Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

અમેરિકામાં યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીના પ્રચારમાં ગરમાવો : વાઇસ પ્રેસિડન્ટ પદના રિપબ્લિકન ઉમેદવાર માઈક પેન્સએ ટ્રમ્પની ખુશામત કરવા હરીફ ઉમેદવાર જો બિડન ઉપર ખોટા આક્ષેપોની ઝડી વરસાવી : રાજકીય પંડિતોનું મંતવ્ય

વોશિંગટન : અમેરિકામાં પ્રેસિડન્ટ પદની ચૂંટણીનો સમય જેમ જેમ નજીક આવતો જાય છે તેમ તેમ ચૂંટણી પ્રચારમાં ગરમાવો વધતો જાય છે.
તાજેતરમાં મળેલા રિપબ્લિકન પાર્ટીના રાષ્ટ્રીય અધિવેશનમાં વાઇસ પ્રેસિડન્ટ પદ માટે માઈક પેન્સનું નામ નક્કી થયું હતું.જેમણે કરેલા ઉદબોધનમાં પ્રેસિડન્ટ પદ માટે ટ્રમ્પને યોગ્ય ગણાવતા જણાવ્યું હતું કે દેશની લોકશાહીની રક્ષા માટે ટ્રમ્પની જરૂર છે.
બાદમાં તેઓએ રજુ કરેલા મંતવ્યોમાં જુઠાણું હતું તેવો રાજકીય પંડિતોનો અભિપ્રાય છે.જે મુજબ બીડેને આતંકી ઓસામા લાદેનને મારવાના ઓપરેશનનો વિરોધ કર્યો હતો.હકીકતમાં બીડેને ઓસામાને મારવાના ઓપરેશનનો વિરોધ કર્યો ન હતો. તેમણે આ અંગે તત્કાલિન રાષ્ટ્રપતિ બરાક ઓબામાને સલાહ આપવા માટે સમય માગ્યો હતો. પુરતી માહિતી લીધા પછી કાર્યવાહીનું સમર્થન કર્યું હતું.
માઈક પેન્સે કહ્યા મુજબ  ડેવ પેટ્રિક અંડરવૂડ અને ગૃહ સુરક્ષા વિભાગના અન્ય કેટલાક અધિકારીઓની ઓકલેન્ડના રમખાણો દરમિયાન ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.હકીકતમાં  અંડરવૂડની હત્યા રમખાણોમાં થઈ ન હતી. આરોપી સ્ટીવન કારિલો ચરમપંથી સંગઠન બુગાલુ સાથે જોડાયેલો હતો. તે પોલિસકર્મીઓની હત્યા કરવા માટે ઓકલેન્ડ જરૂર આવ્યો હતો, પરંતુ તોફાનોમાં સામેલ થયો ન હતો.
માઈક પેન્સે કહ્યું હતું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના પ્રયાસોના કારણે ત્રણ વર્ષમાં 90.30 લાખ નોકરી અપાઈ.હકીકતમાં  કેટલીક માહિતી સાચી છે, પરંતુ એ પણ ધ્યાને લેવું જોઈએ કે, ફેબ્રુઆરી અને એપ્રિલમાં 2.20 કરોડ લોકોનો રોજગાર ગયો છે.
માઈક પેન્સે કહ્યા મુજબ  બીડેન સ્કૂલોને ફંડ આપવાનું બંધ કરવા માગે છે.
હકીકતમાં બીડેનનું કહેવું છે કે, ખાનગી સ્કૂલોને ફંડ આપવા કરતાં એવી સ્કૂલોનું ફંડ વધારવું જોઈએ જે સારું પરફોર્મન્સ આપી રહી છે.
માઈક પેન્સ : બીડેન ચીનના ચીયરલીડર છે. તેઓ ચીની ઉત્પાદનો પરના શુલ્કનો વિરોધ કરે છે.
હકીકત : બીડેને ક્યારેય એવું કહ્યું નથી કે, તેઓ લગભગ 27 લાખ કરોડ રૂપિયાની ચીની પ્રોડક્ટો પર લગાવાયેલા શુલ્કનો વિરોધ કરે છે. હા, બીડેનના સહયોગી કહેતા રહ્યા છે કે, શુલ્કનું મુલ્યાંકન કરતા રહેવું જોઈએ.
રાજકીય પંડિતોના કહેવા મુજબ જુદા જુદા 20  વક્તાઓએ કરેલા ઉદ્દબોધનોમાંથી 13 નિવેદનો જુઠા હતા., 4 સાચા અને 3 ચકિત કરનારા નિવેદન હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:27 pm IST)