એન. આર. આઈ. સમાચાર
News of Monday, 7th September 2020

પાકિસ્તાનમાં પત્રકારો સલામત છે ' : પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાનના વિધાન બાદ વધુ એક પત્રકારની હત્યા : સરકારી ચેનલમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવતી 27 વર્ષીય મહિલા પત્રકાર શાહિનની તેના ઘરમાં જ હત્યા કરી દેવાઈ : છેલ્લા 28 વર્ષમાં 61 પત્રકારો હત્યાનો ભોગ બન્યા

ઇસ્લામાબાદ : હજુ થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનના પ્રાઈમ મિનિસ્ટર ઇમરાનખાને કહ્યું હતું કે પાકિસ્તાનમાં પત્રકારો સલામત છે.પરંતુ તેના આ વિધાનને ખોટો પડતો બનાવ બન્યો છે.જે મુજબ સરકારી ચેનલમાં રિપોર્ટર તરીકે ફરજ બજાવતી 27 વર્ષીય મહિલા પત્રકાર શાહિનની તેના ઘરમાં જ હત્યા કરી દેવાઈ હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.
પ્રાપ્ત વિગત મુજબ  શાહીના શાહીન સરકારી ટીવી ચેનલ પાકિસ્તાન ટીવીમાં એન્કર અને રિપોર્ટર હતી. થોડાક દિવસો પહેલા તેની બલૂચિસ્તાનના તુરબતમાં ટ્રાન્સફર થઈ ગઈ હતી.
શાહીન પહેલા ઈસ્લામાબાદમાં એક ખાનગી ટીવી ચેનલ માટે કામ કરતી હતી. ત્યારપછી તેની પસંદગી સરકારી ટીવી ચેનલમાં થઈ ગઈ. ઈસ્લામાબાદમાં થોડાક મહિના રહ્યા પછી શાહીનની ટ્રાન્સફર બલૂચિસ્તાનના તુરબતમાં થઈ ગઈ છે. તે એક લોકલ મેગેઝિનની એડિટર પણ હતી. 27 વર્ષની શાહીન ક્વેટા યુનિવર્સિટીથી PhD પણ કરી રહી હતી.
શાહીનની હત્યા તેના ઘરમાં ઘુસીને જ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, બે હુમલાખોરો તેના ઘરે પહોંચ્યા. દરવાજો ખોલતાની સાથે જ શાહીન પર ગોળીઓ વરસાવી દેવાઈ. શાહીનને પાંચ ગોળીઓ વાગી. પોલીસના જણાવ્યા પ્રમાણે, એક અજાણી વ્યક્તિ શાહીનને કારમાં હોસ્પિટલ લઈને પહોંચી. પણ થોડીકવારમાં તે વ્યક્તિ ગાડી છોડીને ફરાર થઈ ગઈ હતી. પોલીસ ઘટનાની તપાસ કરી રહી છે. શાહીનના પરિવારે ઘણા લોકો વિરુદ્ધ નામ સાથે કેસ કર્યો છે. જેમાં શાહીનનો પતિ પણ સામેલ છે. શાહીનના પાંચ મહિના પહેલા લગ્ન થયા હતા.
બલૂચિસ્તાન સરકારના પ્રવક્તા લિયાકત શાહવાનીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. કહ્યું કે, અમે શાહીનની હત્યા કરનારાની શોધ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં તેમની ધરપકડ કરાશે. મીડિયા વોચડોગ ફ્રીડમ નેટવર્કે પણ ઘટના અગે દુઃખ વ્યક્ત કરી ગુનેગારોને ઝડપથી પકડવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે 1992 ની સાલ પછીથી છેલ્લા 28 વર્ષમાં પાકિસ્તાનમાં કુલ 61 પત્રકારોની હત્યા થઇ છે. ગત વર્ષ મે મહિનામાં ઉરુજ ઈકબાલ નામની મહિલા પત્રકારની પણ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

(1:12 pm IST)