એન. આર. આઈ. સમાચાર
News of Wednesday, 9th June 2021

વિદેશી ડોક્ટરોને દેશમાં લાવવા અમેરિકી સેનેટમાં બિલ રજૂ : ભારતીયોને મળશે લાભ

અમેરિકામાં વસતા જે-1 વિઝાવાળા અનેક ડોક્ટરોને લાભ મળશે: ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તારોમાં કામ કરવા માટે પરદેશી ડોક્ટરોને આકર્ષિત કરશે

અમેરિકામાં ડોક્ટરોની અછતને દૂર કરવા માટે વિદેશી નાગરિકોને આકર્ષિત કરવાની યોજના પર કામ શરૂ થઇ ચૂક્યું છે. આ માટે પ્રભાવશાળી સાંસદોના દ્વિદલીય જૂથે એક એવો ખરડો બીજી વાર રજૂ કરવાની ઘોષણા કરી છે કે જે દેશના ગ્રામીણ તથા અંતરિયાળ વિસ્તારોમાં કામ કરવા માટે પરદેશી ડોક્ટરોને આકર્ષિત કરશે. આ જોગવાઇનો લાભ ભારતીયોને પણ ચોક્ક્સ મળશે.

દેશના સંસદીય ગૃહ સેનેટની સ્વાસ્થ્ય, શિક્ષણ, શ્રમ અને પેન્શન સમિતિના સભ્ય સેનેટર જૈકી રોજેન સહિતના અનેક સાંસદોએ આ ખરડાને બીજી વાર રજૂ કર્યો છે.

આ જ પ્રકારનો ખરડો સાંસદ બ્રૈડ સ્નાઇડરે પ્રતિનધિ સભામાં રજૂ કર્યો. જો આ ખરડો અમેરિકાના બંને ગૃહોમાં પસાર થઇને એના પર રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થઇ જાય તો એ હજારો ભારતીય ડોક્ટરોને સૈાથી વધુ લાભ થશે, જેઓ ત્યાં વસ્યા છે. તદુપરાંત, નોકરી-વ્યવસાય માટે અમેરિકા જવા માગતા ડોક્ટરોને પણ આ સૂચિત કાયદાનો પ્રત્યક્ષ લાભ મળશે.

કોનરાડ સ્ટેટ 30 એન્ડ ફિઝિશ્યન એક્સિસ રિઓથોરાઇઝેશન એક્ટને ફરીથી રજૂ કરવાથી જેમની રેસિડેન્સી પ્રશિક્ષણ કાર્યક્રમની મર્યાદા પૂરી થઇ ચૂકી છે એવા વિદેશી ડોક્ટરો, ડોક્ટરોની અછતવાળા વિસ્તારોમાં સેવા પૂરી પાડી શક્શે.

હાલની જોગવાઇ મુજબ અમેરિકામાં જે - 1 વિઝા અંતર્ગત કાર્યરત અન્ય દેશોના ડોક્ટરોએ રેસિડેન્સી પ્રશિક્ષણ કાર્યક્રમની મર્યાદા પૂરી થતાં બે વર્ષ માટે સ્વદેશ પાછા ફરવું પડે છે. એ પછી જ તેઓ વિઝા અથવા ગ્રીનકાર્ડ માટે અરજી કરી શકે છે. જો કે સૂચિત નવા કાયદા અંતર્ગત વિદેશી ડોક્ટરોએ એમના દેશમાં પાછા જવું પડશે નહિ. અને તેઓ અમેરિકામાં રહીને ત્રણ વર્ષ સુધી ડોક્ટરોની અછતવાળા વિસ્તારોમાં સેવા આપી શકશે.

દરમિયાન, અમેરિકી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર જૈક સુલિવને જણાવ્યું કે દેશમાં લોકતાંત્રિક સુધારા અને મતાધિકારોની મૂળ ભાવના રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. કાર્યભાર સંભાળ્યા પછી રાષ્ટ્રપતિ જો બાઇડેનના પ્રથમ વિદેશ પ્રવાસ અગાઉ સુલિવને આમ જણાવ્યું.

બાઇડેન આ પ્રવાસમાં ઇંગ્લેન્ડ, બ્રસેલ્સ તથા જિનિવા જશે. ત્યાં તેઓ જી-9ની સુમિત બેઠકમાં પણ હાજરી આપશે. સુલિવને જણાવ્યું કે આપણી હરીફાઇ નિરંકુશ શાસનવાળા દેશો સાથે છે. આપણે વિશ્વને બતાવવા માગીએ છીએ કે અમેરિકી લોકતંત્ર અને સ્પષ્ટ લોકતાંત્રિક વ્યવસ્થાઓ કાર્ય કરવામાં સક્ષમ છે અને લોકોની ઇચ્છાનુસાર અસરકારક પરિણામ આપવામાં પણ સક્ષમ છે.

(12:39 am IST)