Gujarati News

Gujarati News

News of Sunday, 29th January 2023

ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો વિશ્વભરમાં વિરોધ

લંડનના પોર્ટલેન્ડ પ્લેસમાં સ્થિત બીબીસી મુખ્યાલયની બહાર ભારતીય લોકોએ વિરોધ પ્રદર્શન કર્યુઃ યુએસએના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના લોકોએ બીબીસી સામે વિરોધ કર્યો હતો

લંડનઃ ગુજરાત રમખાણો પર બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો વિશ્વભરમાં વિરોધ થઈ રહ્યો છે. હવે બીબીસી સામે ભારતીય મૂળના લોકોએ પણ મોર્ચો માંડ્યો છે. આજે લંડનમાં બીબીસી હેડક્વાર્ટરની બહાર ભારતીય મૂળના લોકોએ પોસ્ટરો સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. લંડનના પોર્ટલેન્ડ પ્લેસમાં સ્થિત બીબીસી મુખ્યાલયની બહાર ભારતીય લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું.


બ્રિટનની રાષ્ટ્રીય પ્રસારક બીબીસીએ ગુજરાત રમખાણ-2002ને લઈને બે ભાગમાં પોતાની સિરીઝ રિલીઝ કરી છે. બ્રિટનમાં ભારતીય મૂળના લોકોએ તેની નિંદા કરી છે. યુકે નાગરિક લોર્ડ રામી રેંજરે તેના પર કહ્યુ હતું કે બીબીસીએ કરોડો ભારતીયોની ભાવનાને ઠેંસ પહોંચાડી છે. તો આજે ભારતીય મૂળના લોકો બપોરે ભેગા થયા હતા. લોકોના હાથમાં બીબીસી વિરુદ્ધ પોસ્ટર્સ હતા.

બ્રિટિશ બ્રોડકાસ્ટર બીબીસીએ India: The Modi Question શીર્ષક હેઠળ બે ભાગમાં નવી સિરીઝ બનાવી છે. તેનો પહેલો પાર્ટ મંગળવારે રિલીઝ થયો હતો. આ સિરીઝમાં પીએમ મોદીની શરૂઆતી રાજકીય સફરની વાત કહેવામાં આવી છે. તેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની સાથે તેમનું જોડાણ, ભાજપમાં વધતા કદ અને ગુજરાતના મુખ્યમંત્રીના રૂપમાં તેમની નિમણૂંકની ચર્ચા કરવામાં આવી છે. ત્યારબાદ ગુજરાત તોફાનોનો ઉલ્લેખ છે. ભારતીય વિદેશ મંત્રાલયે પણ બીબીસીની ડોક્યુમેન્ટ્રીનો વિરોધ કર્યો હતો અને જવાબ આપ્યો હતો. ભારતીય વિદેશ મંત્રાલયે આ સિરીઝને વિવાદાસ્પદ ગણાવી હતી.

17 જાન્યુઆરીએ બીબીસી ટૂ પર રિલીઝ રિલીઝ થઈ હતી. સિરીઝ આવતા વિવાદ શરૂ થયો હતો. બ્રિટનમાં સોશિયલ મીડિયા પર પણ વિરોધ શરૂ થયો હતો. તેને લઈને લોકોએ વિરોધ વ્યક્ત કર્યો અને કહ્યું કે, બીબીસીએ 1943ના બંગાળ દુષ્કાળ પર પણ સિરીઝ બનાવવી જોઈએ. જેમાં 30 લાખથી વધુ ભૂખમરો અને બીમારીના કારણે મોતને ભેટ્યા હતા. વિવાદ વધ્યા બાદ બીબીસીએ યુટ્યુબ પરથી આ ડોક્યુમેન્ટ્રી હટાવી દીધી હતી.

યુએસએના કેલિફોર્નિયામાં ભારતીય મૂળના લોકોએ બીબીસી સામે વિરોધ કર્યો હતો.મળતી માહિતી મુજબ, 'ભારતીય ડાયસ્પોરા'ના બેનર હેઠળ લગભગ 50 સભ્યોએ નારા લગાવતા ફ્રેમોન્ટના રસ્તાઓ પર કૂચ કરી હતી. વિરોધ કરી રહેલા ભારતીય પ્રવાસીઓનું કહેવું છે કે તેઓ ભયાનક અને પક્ષપાતી BBC ડોક્યુમેન્ટરીને અસ્વીકાર કરે છે. માર્ચ કરનારાઓએ ફ્રેમોન્ટમાં કૂચ કરતી વખતે બીબીસી પર પક્ષપાતી અને જાતિવાદી હોવાનો આરોપ પણ મૂક્યો હતો. આ દરમિયાન લોકોએ બીબીસીનો વિરોધ કરતા બેનર પણ હાથમાં લીધા હતા. ભારતીય ડાયસ્પોરાએ વિરોધ કર્યો કે બીબીસી તેની પક્ષપાતી ડોક્યુમેન્ટ્રી દ્વારા ખોટો પ્રચાર કરી રહી છે.

(11:54 pm IST)