એન. આર. આઈ. સમાચાર
News of Friday, 12th November 2021

અમેરિકાના એટલાન્ટામાં આવેલી ગોકુલધામ હવેલીમાં ભાઇબીજ પર્વે ભવ્ય અન્નકૂટ મહોત્સવ ઉજવાયો : 151 અવનવી મીઠાઇ-વાનગીઓ સાથે આયોજિત અન્નકૂટના દર્શનાર્થે 2500 શ્રદ્ધાળુઓ ઉમટ્યા : ગોકુલધામના પ્રાંગણમાં 15 મિનિટ સુધી યોજાયેલી ભવ્ય આતશબાજી નિહાળી શ્રદ્ધાળુઓ આનંદથી ઝૂમી ઊઠ્યા

એટલાન્ટા : અમેરિકાના એટલાન્ટા સિટીમાં સ્થપાયેલી ગોકુલધામ હવેલી ખાતે નવા વર્ષ નિમિત્તે શનિવારે ભાઇબીજ પર્વે ગોવર્ધનપૂજા સાથે અન્નકૂટ મહોત્સવની આસ્થાપૂર્વક ઉજવણી કરાઇ હતી. કડકડતી ઠંડી હોવા છતાં 151 અવનવી મીઠાઇ-વાનગીઓ સાથે આયોજિત આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે 2500 જેટલાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. રાત્રે 8 વાગે ભવ્ય આતશબાજી સાથે અન્નકૂટ મહોત્સવનું સમાપન થયું હતું. અન્નકૂટ મહોત્ત્સવમાં અતિથિ વિશેષ તરીકે સુવાની સિટી કાઉન્સિલના મેયર પ્રો-ટેમ લિનિયા મિલર અને સુવાની સિટીના પોલીસ વડા ચીફ કાસ મૂની ઉપસ્થિત રહેતાં તેમનું સન્માન કરાયું હતું. આ બંને અતિથિઓએ ભારતીય સંસ્કૃતિ અને ધાર્મિક પરંપરાની પ્રશંસા કરી હતી.

વડોદરાના કલ્યાણરાયજી મંદિરના ષષ્ઠપીઠાધીશ્વર વૈષ્ણવાચાર્ય પૂ.દ્વારકેશલાલજી મહારાજના માર્ગદર્શન હેઠળ એટલાન્ટા ખાતે ગોકુલધામ હવેલી સ્થપાઇ છે. આ હવેલીમાં દિવાળી અને નૂતન વર્ષ પર્વ નમિત્તે શનિવારે ભાઇબીજ પર્વે શ્રી ગોવર્ધનનાથજી અને શ્રી કલ્યાણરાયજી પ્રભુના સાંનિધ્યમાં ગોવર્ધન પૂજા સાથે અન્નકૂટ મહોત્સવનું આયોજન કરાયું હતું.

શનિવારે સવારે 10 થી 11.30 સુધી ગોકુલધામ હવેલીના દર્શન ચોકમાં ગોવર્ધનપૂજા યોજાઇ હતી. ગોવર્ધન પૂજાના મનોરથી  શ્રી હેતલ અને શ્રી અર્ચના શાહ સહિત વૈષ્ણવ શ્રદ્ધાળુઓએ આ પૂજાનો લ્હાવો લઇ ગોવર્ધનજીની પરિક્રમા કરી હતી.

 ત્યારબાદ બપોરે 3 થી રાત્રે 8 વાગ્યા સુધી શ્રી ઠાકોરજીના ભોગ અર્થે અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. ગોકુલધામ હવેલીના મુખ્યાજી નરપત મહારાજ દ્વારા તૈયાર કરાયેલી 108 જેટલી અવનવી મીઠાઇઓ,વાનગીઓ અને વિવિધ પકવાન મળી 151 સામગ્રી-વાનગીઓ સાથેના આ ભવ્ય અન્નકૂટ મહોત્સવના દર્શનાર્થે એટલાન્ટા અને તેની આસપાસના શહેરોમાંથી મોટી સંખ્યામાં વૈષ્ણવ શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. કોરોના મહામારીને કારણે જ્યોર્જિયા સ્ટેટ ગર્વમેન્ટના નિયમોનું પાલન કરીને યોજાયેલા આ અન્નકૂટ મહોત્સવ વેળા માસ્ક પહેરીને તેમજ સોશ્યિલ ડિસ્ટન્સિંગ જાળવી શ્રદ્ધાળુઓએ શ્રી ઠાકોરજી તેમજ અન્નકૂટના દર્શન કર્યા હતા. અન્નકૂટ દરમિયાન યોજાયેલી બે મહાઆરતીનો લ્હાવો લઇ શ્રદ્ધાળુઓ ધન્ય બન્યા હતા.

