એન. આર. આઈ. સમાચાર
News of Friday, 4th September 2020

એરોનોટિકલ એન્જીનીઅર ઇન્ડિયન અમેરિકન શ્રી વિશાલ એસ.અમીનની સિદ્ધિ : અમેરિકન સરકારના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન ( FAA ) પ્રતિનિધિ તરીકે ન્યુદિલ્હીમાં નિમણુંક : આ હોદા ઉપર નિમણુંક મેળવનાર સૌપ્રથમ ભારતીય તરીકેના વિક્રમનું સર્જન કર્યું : ભારત, પાકિસ્તાન સહિતના સાઉથ એશિયાના દેશોમાં નાગરિક તથા ઉડ્યન ક્ષેત્રે અમેરિકન ધારાધોરણ મુજબ સલામતી જાળવવાની કામગીરી બજાવશે

યુ.એસ. : છેલ્લા 20 વર્ષનો સિવિલ અને મિલિટરી ઉડ્યનનો અનુભવ ધરાવતા ભારતીય મૂળના યુવાન શ્રી વિશાલ એસ.અમીનની ભારતમાં અમેરિકન સરકારના સાઉથ એશિયા માટેના સીનીઅર ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન ( FAA ) પ્રતિનિધિ તરીકે  ન્યુદિલ્હી ખાતે નિમણુંક કરાઈ છે.આ હોદા ઉપર નિમણુંક મેળવનાર તેઓ સૌપ્રથમ ભારતીય છે.

તેઓ  યુ.એસ.ના  ભારત અને પાકિસ્તાન સાથેના  સિવિલ તથા ઉડ્યન ડિપાર્ટમેન્ટ  સબંધો વધુ દ્રઢ બનાવવાની કામગીરી સંભાળશે.ઉપરાંત અફઘાનિસ્તાન ,બાંગલાદેશ નેપાળ ,ભૂટાન ,શ્રીલંકા તેમજ માલદીવ્સ સાથે પણ અમેરિકાના નાગરિક ઉડ્યન વિભાગની પોલિસી અમલી બનાવશે. જે અંતર્ગત નાગરિક ઉડ્યન ક્ષેત્રે સલામતી જાળવવા તેમજ આંતર રાષ્ટ્રીય ઉડ્યન ક્ષેત્રે પણ અમેરિકાના ધારાધોરણ મુજબ સલામતી જાળવવા કાર્યરત રહેશે.

તેઓ Aertron, Inc., માં ચીફ એક્ઝિક્યુટિવ તરીકે ,મેરીલેન્ડ એવિએશન કમિશનના કમિશનર તરીકે ,નેશનલ ટ્રાન્સપોર્ટ સેફટી બોર્ડના ચેરમેન તરીકે ,ઉપરાંત કેનેડા તથા જાપાન સેફટી બોર્ડ ,તેમજ યુ.કે.એર એક્સીડન્ટ બ્રાન્ચમાં સેવાઓ આપી ચુક્યા છે.

શ્રી વિશાલે કારકિર્દીની શરૂઆત ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન ( FAA ) માં એર ટ્રાફિક કોન્ટ્રોલર તરીકે કરી હતી.બાદમાં જુદા જુદા હોદ્દાઓ ઉપર ફરજ બજાવી હતી.તેઓ  ( FAA ) દ્વારા અધિકૃત કોમર્સીઅલ પાઇલોટ તરીકેની માન્યતા ધરાવે છે.તેમજ સિંગલ અને મલ્ટી એન્જીન ફ્લાઇટ ઇન્સ્ટ્રકટર તરીકે માન્યતા ધરાવે છે.તેઓ મેસેચ્યુએટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીનું પ્રોફેશનલ સર્ટિફિકેટ ધરાવે છે.ઉપરાંત એમ્બ્રી રિડન એરોનૉટિકલ યુનિવર્સીટીનું  બેચલર ઓફ સાયન્સ ઈન એરોનોટિકલ સાયન્સનું સર્ટિફિકેટ  ધરાવે છે.તેમણે યુનાઇટેડ સ્ટેટ્સ એરફોર્સમાં 4 વર્ષ ફરજ બજાવેલ છે.તથા યુ.એસ.એરફોર્સ એકેડેમીમાં પણ તેમને નિમણુંક અપાઈ હતી.તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા ઉપર પણ પ્રભુત્વ ધરાવે છે. સુખી લગ્નજીવન ધરાવતા અને બે સંતાનના પિતા તરીકે તેઓ  ગૌરવ અનુભવે છે.તેવું શ્રી જયેશ પટેલની યાદી દ્વારા જાણવા મળે છે.

(1:33 pm IST)