એન. આર. આઈ. સમાચાર
News of Monday, 14th September 2020

પાકિસ્તાનમાં ફ્રાન્સની મહિલા ઉપર સામુહિક બળાત્કાર મામલે વિરોધ પ્રદર્શન ચાલુ : એક આરોપીએ સરન્ડર કરી પોતે નિર્દોષ હોવાનો બચાવ કર્યો : મુખ્ય આરોપી આબીદ અલી અને તેના સાથીદારોની ધરપકડ માટે પોલીસ રવાના

ઇસ્લામાબાદ : પાકિસ્તાનમાં ગુરુવારે ફ્રાન્સની એક મહિલા ઉપર તેના બંને સંતાનોની હાજરીમાં થયેલા સામુહિક બળાત્કાર મામલે વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. પીડિત મહિલા  રાત્રે કારમાં જઈ રહી હતી ત્યારે રસ્તામાં કાર ખોટવાઈ જતા મદદની રાહ જોઈ રહી હતી. તે સમયે કેટલાક યુવાનો આવી કારનો દરવાજો તોડી  ઢસડી તેને નજીકની વેરાન જગ્યામા લઇ ગયા હતા અને તેના ઉપર સામુહિક બળાત્કાર ગુજાર્યો હતો. જેનો પ્રજાજનોમાં ભારે વિરોધ થતા બળાત્કારના એક આરોપી વકારુલ હસને સરન્ડર કરી દીધું છે.તથા જણાવ્યું છે કે પોતે આ કાર્યમાં શામેલ નથી.તેની માતાએ પણ તેનો બચાવ કર્યો છે.
સામુહિક બળાત્કારનો મુખ્ય આરોપી આબીદ અલી લાહોરથી 400 કિલોમીટર દૂર રહે છે.જે આ અગાઉ પણ બળાત્કારના આરોપમાં પકડાયા બાદ જેલમાં જઈ આવેલો છે.તેની તથા તેના સાગરીતોની ધરપકડ માટે પોલીસ તેના નિવાસ સ્થાને જવા રવાના થઇ ગઈ છે તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:15 pm IST)