અન્નકૂટ મહોત્સવના મુખ્ય મનોરથી વાન્ટેજના શ્રી જય પારેખ, ડૉ.મુકુંદ અને સુશ્રી મૃદુલા રાજા, સ્વ.દિલીપભાઇ તેમજ સુશ્રી સરોજબહેન પટેલ, સ્વ.વિપિનભાઇ અને સુશ્રી મનોરમાબહેન મજમુદાર સહિત 25 મનોરથીઓનું શ્રી ઠાકોરજી સન્મુખ સન્માન કરાયું હતું.

અન્નકૂટ મહોત્સવ સાથે આયોજિત નિ:શુલ્ક મહાપ્રસાદનો શ્રદ્ધાળુઓએ લ્હાવો લીધો હતો. શ્રદ્ધાળુઓએ ગોકુલધામ હવેલીના સ્વયંસેવક ભાઇઓ-બહેનો દ્વારા આ મહોત્સવ વેળા કરાયેલી કાબિલેદાદ વ્યવસ્થાની પ્રશંસા કરી હતી.

ગોવર્ધનપૂજા અને અન્નકૂટ મહોત્સવની ઉજવણીને ભવ્ય અને દિવ્ય બનાવવા ચેરમેન શ્રી અશોક પટેલ, એક્ઝિક્યુટિવ સેક્રેટરી શ્રી તેજસ પટવા, ટ્રેજરર શ્રી કિન્તુ શાહ, શ્રી જીગર શાહ, ટીમના સભ્યો શ્રી હેતલ શાહ, શ્રી પરિમલ પટેલ, શ્રી સમીર શાહ, શ્રી અલકેશ શાહ, શ્રી દીપ ઠાકર, શ્રી કેતુલ ઠાકર, શ્રી હિતેષ પંડિત, શ્રી ભાવેશ સુરેજા, શ્રી મિલન ભૂત, શ્રી આત્મય તલાટી અને શ્રી આર્ષ તલાટી, શ્રી કરણ શાહ, શ્રી આકાશ પટેલ, શ્રી પ્રજ્ઞેશ પટેલ, શ્રી ઉદય દેસાઇ તેમજ મહાપ્રસાદ સેવામાં શ્રી મનુભાઇ પટેલ, સુશ્રી રંજનબહેન સિરોયા, સુશ્રી સોહિનીબહેન,શ્રી પ્રકાશ પટેલ, શ્રી અશ્વિન પટેલ, શ્રી ગિરિશ શાહ, શ્રી નિકશન પટેલ, શ્રી કિરીટ શાહ, શ્રી અતુલ શાહે જહેમત ઉઠાવી હતી. ગોકુલધામ સજાવટ ટીમની બહેનોએ દર્શનાર્થે આવનાર શ્રદ્ધાળુઓને અન્નકૂટના પ્રસાદના વિતરણની ઉત્કૃષ્ઠ સેવા બજાવી હતી.

અન્નકૂટ અને મહાપ્રસાદ બાદ રાત્રે 8 વાગે ગોકુલધામના પ્રાંગણમાં ભવ્ય આતશબાજીનો કાર્યક્રમ યોજાયો હતો. 15 મિનિટ સુધી યોજાયેલી ફટાકડાની ભવ્ય આતશબાજી નિહાળી દર્શનાર્થીઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આતશબાજી સાથે અન્નકૂટ મહોત્ત્સવનું સમાપન થયું હતું. તેવું શ્રી દિવ્યકાંત ભટ્ટ દ્વારા જાણવા મળે છે.

(12:17 pm IST)