એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 1st September 2020

અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદની ચૂંટણીમાં બેલેટ પેપરથી મત આપવાનો વિકલ્પ અપાયો : મતદારોને બેલેટ પેપર મોકલવાનું શરૂ : ચૂંટણીની તારીખ પહેલા 14 દિવસ અગાઉ ભરીને મોકલી દેવું જરૂરી : તેનાથી મોડું થાય તો મત રદ થવાની ભીતિ

વોશિંગટન : અમેરિકામાં 3 નવેમ્બરના રોજ યોજાનારી પ્રેસિડન્ટ પદ માટેની ચૂંટણીમાં મતદાન કરવા માટે બેલેટ પેપરનો વિકલ્પ આપવામાં આવ્યો છે.જે માટે બેલેટ પેપર મોકલવાનું શરૂ પણ કરી દેવાયું છે.
પોસ્ટલ સર્વિસ દ્વારા જણાવાયું છે કે બંને તરફની ડિલિવરીમાં 14 દિવસ સુધીનો સમય લાગી શકે છે. 2018ની મધ્યસત્ર ચૂંટણી દરમિયાન અંદાજે 1.14 લાખ મત મોડા આવવાના કારણે રદ કરાયા હતા. જોકે, મતદારો છેલ્લી ઘડી સુધી રાહ ન જુએ તો બેલેટથી વોટ આપવા તેમની પાસે પૂરતો સમય રહેશે. નોર્થ કેરોલિનામાં બેલેટ મોકલવાનું 4 સપ્ટે.થી શરૂ થશે. લોકો પાસે પૂરા 60 દિવસનો સમય રહેશે. અલબામામાં 9 જ્યારે કેન્ટકીમાં 15 સપ્ટે.થી પ્રક્રિયા શરૂ થશે.
મિનેસોટામાં મતદાનના આગલા દિવસ સુધી બેલેટ માટે અરજી કરી શકાશે
16 રાજ્યમાં બેલેટ માટે અરજી કરવા અને તે પરત કરવા વધુમાં વધુ 6 દિવસનો સમય મળશે. જ્યોર્જિયા, અલબામા જેવાં રાજ્યો સામેલ.
19 રાજ્યમાં 12 દિવસ સુધીનો સમય રહેશે. અરજદાર સુધી બેલેટ પહોંચવામાં 6 દિવસ જેટલો સમય લાગી શકે છે. ફ્લોરિડા, વર્જિનિયા જેવાં રાજ્યો સામેલ.
6 રાજ્યમાં આ પ્રક્રિયા માટે 14 કે તેથી વધુ દિવસનો સમય રહેશે. ન્યુ મેક્સિકો, અલાસ્કા, આયોવા, ન્યુયોર્ક, મેરિલેન્ડ અને રોડ આઇલેન્ડ સામેલ.
9 રાજ્યના તમામ મતદારોને અરજી વિના બેલેટ મોકલાશે. તેમાં નેવાડા, કેલિફોર્નિયા, કોલોરાડો અને વોશિંગ્ટન જેવાં રાજ્યો સામેલ છે.
ચૂંટણીના દિવસે જ સૌથી વધુ બેલેટ આવે છે
ચૂંટણીના દિવસે અધિકારીઓ પાસે 20 ટકા જેટલા બેલેટ આવે છે. બીજા દિવસે પણ મોટા પાયે બેલેટ પહોંચવાનો સિલસિલો જારી રહે છે પણ તે રદ કરવા પડે છે. પૂર્વ ચૂંટણી અધિકારી મિસ પેટ્રિક્સે જણાવ્યું કે સ્થાનિક ચૂંટણી અધિકારીઓ માટે મોટી સંખ્યામાં બેલેટ સંભાળવા ભારે પડકારરૂપ હોય છે.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:48 pm IST)