Gujarati News

Gujarati News

News of Friday, 28th August 2020

" જય ગણેશ , જય ગણેશ , જય ગણેશ દેવા " : પાકિસ્તાનમાં પણ ભારે ઉમંગ પૂર્વક " ગણેશ ઉત્સવ " ઉજવાયો : હિન્દૂ ઉપરાંત મુસ્લિમ બિરાદરો પણ જોડાયા : કરાંચીમાં રહેતા 800 જેટલા મરાઠી પરિવાર દ્વારા છેલ્લા 76 વર્ષથી કરાઈ રહેલી ઉજવણી

કરાચી : પાકિસ્તાનના કરાંચીમાં આવેલા મહમદઅલી ઝીણા માર્ગ ઉપર રહેતા 800થી વધુ મહારાષ્ટ્રીયન પરિવારના લોકો વર્ષોથી ગણેશોત્સવની ઉજવણી કરે છે. આ ઉત્સવ રત્નેશ્વર મહાદેવ મંદિર, ગણેશ મઠ મંદિર અને સ્વામીનારાયણ મંદિરમાં યોજાય છે. આ વર્ષે પણ દોઢ દિવસ માટે ગણેશજી બિરાજમાન થયા. કરાચીમાં 76 વર્ષ પહેલાં ગણેશોત્સવની શરૂઆત કરનારા કૃષ્ણા નાઈકના દીકરા રાજેશ નાઈક અને ઉત્સવમાં સામેલ થનારા લોકો કહે છે કે શ્રદ્ધા અને ભક્તિભાવનો આ સંગમ અમને વર્ષભર માટે ઊર્જાથી ભરપૂર કરી દે છે.
કરાચીના સોશિયલ એક્ટિવિસ્ટ વિશાલ રાજપૂત કહે છે કે ઉત્સવમાં સામેલ થવા માત્રથી અમને એ વાતનો વિશ્વાસ થઈ જાય છે કે બપ્પા અમને સંપૂર્ણપણે સુરક્ષિત રાખશે. આ જ કારણ છે કે સંપૂર્ણ પાકિસ્તાનમાં સૌથી વધુ ભક્તોની સંખ્યા કરાચીમાં એકઠી થાય છે. પેશાવર અને પંજાબથી પણ વધુ. વિસર્જન દરમિયાન જુલૂસ પણ નીકળે છે પણ ક્યારેય કોઈ કોમી અથડામણ થઈ નથી. મુસ્લિમ પરિવારો પણ ઉત્સવમાં ઉત્સાહપૂર્વક ભાગ લે છે. હા, આ વખતે કોરોનાના કારણે વધારાની સાવચેતી રખાઈ હતી. પંડાલમાં માસ્ક અને સેનિટાઈઝરની સાથે બે હાથનું અંતર પણ જળવાયું હતું.
કરાચીમાં તાજેતરમાં મંદિરો તોડવાની ઘટના અંગે વિશાલે કહ્યું કે ન તો કોઈ મંદિર તોડાયું ન તો ધાર્મિક સ્વતંત્રતા પર કોઈ પણ પ્રકારની રોક લગાવાઈ. અહીં ત્યારે પણ માહોલ સામાન્ય જ રહે છે જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ રહે છે. કોરોના કાળમાં વ્યવસ્થાના સંચાલનમાં સમીર અને અદનાન જેવા સ્થાનિકોએ અમને સંપૂર્ણ બે દિવસ મદદ કરી હતી. આજુબાજુના તમામ લોકો હળીમળીને જ રહે છે.
કરાચીમાં ગણેશોત્સવની પરંપરા શરૂ કરનારા કૃષ્ણા નાઈક પરિવારના સભ્ય રાજેશ ખુદ ઓર્ડર પર મૂર્તિઓ તૈયાર કરી આપે છે. હવે શ્રદ્ધાળુઓ પણ ઘેર-ઘેર મૂર્તિઓ તૈયાર કરી લે છે. દુબઈથી પણ મોટા પાયે મૂર્તિઓ મગાવાય છે પણ આ વખતે કોરોનાના કારણે મગાવાઈ નથી.

(11:45 am IST)