એન. આર. આઈ. સમાચાર
News of Tuesday, 8th June 2021

યુ.એસ.એ.ના વાઇસ પ્રેસિડન્ટ સુશ્રી કમલા હેરિસના વિમાનમાં ટેક્નિકલ ખામી : ઉડાન ભર્યાની 25 મિનિટમાં જ લેન્ડિંગ કરવાની ફરજ પડી : વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા પછીની પહેલી જ વિદેશ યાત્રામાં વિઘ્ન

વોશિંગટન : યુ.એસ.એ.ના વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન અમેરિકન સુશ્રી કમલા હેરિસના વિમાનમાં ટેક્નિકલ ખામી આવતા તેઓને ઉડાન ભર્યાની 25 મિનિટમાં જ લેન્ડિંગ કરવાની ફરજ પડી હતી.

રવિવારે ટેકઓફ થયાની  25 મિનિટ પછી તકનીકી ખામીને કારણે તેઓને મેરીલેન્ડમાં જોઇન્ટ બેઝ એન્ડ્રુઝ પાછા ફરવું પડ્યું. જો કે, અધિકારીઓના મતે તેમની સલામતી માટે કોઈ મોટો ખતરો જોવા મળ્યો નથી. સુશ્રી  હેરિસ ગ્વાટેમાલા અને મેક્સિકોની મુલાકાતે જઈ રહ્યા હતા .

સુશ્રી હેરિસ સાથે મુસાફરી કરી રહેલા તેમના પ્રવક્તા સિમોન સેન્ડર્સે જણાવ્યું હતું કે, વિમાન સલામત રીતે ઉતર્યું હતું, તથા ઉપરાષ્ટ્રપતિએ આશરે એક કલાક પછી બીજા વિમાનમાં ઉપડવાની અપેક્ષા રાખી હતી. તેમણે કહ્યું કે તે તકનીકી ખામી છે અને સુરક્ષાની કોઈ મોટી ચિંતા નથી.

સુશ્રી  હેરિસ  આ અઠવાડિયે ગ્વાટેમાલા અને મેક્સિકોના પ્રવાસ પર છે . તેમની મુલાકાત આ કોરોનાથી પ્રભાવિત દેશોમાં સંબંધોને વધુ મજબૂત  બનાવવાની  છે. અમેરિકામાં ગેરકાયદેસર રીતે રહેતા રહેવાસીઓ આ દેશોમાંથી આવે છે. ગેરકાયદેસર સ્થળાંતર એ અમેરિકાની સૌથી મોટી સમસ્યા છે.

ઉલ્લેખનીય છે કે વાઇસ પ્રેસિડન્ટ તરીકે ચૂંટાઈ આવ્યા પછી આ તેમની પહેલી વિદેશી યાત્રા  છે.

 

(9:54 am IST)