Gujarati News

Gujarati News

News of Sunday, 19th December 2021

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા: નડિયાદના પટેલ યુવકની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા કરાઇ

પટેલ પરિવારની વ્યક્તિની અમેરિકાના કોલંબસમાં હત્યા કરી દેવાની ઘટનાએ સમગ્ર ચરોતર પંથકને હચમચાવી મૂક્યું

ખેડા-આણંદ જિલ્લામાંથી હજારો, લાખો લોકો પરદેશ વસવાટ કરે છે, માટે આ વિસ્તારને NRIનું હબ ગણવામાં આવે છે. મૂળ નડિયાદના વતની અને વર્ષોથી પરિવાર સાથે સ્થાયી થયેલા પટેલ પરિવારની વ્યક્તિની અમેરિકાના કોલંબસમાં હત્યા કરી દેવાની ઘટનાએ સમગ્ર ચરોતર પંથકને હચમચાવી મૂક્યું છે.

પરદેશમાં અવારનવાર ગુજરાતી લોકો પર હુમલા, હત્યાના બનાવો બને છે, જેને ડામવા સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે એવી માગ ઊઠી છે.

ખેડા જિલ્લાના નડિયાદના વતની અને વર્ષોથી પોતાના પરિવાર સાથે અમેરિકાના કોલંબસમાં રહેતા પટેલ પરિવાર પર આજે આફતનો પહાડ તૂટી પડ્યો છે. આ પરિવારના 45 વર્ષીય અમિત પટેલ નામની વ્યક્તિ કોલંબસમાં એક બેંકમાં નાણાં ડિપોઝિટ કરવા ગઈ હતી. આ દરમિયાન કોઈ અજાણ્યા લોકોએ તેમને શરીરના ભાગે ગોળી મારી નિર્મમ હત્યા કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. નાણાં ભરવા જતાં આ હત્યા લૂંટના ઈરાદે થઈ હોવાનું પરિવારજનો માની રહ્યાં છે.


ઉલ્લેખનીય છે કે અમિત પટેલ વર્ષોથી પોતાના પરિવાર સાથે અહીં રહે છે. ઉપરાંત તેઓ ગેસ સ્ટેશનના માલિક હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે 3 વર્ષની અમિતભાઈની પુત્રીનો આજે જન્મદિવસ હતો અને આ દિવસે જ પિતાનું મૃત્યુ થતાં પટેલ પરિવાર પર શોકમગ્ન અને ભારે આક્રંદ છવાયો છે. પરદેશમાં અવારનવાર ગુજરાતી લોકોની હત્યાનો બનાવો બની રહ્યા છે ત્યારે એના પર અંકુશ લાદવામાં આવે એવી માગ ચરોતરના NRI લોકો કરી રહ્યા છે. ઉપરોક્ત હત્યાના બનાવમાં શુ કારણ બહાર આવશે એ તો પોલીસની તપાસનો વિષય છે.

(12:15 am IST)