એન. આર. આઈ. સમાચાર
News of Sunday, 14th August 2022

ન્યુ જર્સીનો ' હેલ્થકેર હીરોઝ એવોર્ડ ' બે ગુજરાતીઓને : 12,000 દર્દીઓની સેવા કરી : 100,000 ડોલરની દવાઓ મફત આપી : છેલ્લા બે દાયકાથી કોમ્યુનિટી આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપનાર ડો.તુષાર પટેલ તથા ફાર્માસીસ્ટ શ્રી રિતેશ શાહને NJBIZ 2022 હેલ્થકેર હીરોઝ એવોર્ડ આપી સન્માનિત કરાયા

ન્યુજર્સી : 12,000 દર્દીઓની સેવા કરનારા અને 100,000 ડોલરની દવાઓ મફત આપનારા બે ગુજરાતી ડોક્ટરોને ન્યુ જર્સીનો હેલ્થકેર હીરોઝ એવોર્ડ આપી સન્માનિત કરાયા છે.

ડો.તુષાર પટેલ અને ફાર્માસીસ્ટ શ્રી રિતેશ શાહનું સન્માન કરવામાં આવ્યું છે. તેઓને આરોગ્ય ક્ષેત્રે સેવાઓ આપવા બદલ 10 ઑગસ્ટ 2022 ના રોજ NJBIZ પબ્લિક હેલ્થ હીરો એવોર્ડ કેટેગરીમાં 2022 નો ન્યુ જર્સી હેલ્થકેર હીરો એવોર્ડ આપવામાં આવ્યો છે.

ડોક્ટર. પટેલ અને શાહ બંને છેલ્લા બે દાયકાથી સાથે કામ કરે છે. ડોક્ટર. તુષાર પટેલએ 1999 થી તેમની ન્યુ જર્સી ખાતેની બિન-લાભકારી સંસ્થા ઈન્ડિયન હેલ્થ કેમ્પ - IHCNJ દ્વારા તેમની આગેવાની હેઠળ12,000થી વધુ દર્દીઓને વિનામૂલ્યે સેવાઓ પૂરી પાડી છે. વીમાધારક અથવા ઓછા વીમાધારકોને મફત આરોગ્ય તપાસ સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. રોગોને રોકવા અને જીવન બચાવવા માટે 3,500 થી વધુ ક્રોનિક રોગની ઓળખ કરી આપી છે.

ડૉ. પટેલને IHCNJ ના માધ્યમ દ્વારા 2020 થી COVID-19 અંગે કોમ્યુનિટીને માર્ગદર્શન આપવા બદલ 2018 નો એજ્યુકેશન હીરો ઓર્ગેનાઇઝેશન કેટેગરીનો NJ BIZ હેલ્થકેર હીરો એવોર્ડ મળ્યો.

બિઝનેસ એન્ટરપ્રેન્યોર અને ફાર્માસિસ્ટ શ્રી રિતેશ શાહ છેલ્લા બે દાયકાથી ન્યુ જર્સીમાં ઈન્ડિયન હેલ્થ કેમ્પ સાથે ચેરિટેબલ ફાર્મસી ચલાવી રહ્યા છે. જે અંતર્ગત તેમણે જરૂરિયાતમંદ દર્દીઓને દવાઓ, રસીકરણ,  તેમજ આરોગ્ય શિક્ષણ ક્ષેત્રે ફાર્મસીના માધ્યમ દ્વારા ન્યૂ જર્સીમાં જરૂરિયાતમંદ લોકોને 100,000 ડોલરની કિંમતની દવાઓનું દાન કર્યું .

ન્યૂજર્સીના સમરસેટ પાર્કના પેલેસમાં 10 ઑગસ્ટ 2022 ના રોજ એવોર્ડ વિતરણ સમારંભ યોજાયો હતો.જેમાં શ્રી રિતેશ શાહ તથા ડો.તુષાર પટેલ એલન કાર્પ, હેલ્થકેર મેનેજમેન્ટના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ, હોરાઇઝન બ્લુ ક્રોસ બ્લુ શીલ્ડ ઓફ ન્યુજર્સી સાથે જોવા મળ્યા હતા.તેવું એ.જી.એન.દ્વારા જાણવા મળે છે.

(7:06 pm IST)