્ટને 15 હજારથી વધુ શ્રદ્ધાળુઓએ નિહાળી શ્રી ઠાકોરજીના દર્શનનો લહાવો લીધો હતો.તેવું શ્રી દિવ્યકાંત ભટ્ટની યાદી જણાવે છે.

 

(6:31 pm IST)